વર્ષ 1976ની હજુ ફક્ત શરૂઆત થઈ હતી. પૂણેના તિલક રોડ પર આવેલા અભિનવકલા મહાવિદ્યાલયમાં અભ્યાસ કરનારા ચાર યુવાનો - રાજેન્દ્ર જક્કલ, દિલીપ સુતાર, શાંતારામ જગતાપ અને મુનાવર શાહ કે જેઓ આમ તો કોમર્શિયલ આર્ટના વિદ્યાર્થીઓ હતા, પરંતુ તેમની માનસિકતા કોઈ ખૂંખાર ગુનેગારથી ઓછી નહોતી. 16 જાન્યુઆરી, 1976નો દિવસ તેમના સંપૂર્ણ જીવનને બદલી નાખનારો હતો. આ દિવસ તેમના વિદ્યાર્થીઓમાંથી ગુનેગારો બનવાનો સાક્ષી રહ્યો.

તેમની પાસે ગુનો કરવા માટે આમ કોઈ ખાસ ઉદ્દેશ નહોતો, પણ તેમણે અચાનક જ પોતાની સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રકાશ હેગડેને પોતાનો શિકાર બનાવ્યો. પ્રકાશના પિતા સુંદર હેગડે કોલેજની પાછળ `વિશ્વ' નામનું એક નાનું રેસ્ટોરાં ચલાવતા હતા. આ ચારેય યુવાનો અને તેમના એક બીજા સહાધ્યાયી સુહાસ ચાંદકે (જે પાછળથી સરકારી સાક્ષી બન્યો) પ્રકાશ હેગડેનું અપહરણ કરવાનું અને તેના પિતા પાસે ખંડણી માંગવાનું કાવતરું ઘડ્યું.

15 જાન્યુઆરી, 1976ના રોજ આ પાંચેય જણાએ પ્રકાશને કોઈ બહાના કે વાતમાં ફોસલાવીને તેને બંદી બનાવી લીધો અને ત્યારબાદ રાજેન્દ્ર જક્કલના પૂણેના કરવે રોડ પર આવેલા ટીનના શેડમાં લઈ ગયા. ત્યાં તેમણે પ્રકાશને તેના પિતાને એક પત્ર લખવા માટે દબાણ કર્યું, જેમાં પ્રકાશ તેના પિતાને એમ કહી રહ્યો હતો કે, તે ઘર છોડીને જઈ રહ્યો છે.

શરૂઆતમાં પ્રકાશને એવું લાગ્યું કે, કદાચ તેના મિત્રો તેની સાથે કોઈ મજાક કરી રહ્યા છે, પરંતુ પ્રકાશને કલ્પના પણ નહોતી કે આ તેની છેલ્લી રાત હશે. 16 જાન્યુઆરીની રાત્રે પાંચેય આરોપીઓએ સાથે મળીને પ્રકાશના મોઢે પટ્ટી બાંધી, તેને પેશવે પાર્ક લઈ ગયા કે જે તેના પિતાની હોટલથી માત્ર થોડા જ અંતરે હતો. ત્યાં તેમણે નાયલોનની દોરી વડે તેનું ગળું દબાવી દીધું. પછી તેના મૃતદેહને એક લોખંડની બેરલમાં મૂક્યો. તેમાં કેટલાક પથ્થરો ભર્યા અને બેરલને પાર્કના તળાવમાં ફેંકી દીધું. બીજા દિવસે તેમણે પ્રકાશના પિતાને ખંડણીની નોટ મોકલી. આ પહેલો ગુનો હતો કે જેણે પૂણેમાં આવનારા સમયમાં અંજામ થનારા ભયાનક સિલસિલાનો પાયો નાખ્યો.

પ્રકાશ હેગડેના ગુમ થવાથી અને પછી તેનો મૃતદેહ રહસ્યમય રીતે મળવાથી શહેરમાં થોડી ચિંતા ફેલાઈ, પરંતુ કોઈને અંદાજ નહોતો કે આ તો માત્ર શરૂઆત હતી. ઓગસ્ટ, 1976માં કોલ્હાપુરમાં પણ આવી જ એક ઘટના બની, પરંતુ પૂણેના લોકોને ખરો ભય ઓક્ટોબરના અંતમાં અનુભવવાનો શરૂ થયો.

