મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ચિત્રો કે કલાકૃતિઓ વિશે આપણે સાંભળ્યું અને જોયું હશે, પણ પર્વતો ઉપર કંઇક વિશેષ પ્રકારની આકૃતિઓ બનાવવામાં આવી હોય અને સૌથી મોટી વાત કે આ પ્રકારની આકૃતિઓ કોણે બનાવી હશે? એ આજે પણ દુનિયાભરના નિષ્ણાતો માટે ચર્ચાનો વિષય છે. આ જગ્યા દક્ષિણ અમેરિકાના પેરુમાં આવેલ રણ છે. આ રણની ટેકરીઓ ઉપર અનેક આકૃતિઓ દોરેલી છે, જેને નાઝકા લાઇન્સના નામથી ઓળખવામાં આવે છે.
નાઝકા લાઇન્સનો ઇતિહાસ
રણમાં જઇને કોઇ વિવિધ પ્રકારની આકૃતિ દોરે એ વાત જ પહેલી નજરમાં વિચિત્ર લાગે, પરંતુ આ હકીકત છે. નવાઇની વાત તો એ છે કે, આ લાઇન્સ એટલે કે આકૃતિને કોઇ વ્યક્તિ નજીક જઇને જુએ છે તો જાણે સાવ સામાન્ય હોય એવું લાગે છે, પરંતુ તેને હેલિકોપ્ટરમાં એટલે કે હવાઇ માધ્યમથી જોવામાં આવે તો આ લાઇન્સને જોઇને આશ્ચર્ય થાય કે, આવી વસ્તુ આજે પણ અસ્તિત્વમાં હોઇ શકે છે. નાઝકા લાઇન્સ આજકાલની નથી, પરંતુ આશરે 2000 હજાર વર્ષ જૂની હોવાનું મનાય છે. બે હજાર વર્ષ પહેલાં દોરવામાં આવેલી લાઇન્સ આજે પણ અસ્તિત્વ ધરાવે છે એ જ બહુ મોટી વાત છે.
નાઝકા લાઇનની શોધ
દુનિયાભરના પુરાતત્ત્વવિદ અને સ્પેસ સાયન્સ સાથે જોડાયેલા લોકો માટે આજે પણ ચર્ચાનો વિષય બનેલ નાઝકા લાઇન્સની શોધ સૌથી પહેલાં 1927ની આસપાસમાં આર્કિયોલોજિસ્ટ ટોરિબિયો મેજિયા ઝેસ્પે દ્વારા થઇ હતી. આ લાઇનને વાંચવાનું કામ 1937ની આસપાસ કરવામાં આવ્યું હતું. 1927થી લઇને આજ સુધી અહીં અનેક પ્રાચીન માનવ સભ્યતા સાથે જોડાયેલી વસ્તુઓ મળી આવી છે. નાઝકા લાઇન્સની રસપ્રદ વાત તો એ છે કે, અહીં એલિયન્સ ઊતર્યા હોવાનું મનાય છે. વાત જાણે એમ છે કે, આ વાતનો ઉલ્લેખ લેખક એરિચ વોને ચેરિયટ્સ ઓફ ધ ગોડ્સ નામના પુસ્તકમાં કર્યો છે. તેમણે એવું પણ લખ્યું હતું કે, આ લાઇન્સ હવામાં સંદેશો મોકલવા માટે બનાવવામાં આવી હતી.
નાઝકા લાઇન્સને લઇને એવી માન્યતા છે કે, એનું નિર્માણ કોલંમ્બિયાઇ સભ્યતાથી પ્રેરિત હતી. અમુક લોકોનું માનવું છે કે આ લાઇન્સનું નિર્માણ સિંચાઇ માટે કરવામાં આવ્યું હતું. જોકે, આ અંગેના કોઇ પ્રમાણ હજુ સુધી મળ્યાં નથી.
રહસ્યમય તથ્ય
એવું કહેવાય છે કે, અહીં દોરવામાં આવેલી અમુક લાઇન્સ આશરે 10થી 15 સેન્ટિમીટર ઊંડી છે. જ્યારે તેની પહોળાઇ એકસરખી નથી. નાઝકા લાઇન્સમાં એક-બે નહીં, પરંતુ આશરે 70 કરતાં વધારે જિયોમેટ્રિક આકૃતિઓ છે. એમાં પ્રાણીઓ અને પક્ષીઓની આકૃતિ પણ મળી આવી છે. અહીંની સૌથી મોટી આકૃતિ 1200 ફૂટની છે, એવું કહેવાય છે. નાઝકા લાઇન્સ આશરે 2500 વર્ગ કિલોમીટરના ક્ષેત્રને કવર કરે છે.
અનેક સંશોધનના આધારે એવું તારણ પણ કાઢવામાં આવ્યું છે કે, પ્રાચીન સમયના લોકોએ આ ચિત્રો ત્યારે બનાવ્યાં હશે જ્યારે પોતાના લોકોને કોઇ જગ્યા પર મળવા અંગે માહિતી આપવા ઇચ્છતા હશે. સંશોધકોનું માનવું છે કે જે લોકો યાત્રા કરતા હતા એમણે તેને સંકેતના રૂપમાં લખ્યા અથવા દોર્યા હશે. જે આજે સંશોધનનો વિષય બન્યો છે. 2019માં જાપાનના સંશોધકોએ ઉપગ્રહ ફોટોગ્રાફી અને થ્રીડી ઇમેજિંગની મદદથી આ સાઇટ પર 140 કરતાં વધારે નવા જિયોગ્લાઇફની માહિતી મેળવી હતી. થોડા સમય પહેલાં પુરાતત્ત્વવિદ્ અને કર્મચારી ત્યાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને બિલાડીની આકૃતિ જોવા મળી હતી.
સાંસ્કૃતિક માન્યતાઓ
વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે નાઝકા લાઇન્સનો સંબંધ જન્મ અથવા પ્રજનન સાથે જોડાયેલ રીતિરિવાજો સાથે રહ્યો હશે. આ ઉપરાંત વૈજ્ઞાનિક કહે છે કે, જ્યારે વાતાવરણમાં પરિવર્તન આવતું હશે, ત્યારે સ્થાનિક લોકો આ પ્રકારની છબીઓ બનાવતા હશે, જે ઘણા લાંબા સમય પછી આપણને જોવા મળી છે.
સિંચાઇ યોજના હોવાનો દાવો
વિવાદોમાં રહેલી નાઝકા લાઇન્સને લઇને એન્જિનિયર કાર્લોસ હરમેડાની નેતૃત્વ ટીમે એવો દાવો કર્યો છે કે, આ સિંચાઇ યોજનાની એક જટિલ પ્રણાલી છે, જે રેગિસ્તાનની જમીનનું સિંચન કરવાનું કામ કરે છે. જોકે, આ વાતમાં કેટલું તથ્ય છે એ આજે પણ જાણી શકાયું નથી.
