રશિયન લેખક લિયો ટોલ્સ્ટોય એમની આત્મકથામાં લખે છે,
માની લો કે એક નગ્ન અને ભૂખ્યા ભિખારીને રસ્તેથી ઉઠાવીને કોઈ એક સુંદર જગ્યાએ લઈ જવામાં આવે છે. એ જગ્યા ચારે તરફથી ઢંકાયેલી છે. એ ભિખારીને સરસ ભોજન આપવામાં આવે છે. પછી એને કોઈ એક હેન્ડલ ઊંચું-નીચું કરવાના કામે લગાડવામાં આવે છે. સ્વાભાવિક છે કે આ સ્થિતિમાં એ ભિખારી એવા બધા સવાલો નહીં પૂછે કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે? મારી પાસે હેન્ડલ ઊંચું-નીચું કરાવવાની મજૂરી શા માટે કરાવવામાં આવે છે? આ આખું તંત્ર વાજબી છે કે નહીં? પહેલાં તો એ ચૂપચાપ હેન્ડલ ઊંચું-નીચું કરવાનું કામ કરશે. એ જો કામ ચાલુ રાખશે તો એને આપોઆપ સમજાતું જશે કે એ હેન્ડલ એક પમ્પ સાથે જોડાયેલું છે. હેન્ડલ ઊંચું-નીચું કરવાથી પમ્પ પાણી ખેંચે છે અને ખેંચાયેલું પાણી વહીને બગીચામાં જાય છે. પછી એ માણસને બંધ જગ્યામાંથી ખુલ્લી જગ્યામાં લઈ જવામાં આવશે અને બીજું કામ સોંપાશે. પછી એ માણસ ફળો તોડવાનું કામ કરશે. આવી રીતે ધીમે ધીમે એ માણસ સમગ્ર તંત્રને અને તેની બારીકીઓને સમજવા લાગશે. આપોઆપ એ માણસ ધીમે ધીમે એ આખી ગોઠવણમાં ઓતપ્રોત થઈ જશે અને ખુશી અનુભવશે. પછી એને એવું પૂછવાનો વિચાર પણ નહીં આવે કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે. એ ક્યારેય તંત્રના માલિકની નિંદા નહીં કરે.
જે સીધા સાદા માણસોને આપણે (અમીરો-બૌદ્ધિકો) ઢોર જેવા ગણીએ છીએ એ લોકો આવી રીતે માલિકની મરજી મુજબ કામ કરતા રહે છે અને એમને માલિકની સામે કોઈ ફરિયાદ હોતી નથી. બીજી તરફ આપણે માલિકે આપેલી વસ્તુઓનો ઉપભોગ તો કરીએ છીએ, પણ એણે ચીંધેલું કામ નથી કરતાં. કામ કરવાને બદલે આપણે કૂંડાળું વાળીને ચર્ચાઓ કરીએ છીએ કે હેન્ડલને ઊંચું-નીચું કરવા જેવું નિરર્થક કામ કરવું જ શા માટે જોઈએ અને આપણે વળી બેઠાં બેઠાં જવાબ પણ શોધી કાઢીએ અને એવા તારણ પર પણ પહોંચી જઈએ કે યા તો આ તંત્ર ચલાવનાર માલિક મૂરખ છે કે પછી એ માલિક જેવું કોઈ છે જ નહીં. બસ, ફક્ત આપણે જ સમજદાર છીએ. કેવળ આપણને જ સમજાય છે કે આપણું અહીં કશું કામ નથી અને આપણે અહીંથી જતા રહેવું જોઈએ.
***
ટોલ્સ્ટોયની આ આત્મકથામાં વૈચારિક ગૂંથણી અત્યંત ઝીણી છે. છતાં સરવાળે આ કથા સહેજ જાડી રીતે કહીએ તો `ખૂની કોણ?' એ સવાલના સસ્પેન્સને જોરે જકડી રાખનારી નવલકથા જેવી પણ છે. આમાં સવાલ એ નથી કે ખૂની કોણ છે? અહીં સવાલ એ છે કે ઇશ્વર કોણ છે? ઇશ્વર શું છે?
હવે પછીના એકાદ-બે પ્રકરણમાં એ રહસ્ય ખૂલશે, પરંતુ રહસ્યની એકદમ નજીક પહોંચ્યા પછીની ટોલ્સ્ટોયના લખાણની ગતિ અતિ પેચીદી અને મગજ ભમાવનારી છે. એટલે એ ગતિનું નિરૂપણ બે પ્રકરણમાં વહેંચવાને બદલે એની વાત આવતા અંકમાં સળંગ જોઈશું.