31 ઓક્ટોબર, 1976. વિજયનગર કોલોનીમાં રહેતા અચ્યુત જોશીનું ઘર. રાત્રિનો સમય હતો. આ જ ચાર યુવાનો - જક્કલ, સુતાર, જગતાપ અને શાહ છરીઓ લઈને અચ્યુત જોશીના ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં અચ્યુત જોશી અને તેની પત્ની ઉષા જ હતાં. તેમણે દંપતીના હાથ-પગ બાંધી દીધા. પછી અચ્યુત જોશીનું પણ નાયલોનની દોરી વડે ગળું દબાવી દીધું અને તેની પત્ની ઉષાને પણ ગૂંગળાવીને મોતને ઘાટ ઉતારી દીધી. આ ભયાનક ઘટના પછી અજાણતાં જ તેમનો કિશોર પુત્ર આનંદ ઘરે આવ્યો. ચારેય હત્યારાઓએ તેને નિર્વસ્ત્ર કર્યો અને નાયલોનની દોરી વડે તેનું પણ ગળું દબાવી દીધું. હત્યા કર્યા બાદ આ ગેંગે અચ્યુતના ઘરમાંથી મંગળસૂત્ર, ઘડિયાળ અને હજારો રૂપિયાની ચોરી કરી. આ ઘટનાએ પૂણેમાં ખળભળાટ મચાવી દીધો. ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેનું પ્રાથમિક કારણ ચોરી હતું અને પૂણેની પોલીસ હજુ પણ અંધારામાં હતી.

જોશી પરિવારની હત્યાઓએ શહેરને હચમચાવી દીધું હતું. લોકો સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળતા ડરતા હતા. પૂણે કે જે તેની શાંતિ માટે જાણીતું હતું, તે હવે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું હતું. પોલીસ પર દબાણ વધી રહ્યું હતું.

22 નવેમ્બર, 1976ના રોજ શંકરશેઠ રોડ પર આવેલા યશોમતી બાફનાના બંગલા પર આ જ ગેંગે હુમલો કર્યો. જોકે, આ વખતે નસીબ હત્યારાઓની સાથે નહોતું. બાફના અને તેમના બે નોકરોએ હિંમતભેર પ્રતિકાર કર્યો અને આખરે હુમલાખોરોએ ભાગવું પડ્યું. તેઓ વાયર ફેન્સિંગ કૂદીને ભાગી નીકળ્યા. આ ઘટનાએ દર્શાવ્યું કે હત્યારાઓ કેટલા નિર્ભય બની ગયા હતા. તેઓ કોઈ પણ ભોગે પોતાના ગુનાઓને અંજામ આપવા તૈયાર હતા.

પરંતુ સૌથી ભયાનક ઘટના હજી બાકી હતી.

1 ડિસેમ્બર, 1976. રાત્રે લગભગ 8 વાગ્યે. પૂણેના ભંડારકર રોડ પર આવેલો `સ્મૃતિ' બંગલો, કે જે અભયંકર પરિવારનો હતો. આ ઘરમાં પાંચ લોકો રહેતાં હતાં: પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન કાશીનાથશાસ્ત્રી અભયંકર (ઉંમર 88), તેમની પત્ની ઇન્દિરાબાઈ (ઉંમર 76), તેમની નોકરાણી શકુબાઈ વાઘ (ઉંમર 60), પૌત્રી જુઈ (ઉંમર 20) અને પૌત્ર ધનંજય (ઉંમર 19).

આ ચાર હત્યારાઓએ ડોરબેલ વગાડીને ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો. જ્યારે ધનંજયે દરવાજો ખોલ્યો, ત્યારે ગુનેગારોએ તેના મોઢામાં કપડાનો બોલ ભરી દીધો. તેના હાથ બાંધી દીધા અને તેને ઘરની અંદર કીમતી વસ્તુઓ ક્યાં છે તે બતાવવા કહ્યું. પછી એક પછી એક તેમણે દરેક વ્યક્તિના મોઢામાં કપડાનો બોલ ભરાવી દીધો. તેમના હાથ-પગ બાંધ્યા અને નાયલોનની દોરી વડે ગળું દબાવીને તેમની નિર્દયતાથી હત્યા કરી. સૌથી ભયાનક વાત એ હતી કે, પૌત્રી જુઈને નિર્વસ્ત્ર કરીને ઘરમાં કીમતી વસ્તુઓ ક્યાં છે તે શોધવા અને બતાવવા માટે દબાણ કર્યું અને પછી તેની પણ નિર્દયતાથી હત્યા કરી.

