જુટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'
પ્રકરણ - 25
વાનીના અંતે અને પ્રૌઢાવસ્થાના આરંભે રશિયન લેખક ટોલ્સ્ટોય જીવનથી એકદમ થાકી-હારી ગયા. પોતાની આ દુર્દશા વિશે એમણે ખૂબ ચિંતન-મનન કર્યું, પરંતુ એમને ઊગરવાનો કોઈ રસ્તો, કોઈ જવાબ ન જડ્યો. છેવટે એમણે સમાજના છેવાડાના લોકોનું જીવન જોયું અને એમની સાથે હળવાભળવાનું શરૂ કર્યું ત્યારે તેમને સમજાયું એ ભૂલા પડ્યા હતા. પોતાની આ ભૂલ વિશે આત્મકથા `કબૂલાત'માં તેઓ લખે છેઃ
હું મારી જાતને પૂછતો હતો કે જીવન શું છે અને મને અંદરથી જવાબ મળતો હતો કે જીવન અત્યંત વાહિયાત અને ગંદું છે. મારો આ જવાબ સાચો હતો. મારું જીવન ખરેખર વાહિયાત અને ગંદું જ હતું. મારી ભૂલ એ હતી કે મને મારા જીવન વિશે જે જવાબ મળી રહ્યો હતો એ જવાબ હું સમગ્ર માનવજાતને લાગુ પાડી રહ્યો હતો. નરી વાસનાપૂર્તિમાં વેડફાઈ રહેલું મારું પોતાનું જીવન નકામું જ હતું, પરંતુ એ વાત સૌને લાગુ નહોતી પડતી. બાદમાં ગોસ્પેલ (ખ્રિસ્તી ધર્મોપદેશ)માં વાંચવા મળેલું સત્ય મને સમજાયું. એમાં લખ્યું છે કે લોકો પ્રકાશથી ડરીને અંધકારમાં પુરાઈ રહેવા માંગે છે, કારણ કે એમનાં કરતૂતો કાળાં છે અને એમને ડર લાગે છે કે જો એ પ્રકાશમાં આવશે તો એનાં કાળાં કામ પકડાઈ જશે.
લાંબા સમય સુધી હું એક આટલી સાદી વાત ન સમજી શક્યો કે માનવજાતના જીવન વિશે વાત કરતી વખતે માનવજાતને જોવી પડે. કેવળ મારા જેવા થોડા પરોપજીવી-પેરેસાઈટ્સના જીવન પરથી સમગ્ર માનવજાતના જીવન વિશે તારણ ન કાઢી શકાય. આ વાત તો બે ને બે ચાર જેવી જ હતી, પણ હું આટલું સાદું સત્ય સ્વીકારી નહોતો શકતો, કારણ કે જો હું સ્વીકારું કે બે ને બે ચાર થાય તો મારે સાથોસાથ એ પણ સ્વીકારવું પડે કે હું ખરાબ માણસ છું અને મારી ખરાબી સ્વીકારવાનું મને ગમતું નહોતું. મારા માટે બે ને બે ચાર થાય એવું સ્વીકારવા કરતાં હું સારો માણસ છું એવું અનુભવવું વધારે જરૂરી હતું, પણ છેવટે હું જે લોકો ખરેખર સારા હતા એમને મળતો થયો અને મારી ગંદકી પ્રત્યે સૂગ અનુભવતો થયો. પછી આખી વાત મારા મનમાં સ્પષ્ટ થઈ ગઈ
કલ્પના કરો કે એક માણસે આખી જિંદગી જલ્લાદ તરીકે કામ કર્યું હોય અને લોકોનાં માથાં વાઢ્યાં હોય કે પછી કોઈ અઠંગ દારૂડિયો હોય કે પાગલ હોય અને એ પોતાની જાતને એક અંધારી કોટડીમાં એવું વિચારીને ગોંધી રાખે કે જો હું આ ઓરડીમાંથી બહાર નીકળીશ તો ખતમ થઈ જઈશ. હવે આવો માણસ પોતાની જાતને પૂછે કે જિંદગી શું ચીજ છે તો એ એવું જ કહેવાનો કે જિંદગી બકવાસ ચીજ છે. એ જવાબ એના માટે સાચો જ હોવાનો. તો શું હું આવો જ કોઈ પાગલ હતો? શું અમે બધા અમીરો અને વિદ્વાનો આવા જ પાગલો હતા?