અત્યારે કેવળ આ પ્રકરણના આરંભે નોંધેલા મુદ્દાને જરા સમજી લઈએ. વાત શ્રમની છે. મુદ્દો એ છે કે માણસ કશુંક કામ કરતો રહે તો એને આપોઆપ જીવનની સાર્થકતા અને ઇશ્વરની કૃપા સમજાઈ જાય એવું કહેવા માગે છે ટોલ્સ્ટોય. અહીં ગાંધીથી માંડીને ઇસુ જેવા બીજા અનેકોએ કહેલી એક વાત યાદ આવી જાય કે જે પરસેવો નથી પાડતો એને રોટી ખાવાનો અધિકાર નથી. તો શું ખેતરોમાં કે મિલોમાં મજૂરી કરનારને જ રોટી ખાવાનો હક છે? શું મિલ મેનેજર, જે પોતે હાથ-પગ હલાવીને મજૂરી નથી કરતો એ કશું કામ કરતો જ નથી એવું માની લેવાનું? ના, મુદ્દો એ છે કે કુદરતે આપણને જે કામ સોંપ્યું છે, જે નોકરી કે ધંધો આપણે સહજ ક્રમમાં અપનાવ્યા છે કે આપોઆપ આપણા ભાગે આવ્યા છે, એ જો આપણે શાંતિથી અને નિષ્ઠાથી કરતા રહીએ તો પણ માલિકની સૃષ્ટિ અને માલિકની કૃપા સમજી શકાય. આમાં બે મુદ્દા છેઃ પહેલો એ કે માત્ર બેસીને વિચારતા ન રહેવું. કોઈ ને કોઈ કામ કરતા રહેવું. એક જુવાનને ઢંગની કોઈ નોકરી ન મળે તો પણ, હું તો મધ્યમવર્ગનો કે ઉચ્ચ મધ્યમ વર્ગનો છું એટલે એક કક્ષાથી નીચેનું કામ તો હું કરી જ ન શકું એમ વિચારીને બેસી રહેવાને બદલે એ ઇલેક્ટ્રિશિયનનું કે ઇવન અથાણાં બનાવવાનું કામ પણ કરી જ શકે. માત્ર વ્યવસ્થિત નોકરી કે એક પ્રોપર ધંધો એ જ કામ નથી. કામનો કોઈ પાર નથી. ગમે તે કામ કરીએ, પણ કામ કરતા રહીએ તો કુદરતની આ સૃષ્ટિમાં આપણું હોવાપણું સાવ ખોખલું અને નિરર્થક બની રહેવાને બદલે થોડું ઘણું તો સાર્થક લાગી શકે. બાકી કેવળ બેસીને વિચારતા રહેવાથી મગજ પીંખાવાની અને જીવન નિરર્થક લાગવાની ગેરંટી છે. આવી સ્થિતિમાં કોઈ જો ટોલ્સ્ટોય જેવું અતિ વિચારશીલ અને લાગણીશીલ હોય તો એ આપઘાતની ઇચ્છાના એરિયામાં પણ પ્રવેશી શકે. ટૂંકમાં, ખતરનાક વિચાર વમળોમાં ચકરાઈને ફંગોળાવું ન હોય તો એક જ રસ્તો છેઃ કશુંક કામ કરવું.
બીજો મુદ્દો છે, શ્રમનો. ટોલ્સ્ટોયે ઉપર જે ભિખારીનો કિસ્સો કહ્યો છે, એમાં વાત સ્પષ્ટપણે શ્રમિકોની છે, જે મજૂરી કરે છે, ખેતી કરે છે, કારીગર છે. ટૂંકમાં, જે હાથ-પગ હલાવીને કામ કરે છે. હાથ-પગ હલતા રહે એ વાત સાવ નાની લાગે તો પણ ઘણી મહત્ત્વની છે. જેને ત્યાં ખૂબ બધા નોકરચાકરો છે, જે નોકરી-ધંધામાં માનસિક કામ તો ખૂબ કરે છે,
પરંતુ બધું જ કામ બેઠાં બેઠાં હાથ-પગને ઝાઝા હલાવ્યા વિના કરે છે, એવા લોકો પોતે ન સમજી શકે એ રીતે જીવનમાં શ્રમના અભાવને લીધે એક વિશિષ્ટ પ્રકારના થાક-હતાશા-કંટાળાનો અનુભવ કરે એવું તમે પોતે અનુભવ્યું હશે કે પછી અન્ય લોકોના કિસ્સામાં જોયું હશે. આ લખનારની ઓળખાણમાં એક અત્યંત અમીર પરિવારની સ્ત્રી છે, જે કરોડપતિ હોવા છતાં અને બિઝનેસના કામમાં ગળાડૂબ રહેવા છતાં હમણાં થોડા સમયથી સીવવાનો નાનકડો સંચો લાવીને એના પર કામ શરૂ કર્યા બાદ સ્પષ્ટપણે કહે છેઃ આવી ખુશી મેં લાંબા સમયથી નહોતી અનુભવી.
આ મુદ્દાને વધુ ઊંડાણથી સમજવા જાતે વિચાર કરી જોજો. ખાસ તો જેમાં મગજ ઓછું અને હાથ-પગ વધુ હલાવવા પડે એવું કામ તમારા જીવનમાં ન હોય તો એવું એકાદું કામ શરૂ કરી જોજો. પછી આપોઆપ સમજાશે કે શારીરિક કાર્યનું કેટલું બધું મહત્ત્વ છે જીવનમાં.