આ હત્યાકાંડથી આખું પૂણે સ્તબ્ધ થઈ ગયું. એક જ પરિવારના પાંચ સભ્યોની આવી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. શહેર આઘાતમાં હતું. અખબારો આ ભયાનક ઘટનાઓના સમાચારોથી છલકાઈ રહ્યાં હતાં. પોલીસ પર હત્યારાઓને પકડવાનું અતિશય દબાણ હતું.

પૂણે પોલીસ માટે આ એક અભૂતપૂર્વ પડકાર હતો. મદદનીશ પોલીસ કમિશનર મધુસૂદન હુલ્યાલકર અને પોલીસ ઇન્સ્પેક્ટર માણિકરાવ દમામેના નેતૃત્વ હેઠળ તપાસ શરૂ થઈ. શરૂઆતમાં પોલીસને લાગતું હતું કે આ લૂંટના ઇરાદે થયેલી હત્યાઓ છે, પરંતુ જેમ જેમ ગુનાઓનો સિલસિલો વધતો ગયો, તેમ તેમ તેમને સમજાયું કે તેઓ સીરિયલ કિલર્સના એક જૂથનો સામનો કરી રહ્યા છે. તે સમયે ભારતમાં આવા સીરિયલ કિલિંગના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળતા હતા અને પોલીસે આ ગેંગનો અન્ય કોઈ પરિવાર ભોગ ન બને તે માટે સઘન તપાસ શરૂ કરી.

પોલીસ દ્વારા ગુનાનાં સ્થળો પરથી મળેલા નાનામાં નાના પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. હત્યારાઓની મોડસ ઓપરેન્ડીમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળી હતી :

નાયલોનની દોરી વડે ગળું દબાવવું, મોઢામાં કપડાનો બોલ ભરાવવો અને હાથ-પગ બાંધવા. ખાસ કરીને નાયલોનની દોરી બાંધવાની એક વિશિષ્ટ ગાંઠ પોલીસ માટે એક મહત્ત્વનો સંકેત બની રહી હતી.

એક વર્ષ આ હત્યારાઓના આતંકમાં વીતી ગયું. વર્ષ 1977ની શરૂઆત થઈ. પૂણે હજી પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું હતું. 23 માર્ચ, 1977. અનિલ ગોખલે કે જે હત્યારાઓમાંથી એકના કોલેજના મિત્ર જયંત ગોખલેનો નાનો ભાઈ હતો. તે સાંજે અનિલ તેના ભાઈને અલકા ટોકીઝ ખાતે મળવાનો હતો. જક્કલે તેને પોતાની મોટરસાઇકલ પર ઘરે લિફ્ટ આપવાની ઓફર કરી. અનિલને કલ્પના પણ નહોતી કે તે ક્યાં જઈ રહ્યો છે. તેને જક્કલના શેડમાં લઈ જવામાં આવ્યો અને નાયલોનની દોરી વડે તેનું પણ ગળું દબાવી દેવામાં આવ્યું. તેના મૃતદેહને એક લોખંડની સીડી સાથે બાંધવામાં આવ્યો. મોટા પથ્થરોથી વજનદાર બનાવવામાં આવ્યો અને બંડ ગાર્ડન પાસેની મુળા-મુઠા નદીમાં ફેંકી દેવામાં આવ્યો.

આ અનિલ ગોખલેની હત્યા કે જે આ સિલસિલાની છેલ્લી હત્યા હતી, તે જ પોલીસ માટે એક મહત્ત્વનો સંકેત બની. 24 માર્ચ, 1977ની સાંજે અનિલ ગોખલેનો મૃતદેહ યરવડા નજીક નદીની સપાટી પર આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર માણિકરાવ દમામે એ જોયું કે મૃતદેહને સીડી સાથે બાંધવા માટે ઉપયોગમાં લેવાયેલી નાયલોનની દોરી અગાઉની હત્યાઓમાં ઉપયોગમાં લેવાયેલી દોરી જેવી જ હતી અને સમાન રીતે જ બાંધવામાં આવી હતી. આ ગાંઠની વિશિષ્ટતાએ પોલીસને ખાતરી કરાવી કે આ ગુનાઓ એક જ જૂથ દ્વારા આચરવામાં આવી રહ્યા છે.

આ ગાંઠ પોલીસ માટે એક નિર્ણાયક કડી હતી. પોલીસે આ દિશામાં સઘન તપાસ શરૂ કરી. હત્યારાઓ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને તેમની ઓળખ ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગી. પોલીસે રાજેન્દ્ર જક્કલ, દિલીપ સુતાર, શાંતારામ જગતાપ અને મુનાવર શાહ પર શંકાની સોય તાકી.

30 માર્ચ, 1977ના રોજ પોલીસે આ ચારેય યુવાનોને ઝડપી લીધા. તેમની પૂછપરછ શરૂ થઈ. શરૂઆતમાં તેઓ એકબીજાનાં નિવેદનો સાથે વિરોધાભાસી વાતો કરતા હતા, જેણે પોલીસની શંકા વધુ મજબૂત બનાવી. આખરે તેમનો એક સાથીદાર સતીશ ગોરે (જે પ્રકાશ હેગડેની હત્યામાં સામેલ નહોતો) પૂછપરછ દરમિયાન તૂટી પડ્યો અને પ્રકાશ હેગડેની હત્યા અને તેના મૃતદેહના સ્થાન વિશે માહિતી આપી. સુહાસ ચાંદક, જે પ્રકાશની હત્યાનો સાક્ષી હતો, તેણે પણ કબૂલાત કરી અને સરકારી સાક્ષી બન્યો.

આ કબૂલાતોએ સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો. હત્યારાઓએ પોતાના ગુનાઓની કબૂલાત કરી. તેમણે જણાવ્યું કે તેઓ શા માટે આ ભયાનક કૃત્યો કરતા હતા. તેમનો મુખ્ય હેતુ પૈસા મેળવવાનો હતો, પરંતુ તેમની નિર્દયતા અને ગુના કરવાની રીત ચોંકાવનારી હતી. તેઓ કીમતી વસ્તુઓ લૂંટવા માટે ઘરોમાં ઘૂસતા અને પછી કોઈ સાક્ષી ન રહે તે માટે પરિવારના સભ્યોની હત્યા કરતા. નાયલોનની દોરી અને વિશિષ્ટ ગાંઠ તેમની સિગ્નેચર બની ગઈ હતી.

આ કેસને ઝડપથી ન્યાય અપાવવા માટે સરકારે વરિષ્ઠ ફોજદારી વકીલ શામરાવ જી. સામંતને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા. 15 મે, 1978ના રોજ પૂણે જિલ્લા અદાલતમાં કેસની સુનાવણી શરૂ થઈ. આ કેસ ચાર મહિનાથી વધુ સમય સુધી ચાલ્યો. પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, સાક્ષીઓની જુબાનીઓ લેવામાં આવી. હત્યારાઓના ગુનાઓ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન પૂણેના લોકોની નજર અદાલત પર હતી.

28 સપ્ટેમ્બર, 1978ના રોજ પૂણે સેશન્સ કોર્ટના ન્યાયાધીશ વામન નારાયણ બાપટે ચારેય આરોપીઓ - રાજેન્દ્ર જક્કલ, દિલીપ સુતાર, શાંતારામ જગતાપ અને મુનાવર શાહને મૃત્યુદંડની સજા ફટકારી. આ ચુકાદાથી પીડિત પરિવારોને થોડી શાંતિ મળી.

આરોપીઓએ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી, પરંતુ 6 એપ્રિલ, 1979ના રોજ તેમની અપીલ ફગાવી દેવામાં આવી અને મૃત્યુદંડની સજા યથાવત્ રાખવામાં આવી. તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ વિશેષ અરજી દાખલ કરી, પરંતુ 17 નવેમ્બર, 1980ના રોજ સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી.

ન્યાયની અંતિમ આશા તરીકે આરોપીઓએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી, પરંતુ તેમના ગુનાઓની ભયાનકતા અને સમાજ પર તેની અસરને જોતાં તેમની દયાની અરજી પણ નામંજૂર કરવામાં આવી.

અંતે 27 નવેમ્બર, 1983ના રોજ રાજેન્દ્ર જક્કલ, દિલીપ સુતાર, શાંતારામ જગતાપ અને મુનાવર શાહને યરવડા સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી. આ સાથે પૂણેના ઇતિહાસના સૌથી ભયાનક સીરિયલ મર્ડર કેસનો અંત આવ્યો.