આસ્થા સાથે જોડાયેલા સ્થળને લઇને ફક્ત દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં હંમેશાં ઘર્ષણ જોવા મળે છે. તાજેતરમાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે હિન્દુ મંદિરને લઇને યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ મંદિરને લઇને ચાલી રહેલો વિવાદ આજકાલનો નથી, પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષનો છે. આ શિવમંદિર ઐતિહાસિક હોવાથી થાઇલેન્ડ અને કંબોડિયા તેને પોતાના દેશની ધરોહર બનાવવા ઝઘડી રહ્યા છે. આ ઐતિહાસિક મંદિરનું નામ પ્રીહ વિહાર છે.

મંદિરનો ઇતિહાસ

થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર આવેલું આ શિવમંદિર વર્ષો જૂનું હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે 11થી 12મી સદી દરમિયાન ખમેર સામ્રાજ્યના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ શિવમંદિરની રચના ક્યારે કરવામાં આવી એના ચોક્કસ સમય વિશે મતભેદ છે. 8મીથી લઇને 14મી સદી સુધી ખમેર સામ્રાજ્યનો સુવર્ણકાળ હતો. ખમેર એક હિન્દુ રાજા હતા અને તેઓ શિવના ઉપાસક હોવાની સાથે તેમના સામ્રાજ્યમાં મહાદેવને પિતામહ માનવામાં આવતા હતા. 11મી સદીમાં ખમેર સમ્રાટ સૂર્યવર્મને આ શિવમંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર સોમસૂત્રથી જલાભિષેક થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. હકીકતમાં આ એક કુદરતી પ્રવાહ છે, જે વર્ષોથી આ મંદિરમાં વહે છે.

આ ઐતિહાસિક શિવમંદિર થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર આવેલ એક પર્વતના શિખર ઉપર છે. આ મંદિરના શિખર ઉપરથી નીચેનો સમગ્ર વિસ્તાર જોવા મળે છે. બંને દેશો તેને પોતપોતાના પ્રદેશનો ભાગ માને છે.

દ્રવિડ શૈલી પર આધારિત વાસ્તુકલા

પ્રીહ વિહાર મંદિર જાણે દક્ષિણ ભારતના ચોલ રાજાઓનો પ્રભાવ હોય એવું સ્પષ્ટપણે જોવા મળે છે. તેથી આ શિવમંદિરની વાસ્તુકલા પર દ્રવિડ શૈલીની છાપ રહેલી છે. ઇતિહાસકારોના મતે પ્રીહ વિહાર શિવમંદિરને પ્રાચીન ગ્રંથોમાં ભગવાન શિવને શિખરેશ્વર અથવા ભદ્રેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. જે ખમેર રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તેનાં મૂળ ભારત સાથે રહ્યાં હોવાનું જાણવા મળે છે. આ મંદિરમાં ભગવાન શિવની જ ફક્ત સ્થાપના કરવામાં આવી છે એવું નથી, મંદિરની દીવાલો ઉપર લોકકથાઓની સાથે અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર પણ કંડારવામાં આવ્યું છે. પ્રીહ વિહાર મંદિર 800 મીટર લાંબું છે. તેની આસપાસ અભયારણ્યની એક શૃંખલા આવેલી છે. મંદિરમાં મુખ્ય પાંચ પ્રવેશદ્વાર છે. જે સીડીઓ સાથે જોડાયેલ છે. મંદિરના પ્રવેશદ્વારા પર શિવના વાહન નંદીના પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.

ઇતિહાસકારો અનુસાર ખમેર રાજાઓ દરમિયાન આ મંદિરનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો. મંદિરને મેઇન્ટેઇન રાખવામાં આવતું હતુ અને રાજા દ્વારા એનો તમામ ખર્ચ ઉપાડવામાં આવતો હતો. તેથી મંદિરની રોનક અને તેની આભા કંઇક અલગ જ હતી, પરંતુ જેવો ખમેર શાસકોનો અંત આવ્યો અને બીજા વંશનું શાસન શરૂ થયું એ પછી મંદિરને મેઇન્ટેઇન કરવામાં તકલીફ પડવા લાગી અને ધીરે ધીરે મંદિરની જે સામાજિક-આર્થિક ભૂમિકા હતી એ ખતમ થઇ ગઇ.

મંદિરના અવશેષો

પહેલાંના સમયમાં શાસકોનું સામ્રજ્ય બદલાતું રહેતું હતું. જ્યારે અહીં ફ્રાન્સે કબ્જો કર્યો તો ધીરે ધીરે મંદિરની સાંસ્કૃતિક વિરાસત નષ્ટ થતી ગઇ. કંબોડિયામાં હિન્દુ શાસકોનો શાસનકાળ સમાપ્ત થતાં ત્યાંનાં મંદિરો બૌદ્ધના નિયંત્રણમાં આવી ગયાં. એ પછી ત્યાં પૂજાપાઠ બંધ થઇ જતાં પ્રીહ વિહાર મંદિર ફક્ત એક પ્રતીક તરીકે રહી ગયું અને ત્યાં શિવમંદિરના અવશેષ માત્ર રહી ગયા છે. હાલમાં અહીં કોઇ પ્રકારનું ધાર્મિક કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ આ મંદિર પ્રાચીન વાસ્તુકલાની એક વિરાસત છે, તેથી યુનેસ્કોએ 2008માં તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે.

હાલમાં આ મંદિરનું ધાર્મિક કરતાં સાંસ્કૃતિક સ્વરૂપ વધારે જોવા મળે છે. આ મંદિર પર્વત ઉપર આવેલ છે. તેથી અહીંનું કુદરતી સૌંદર્ય જ અલગ છે. આ જ કારણ છે કે અહીંની સરકાર આ મંદિરને પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરી રહી છે. બીજું, યુનેસ્કો દ્વારા આ મંદિરને વિશ્વ ધરોહર તરીકે સામેલ કર્યા બાદ અહીં દેશ અને પરદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે.