ગુજરાતની અતિ પ્રખ્યાત યુનિવર્સિટી દ્વારા તેના મેનેજમેન્ટના છેલ્લા વર્ષમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસના એક્સક્લુઝિવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓમાં એક ગજબનો ઉત્સાહ હતો. સેમિનારમાં મોટા મોટા બિઝનેસમેન, સી.ઈ.ઓ. કે પછી મોટિવેશનલ સ્પીકર હશે તે નક્કી જ હતું.
આ વર્ષે ખાલી આશ્ચર્ય એ વાતનું હતું કે હજી એક પણ સ્પીકરના ફોટો કોઈ પણ બેનર પર દેખાતા ન હતા. હોલ ખીચોખીચ ભરેલો હતો. સ્ટેજ પર પડદો ખૂલ્યો અને બધાની આંખો પહોળી થઈ ગઈ. ત્યાં કોઈ સૂટ-બૂટવાળા બિઝનેસ ટાયકૂન નહોતા. સ્ટેજ પર હતા એક વૃદ્ધ રિક્ષાચાલક, એક શાકભાજી વેચનાર બહેન અને કોલેજની બહાર ચાની લારી ચલાવતા વિજયભાઈ. વિદ્યાર્થીઓમાં ધીમો ગણગણાટ શરૂ થયો.
કોલેજના ડીને સ્મિત કરતાં કહ્યું, "મિત્રો, મારી દૃષ્ટિએ સાચા મોટિવેશન ગુરુ અત્યારે તમારી સામે છે. પહેલાં રાજુકાકા તમને સ્ટ્રેટેજી વિશે કંઈક કહેશે.''
રાજુકાકા રિક્ષાવાળા આવ્યા. હાથ જોડીને તેમણે કહ્યું, "બાળકો, હું ભણેલો નથી, પણ રસ્તા પરની ધૂળ મને ઘણું શીખવી ગઈ છે. હું છે ને રસ્તા પર નજર રાખું છું, કયો રસ્તો સરળ પડશે, ક્યાં ટ્રાફિક ઓછો હશે તેનું પ્લાનિંગ કરું છું. જો હું કયા રસ્તેથી નીકળીશ અને ક્યાં પહોંચીશ તેનું પ્લાનિંગ જ ન કરું તો મારું પેટ્રોલ વધારે બળે અને નફો ઓછો થાય. બિઝનેસ ચલાવવામાં પણ આ યાદ રાખવા જેવું.''
પછી લીલાબહેન શાકભાજીવાળાં આવ્યાં. તેમણે પોતાની ટોપલીમાંથી તાજી કોથમીર કાઢીને બતાવતાં કહ્યું, "જુઓ આ કોથમીર, કેટલી તાજી છે! સવારે 4 વાગ્યે ઊઠીને હું મંડીએ જાઉં છું. મારા ગ્રાહકોને શું જોઈએ છે, કેવું જોઈએ છે, તે હું જાણું છું. મારા ગ્રાહકોનો મારી પર વિશ્વાસ છે કે આના જોડે રાખેલી શાકભાજી તો વાસી હોય જ નહીં, તાજી જ હોય. બસ, ધંધાને સરસ ચલાવવા વિશ્વાસ કમાવો અને કંઈ પણ થાય, વિશ્વાસ તૂટે નહીં એનું ધ્યાન તમારે રાખવાનું છે. એકવાર વિશ્વાસ તૂટ્યો તો પછી ધંધો ક્યારેય નહીં ચાલે.''
છેલ્લે આવેલ વિજય ચાવાળાને સૌ ઓળખતા. એટલે હોલમાં બૂમો પણ પડી. એણે કહ્યું, "હું તો નાનકડી ચાની લારી ચલાવું છું, પણ દરેક વિદ્યાર્થીનો ચહેરો મને યાદ છે. કોને આદુંવાળી, કોને ઓછી ખાંડવાળી, કોને મોળી, એ બધી બાબતોનું મને ધ્યાન છે. સાહેબ, ગ્રાહકોને શું ગમે છે તેનું ધ્યાન રાખો. એનાથી ગ્રાહકને ખાસ હોવાનો અહેસાસ થાય છે. મુશ્કેલી આવે ત્યારે ગભરાશો નહીં, તેમાં પણ તક શોધો. વરસાદ પડે ત્યારે હું ડબલ આદું નાખી ગરમ મસાલા ચા બનાવું છું! પરિસ્થિતિને અનુરૂપ બનો.''
ડીને સેમિનારમાં બોલાવેલા અન્ય મહાન વક્તાઓને પણ આ વખતે સામે બેસાડ્યા હતા. સૌ કોઈએ કોલેજના ડીનની આ નવી પહેલ અને સાવ સરળ શબ્દોમાં સમજાવેલ બિઝનેસના સિદ્ધાંતને આવકાર્યા.