હા, મને સમજાયું કે અમે ખરેખર જ આવા જ પાગલ હતા. કમ સે કમ હું તો હતો જ. સીધી વાત છે. તમે કોઈ પક્ષીને જુઓ. એ શું કરે છે? એ ઊડે છે, ખોરાક શોધે છે, માળો બાંધે છે અને એને આ બધું કરતું જોઉં ત્યારે હું એના આનંદમાં સહભાગી બનું છું. બકરી, સસલું, વરુ બધાંનો આ જ સ્વભાવ છેઃ ખોરાક મેળવવો, પ્રજનન કરવું અને બાળકોને પોષણ આપવું. મને પૂરી ખાતરી છે કે આ બધું કરતી વખતે તેઓ સુખી હોય છે અને તેમનું જીવન અર્થસભર હોય છે. તો પછી માણસોએ શું કરવું જોઈએ? કરવાનું એ જ છે, જે અન્ય પ્રાણીઓ કરે છે. માણસે પોતાનું જીવન કેવળ પોતાના માટે નથી જીવવાનું, બલ્કે આસપાસના લોકો માટે પણ જીવવાનું છે. એ જો આવું કરે, સૌ માટે જીવે, તો મને પૂરી ખાતરી છે કે એ સુખી થાય અને એનું જીવન સાર્થક બની રહે. મેં મારી જુવાનીનાં 30 વર્ષ દરમિયાન શું કર્યું? એ સમયગાળા દરમિયાન હું સૌના માટે તો ઠીક, મારા પોતાના માટે પણ નહોતો જીવ્યો. હું એક પરોપજીવી તરીકે જીવ્યો અને પછી મેં જ્યારે મારી જાતને પૂછ્યું કે મારી જિંદગીનો શો અર્થ છે તો મને જવાબ મળ્યોઃ કોઈ જ અર્થ નથી.
જિંદગીની સાર્થકતા એ કઈ રીતે જીવાય છે એમાં સમાયેલી છે. હવે મારા જેવો માણસ, જેણે જિંદગીનાં 30 વર્ષ પોતાની તેમજ આસપાસના લોકોની જિંદગી બરબાદ કરવામાં જ ગાળ્યાં હોય, એ જ્યારે પૂછે કે જીવન કેવું છે તો એને જવાબ એ જ મળવાનોઃ વાહિયાત અને ગંદું.
પૃથ્વી પરનું જીવન કોઈની (ઇશ્વરની અથવા કહો કે પ્રકૃતિની) મરજી પ્રમાણે ઊઘડે છે. હવે જો તમારે એ મરજી જાણવી હોય તો સૌપ્રથમ તમારે એ મરજી પૂરી કરવી પડે, તમારી પાસેથી અપેક્ષિત કામ તમારે કરવું પડે. (ક્રમશઃ)
***
ધ પોઇન્ટ ઇમર્જિસ. મુદ્દો ઊભરી રહ્યો છે. માત્ર પોતાની મોજમજા માટે જીવાતું સ્વકેન્દ્રી અને બંધિયાર જીવન ક્યારેય સાચા સુખ અને સંતોષનો અનુભવ કરી શકે નહીં એ એક સાદું અને સૌને આસાનીથી સમજાય એવું સત્ય છે. ટોલ્સ્ટોય અહીં કેવળ એ સરળ સત્યની વાત નથી કરી રહ્યા. માણસે પોતાના પરિવારની અને આસપાસના લોકોની સંભાળ લેવી જોઈએ એટલી મર્યાદિત વાત પર ટોલ્સ્ટોય અટકી નથી જતા. મામલો ઇશ્વરની-પ્રકૃતિની મરજી સમજવાનો છે. જ્યાં સુધી કુદરતની મરજી ન સમજાય, કુદરત સાથેનો આપણો સંબંધ ન અનુભવાય ત્યાં સુધી જીવનનો મર્મ પામી શકાતો નથી. મૂળ વાત આ છેઃ પરમ તત્ત્વનો ધબકાર આપણે આપણી અંદર ન અનુભવીએ ત્યાં સુધી સાચા સુખનો અનુભવ શક્ય નથી એ મુદ્દા તરફ આગળ વધી રહ્યા છે લેખક કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય.
