70 વર્ષના અભિનેતા અનુપમ ખેર હિન્દી સિનેમામાં તેમની 40 વર્ષની સફરની જ્યારે પણ વાત કરે છે (અને આજકાલ તે તેની ઘણી વાતો કરે છે), ત્યારે તેઓ તેમની પહેલી ફિલ્મ `સારાંશ'ની ચર્ચા જરૂર કરે છે. અલબત્ત, તે તેમની કારકિર્દીની પહેલી ફિલ્મ છે એટલે તેનો ઉલ્લેખ થવો સ્વાભાવિક છે, પરંતુ એ એક જ કારણ નથી. તેનાં બીજાં બે કારણો છે.
એક તો `સારાંશ' અત્યંત સુંદર ફિલ્મ હતી અને તેમાં અનુપમે એટલો જીવંત અભિનય કર્યો હતો કે પહેલી જ ફિલ્મ હોવા છતાં તેમણે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. બીજું, તે વખતે અનુપમની ઉંમર માંડ 26 વર્ષની હતી અને ફિલ્મમાં તેમણે 65 વર્ષના બુઝુર્ગ બી.વી. પ્રધાનનો કિરદાર કર્યો હતો.
એક કલાકાર તરીકે તેમના એ આત્મવિશ્વાસની દાદ આપવી પડે કે તેમણે તેમનાથી 40 વર્ષ મોટી વ્યક્તિનો કિરદાર એટલો ઠોસ રીતે નિભાવ્યો હતો કે દર્શકોને તો ઉંમરનો તફાવત નજર ન આવ્યો, બાકી ફિલ્મસર્જકો પણ ખેરને એવી જ ભૂમિકામાં જોવા લાગ્યા. એટલા માટે તેઓ કહે છે કે, `મેં મારી જવાની જોઈ જ નથી.'
અને તેઓ એ હકીકતથી ખુશ છે. `સારાંશ'ને તેઓ તેમની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મ માને છે અને એ કિરદાર કરાવવા માટે નિર્દેશક મહેશ ભટ્ટના આજીવન શુક્રગુજાર છે. તેમની આત્મકથા `લેશન્સ લાઈફ ટોટ મી, અનનોઇન્ગ્લિ'માં અનુપમ લખે છે, `તે ફિલ્મ મારા ભવિષ્ય માટે રસ્તો કંડારી ગઈ હતી. તેણે મને જીવવા માટે એક જિંદગી આપી હતી અને નિર્દેશ આપ્યો હતો કે તે કેવી
રીતે જીવવી.'
મૂળ શિમલાના અને દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયના પાઠ ભણીને આવેલા ખેર મુંબઈમાં ફિલ્મોમાં કામ મેળવવા માટે ચપ્પલો ઘસતા હતા (ઘણા લોકોએ તેમને તેમના કુરૂપ ચહેરાને લઈને સલાહ આપી હતી કે અભિનય ભૂલીને બીજું કોઈ કામ શોધવા માંડ). તેમણે મુઝફ્ફર અલીની બહુ નહીં જોવાયેલી `આગમન' નામની એક ફિલ્મમાં એક નાનકડો કિરદાર કર્યો હતો. રિચાર્ડ એટનબરોની `ગાંધી' (1982) માટે તેમનો ટેસ્ટ લેવાયો હતો પણ પસંદગી થઇ નહોતી. ગિરીશ કર્નાડની `ઉત્સવ' (1984)માં કામ મળ્યું હતું, પણ એમાં બોલવાનું નહોતું.
તે વખતે મહેશ ભટ્ટ એક બુઝુર્ગ તેના જુવાનજોધ દીકરાના અકાળ અવસાનનો કેવી રીતે સામનો કરે છે તેની મર્મસ્પર્શી વાર્તા પરથી ખેરને `સારાંશ' ઓફર કરી હતી. આમ તો આ ફિલ્મ પણ તેમના હાથમાંથી સરકી જવાની હતી, પરંતુ હાર્યો જુગારી ભૂરાયો થાય તેમ અનુપમ તેમની બેરોજગારીથી નાસીપાસ થયેલા હતા અને તેમણે ગુસ્સામાં આવીને મહેશ ભટ્ટ સાથે ગાળાગાળી કરીને આ રોલ છીનવી લીધો હતો.
બન્યું એવું કે મહેશ ભટ્ટે સ્ટ્રગલર અનુપમ ખેરને ખાતરી આપી હતી કે તેમને લગતો કોઈ કિરદાર હશે તો ચોક્કસ આપીશ. તે વખતે ભટ્ટની લગ્નબાહ્ય સંબંધ પરની સ્ફોટક ફિલ્મ `અર્થ' (1982)નાં ચારેતરફ વખાણ થઇ રહ્યાં હતાં. ભટ્ટ ત્યારે `સારાંશ' પર પણ કામ કરી રહ્યા હતા. ફિલ્મના નિર્માતા રાજશ્રી પ્રોડક્શનવાળા તારાચંદ
બડજાત્યા હતા.
એક ઇન્ટરવ્યૂમાં ભટ્ટ કહે છે, `મેં જ્યારે બી.વી. પ્રધાનના કિરદારનો વિચાર કર્યો, ત્યારે મને સહજ સ્ફુરણા થઇ કે આ ભૂમિકા માટે અનુપમ ઉચિત છે. હું રાજબાબુ (તારાચંદના દીકરા રાજકુમાર બડજાત્યા) પાસે ગયો ત્યારે મારી પાસે ખાલી ફિલ્મનો વિષય હતો, સ્ક્રિપ્ટ ન હતી. આ પ્રકારની ફિલ્મો રાજશ્રી કરતું હતું. રાજશ્રીએ શરત મૂકી હતી કે `અર્થ' સફળ જાહેર થાય પછી `સારાંશ' કરીશું. બીજું, એ લોકો પ્રધાનના પાત્રમાં સંજીવ કુમારને ઇચ્છતા હતા (કારણ કે સંજીવ કુમાર એક લોકપ્રિય હીરો હતા).'
અનુપમને આ ખબર પડી તો આભ તૂટી પડ્યું. માંડ એક ફિલ્મ મળી હતી તેય જતી રહેવાની હતી. હવે મુંબઈમાં રહેવાનું પોષાય તેમ ન હતું. અનુપમે બિસ્તરા-પોટલાં બાંધ્યાં અને મુંબઈ સેન્ટ્રલ જઈને દિલ્હી જતી ટ્રેન પકડવાનું નક્કી કર્યું. અનુપમ ભારે ગુસ્સામાં અને હતાશામાં હતા. રસ્તામાં થયું કે મહેશને બે-ચાર ગાળો ચોપડાવતો જાઉં.
તેમની આત્મકથામાં અનુપમ લખે છે, `હું ભટ્ટના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર બરાબરનો ભડક્યો. હું તેને બારી પાસે લઇ ગયો, જ્યાંથી નીચે રોડ દેખાતો હતો. મેં મોટા અવાજે કહ્યું, આ નીચે ટેક્સી દેખાય છે? એમાં મારું લગેજ છે. હું બોમ્બે છોડીને જઈ રહ્યો છું. હું ગમે ત્યાં જઈશ. દિલ્હી, લખનૌ, શિમલા, તીમ્બકતુ કે પછી નર્કમાં, પણ જતા પહેલાં મારે તને એક વાત કહેવી છે કે, મહેશ ભટ્ટ, તું એક નંબરનો ફ્રોડ છે. તું ચીટર છે, સૌથી ગંદો ચીટર. છેલ્લા છ મહિનાથી તું મને કહી રહ્યો છે કે બી.વી. પ્રધાનનો રોલ હું કરીશ. હવે અચાનક તું મને બીજી કોઈ ફિલ્મ કરવાનું કહે છે જેમાં મારું કંઈ ખાસ કામ નથી! મેં મારા પરિવારને ગાઈવગાડીને સમાચાર આપ્યા છે. બધાને એમ છે કે હું સારાંશનો મુખ્ય રોલ કરી રહ્યો છું અને તું હવે મને સાઈડ રોલમાં ધકેલી રહ્યો છે!'
અનુપમનો એ ગુસ્સો, એ હતાશા અને એ મજબૂરી મહેશ ભટ્ટને સ્પર્શી ગઈ. તેમણે ત્યાં ને ત્યાં જ નક્કી કરી નાખ્યું કે આ ભૂમિકા હવે અનુપમ જ કરશે અને રાજશ્રીને ફોન કરીને કહી પણ દીધું. એ પણ નક્કી કરી નાખ્યું કે રાજશ્રી આ ફિલ્મ ન કરે તો એનએફડીસી પાસે પૈસા માગવા જઈશ. `સારાંશ'માં બી.વી. પ્રધાનમાં જેવો ગુસ્સો અને હતાશા હતી, તે અનુપમ ખેરમાંથી તો વ્યક્ત થઇ રહી હતી. આનાથી વધુ એક એક્ટરમાં શું જોઈએ!
