તે તમે જાણો છો?
ફાઈટર જેટ્સ કેરોસીન (એવિએશન ટર્બાઈન ફ્યૂલ)થી ઉડાવવામાં આવે છે, પરંતુ કાર કે અન્ય વાહનો ચલાવવા માટે ડીઝલ કે પેટ્રોલની જરૂર હોય છે. ત્યારે એક પ્રશ્ન જરૂર થાય કે કાર આ કેરોસીનથી કેમ નથી ચાલી શકતી? આ પ્રશ્નને વિગતવાર સમજીએ
લગભગ બધા જ લોકો જાણે છે કે રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલમાંથી વિવિધ તાપમાને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ, ડામર વગેરે મળે છે, જે બધાંનો વિવિધ રીતે ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. ફાઈટર જેટને ઉડાવવા માટે પેટ્રોલ અથવા ડીઝલને બદલે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ સામાન્ય કેરોસીન નથી હોતું જે ઘરોમાં ઈંધણ તરીકે વપરાય છે. આમાં ઉપયોગમાં લેવાતા કેરોસીનને પહેલાં સારી રીતે રિફાઈન કરવામાં આવે છે અને પછી તેમાંથી જે ફ્યૂલ નીકળે છે, તેનો જેટમાં ઉપયોગ કરવામાં આવે છે. આ શુદ્ધ કેરોસીન ઈંધણ જ છે કે જેનાથી જેટ ઊડી શકે છે તો કાર કેરોસીનથી કેમ નથી ચાલતી તે જાણીએ.
કેરોસીનથી કાર કેમ નથી ચાલતી?
કોઈ પણ ઈંધણનો વપરાશ કરવા માટે એન્જિન મહત્ત્વનો ભાગ ભજવે છે. કારોમાં જે એન્જિન લાગેલાં હોય છે તે મુખ્યત્વે સ્પાર્ક અગ્નિશન ટેક્નિક પર કામ કરે છે. એટલે કે પેટ્રોલ એન્જિન હવા અને ઈંધણના મિશ્રણને સ્પાર્ક પ્લગથી સળગાવવામાં આવે છે. જ્યારે ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન ઇગ્નિશન હોય છે. કેરોસીનના બળવાનું તાપમાન ડીઝલ અને પેટ્રોલથી વધારે હોય છે. તેનો અર્થ એ થાય કે તેને સળગાવવા માટે વધારે પ્રેશર નાખવું પડે છે. સાધારણ કાર એન્જિન આ પ્રકારના ઇંધણને પ્રોપર રીતે સળગાવી શકતું નથી, તેથી એન્જિન સ્ટાર્ટ જ નહીં થાય અથવા તરત જ ખરાબ થઈ જશે.
જ્યારે ફાઈટર જેટનું એન્જિન એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે તે કોરોસીનને ટર્બાઈનની અંદર ખૂબ જ ઉચ્ચ દબાણ અને તાપમાન પર બાળીને ઊર્જા પેદા કરે છે. કારના એન્જિનની ક્ષમતા સંપૂર્ણપણે આનાથી અલગ હોય છે, જે ફાઈટર જેટ્સની તુલનામાં ઓછા તાપમાન અને દબાણ પર એન્જિનનો ઉપયોગ કરે છે.
જેટ્સમાં કેરોસીન કેવી રીતે કામ કરે છે?
ફાઈટર પ્લેનમાં ઉપયોગમાં લેવાનારું કેરોસીન કોઈ સામાન્ય ઈંધણ નથી હોતું. આ એક વિશેષ પ્રકારનું એવિએશન ટર્બાઈન ફ્યૂલ હોય છે, જેને Jet A અથવા Jet A-1 કહેવામાં આવે છે. આ હાઈ ક્વોલિટીવાળું શુદ્ધ અને નિયંત્રિત તાપમાન પર બળનારું ઈંધણ હોય છે. આ ઈંધણને વિશેષ રીતે ટર્બાઈન એન્જિનો માટે જ બનાવાય છે, જે ખૂબ જ તીવ્ર ગતિએ ચાલે છે અને ઉચ્ચ તાપમાન પર કામ કરે છે. તેની બાષ્પશીલતા, ફ્લેશ પોઈન્ટ અને બર્નિંગ પાવર તેને ફાઈટર જેટ માટે પરફેક્ટ બનાવે છે. આવા જ ઈંધણનો ઉપયોગ વિમાનો અને હેલિકોપ્ટરોમાં પણ કરવામાં આવે છે.
સરળ રીતે સમજીએ તો ફાઈટર પ્લેન અને કાર બંનેનાં એન્જિન અલગ ટેક્નિક પર કામ કરે છે. કેરોસીનના ઈંધણને બળવા માટે જે તાપમાન, દબાણ અને ડિઝાઈનની જરૂર હોય છે તે માત્ર જેટ એન્જિનોમાં જ શક્ય છે. એ જ કારણ છે કે ફાઈટર પ્લેન જે કેરોસીનથી આરામથી ઊડી શકે છે તેનાથી તમારી કાર એક ઇંચ પણ નહીં ચાલી શકે!