તમે જો `સારાંશ' જોઈ હોય, તો મુંબઈ એરપોર્ટ પર ન્યૂયોર્કથી આવેલા દીકરાના અસ્થિ (સાથે ટીવી સેટ્સ, કપડાં અને બીજો સમાન પણ છે) લેવા માટે અહીથી તહીં ધક્કા ખાતા પ્રધાનનું એક હૃદયસ્પર્શી દૃશ્ય છે. અનુપમને મુંબઈમાં કામ મેળવવા માટે આવા જ ધક્કા ખાવા પડ્યા હતા. તે કસ્ટમ ઓફિસરની કેબિનમાં ઘૂસીને કહે છે કે દીકરનાં અસ્થિ માટે મારે લાંચ ચૂકવવાની તો નથી ને?
આંખોમાં વહેતા પાણી સાથે પ્રધાન તે ઓફિસરને કહે છે, `ટીવી લેને નહીં આયા હૂં. મૈં અપને મરે હુએ બેટે કી અસ્થિયાં લેને આયા હૂં. એક બાપ કા અપને બેટે કી રાખ પર કોઈ અધિકાર હૈ કિ નહીં? યા ઉસકે લિયે ભી મુઝે નીચે રિશ્વત
દેની પડેગી?
અનુપમ કહે છે, `મને ખબર જ ન હતી કે આવા સંજોગોમાં એક પિતા કેવો વ્યવહાર કરે.
એટલે મુંબઈમાં કામ વગરના એક્ટર તરીકે મેં જે પીડાઓ અને અપમાનો સહન કર્યાં હતાં તેને યાદ કર્યાં. મેં મહેશને કહ્યું કે હું રિહર્સલ નહીં કરું અને આંખમાં ગ્લિસરીન નહીં નાખું. ફિલ્મ સિટીમાં આ શોટ એક જ પ્રયાસમાં ઓકે કરવામાં આવ્યો હતો અને એ અવિસ્મરણીય છે.'
બહુ ઓછા લોકોને ખબર છે તેમ `અર્થ' સુપરસ્ટાર પરવીન બાબી સાથેના ભટ્ટના વિસ્ફોટક પ્રેમસંબંધ અને તેમાંથી વેરાયેલા કાટમાળની કહાની હતી, તો `સારાંશ' ભટ્ટના આધ્યામિક ગુરુ યુ. જી. કૃષ્ણમૂર્તિના યુવાન દીકરાના અવસાન પરથી પ્રેરિત હતી. યુ.જી.એ જે રીતે દીકરાની વિધિ કરી હતી તે જોઇને ભટ્ટને `સારાંશ'નો વિચાર આવ્યો હતો.
તેમાં દીકરાના મોત પછી એક નિવૃત્ત સ્કૂલ શિક્ષક બી.વી. પ્રધાનની જીવતા રહેવાની ઈચ્છા મરી પરવારે છે. પ્રધાન અને તેમની પત્ની પાર્વતી (રોહિણી હતંગડી) આર્થિક ટેકા માટે તેમના ઘરમાં સુજાતા (સોની રાઝદાન) નામની નવોદિત એક્ટ્રેસને પેઈંગ ગેસ્ટ તરીકે રાખે છે. સુજાતા રાજકારણીના દીકરા વિલાસ (મદન જૈન) સાથે લગ્ન કરવાની ફિરાકમાં છે. દીકરા વગરના જીવનની એકલતામાં વૃદ્ધ યુગલ આત્મહત્યા કરવાનું વિચારે છે, પણ સુજાતાના પેટમાં મૃત દીકરાએ પુર્નજન્મ લીધો છે તેવા ખયાલથી બંનેમાં જીવવાનું સાહસ આવે છે.
ફિલ્મના પહેલા જ દિવસના શૂટિંગમાં અનુપમે મહેશ ભટ્ટને પૂછ્યું હતું કે કોઈ એક ઈમોશનનું નામ આપ, જેને હું આખી ફિલ્મમાં વ્યક્ત કરતો રહું. ભટ્ટે કહ્યું હતું, `કરુણા'. અનુપમ એક ઈન્ટરવ્યૂમાં કહે છે, `મહેશે મને સારાંશ જ નહીં, એક એવા ઈમોશનની પણ ગિફ્ટ આપી હતી, જે મારા તમામ સંબંધોમાં છવાયેલું રહ્યું.'
