અંજલિબહેન ખુશખુશાલ હતાં. અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરીને એમની દીકરી અનુષ્કા કાયમ માટે અમેરિકા રહેવા ગ્રીનકાર્ડ મેળવીને ગઈ હતી. એ હવે મા બનવાની હતી અને એ દરમ્યાન એની દેખરેખ રાખવા માટે, કાળજી રાખવા માટે અને બાળક જન્મે એટલે થોડો સમય સુધી ઉછેરવામાં મદદ કરવા માટે, અંજલીબહેન અમેરિકામાં પ્રવેશ્યાં હતાં. એરપોર્ટ ઉપર ઇમિગ્રેશનનો ઓફિસર રશિયન હતો. એણે અંજલિબહેનને અમેરિકામાં રહેવા માટે છ મહિનાનો સમય આપ્યો. સાથે લાવેલ બેગો લઈને બહાર નીકળતાં હતાં ત્યારે જે ઓફિસરો પ્રવાસીઓની બેગો તપાસતા હતા તેઓ બધા ફિલિપાઇન્સના હતા. બહાર નીકળીને અંજલિબહેને ટેક્સી કરી. ટેક્સી ડ્રાઈવર પાકિસ્તાની હતો. દીકરીના ઘરે તેઓ આવ્યાં અને જોયું તો રસોઈ કરનાર બાઈ નેપાળી હતી. ડિલીવરી માટે જે ડોક્ટરે અંજલિબહેનની દીકરીનું સિઝેરિયન કર્યું હતું એ ડોક્ટર તો મહેસાણાનો પટેલ હતો. હોસ્પિટલોમાંની મોટાભાગની નર્સો દક્ષિણ ભારતની તેમજ ચાઈના, ફિલિપાઇન્સ અને અન્ય દેશોની હતી.

અંજલિબહેન શોપિંગ માટે ગયાં તો એમણે જોયું કે મોટા મોટા મોલના માલિકો ભારતીયો હતા. અંજલિબહેને એ પણ જોયું કે અમેરિકાની મોટેલોના જ નહિ, ફાઈવ સ્ટાર હોટેલોના માલિકો પણ ભારતીયો તેમજ ચીનાઓ હતા. અમેરિકાનાં ખેતરોમાં તો બધા જ મજૂરોમાંના કોઈ પણ ધોળિયાઓ ન હતા. એક પણ મજૂર બ્રિટિશર ન હતો કે જર્મન યા ફ્રેન્ચ ન હતો. મોટાભાગના મજૂરો કાં તો આફ્રિકનો હતા યા તો પંજાબના પંજાબીઓ અને શીખો હતા. અંજલિબહેને એ પણ જોયું હતું કે એરપોર્ટ ઉપર સાફસૂફી કરનારી બાઈઓમાંની કોઈ પણ સ્ત્રી યુરોપિયન કે બ્રિટિશર ન હતી, એ બધી જ ઇસ્ટ આફ્રિકન દેશોની હતી. થોડી ઘણી ગુજરાતણો તેમજ સાઉથ ઇન્ડિયાની મદ્રાસણો પણ હતી.

અંજલિબહેન વિચારવા લાગ્યાં કે અહીં તો કામ કરનારી બધી જ વ્યક્તિઓ પરદેશથી જ આવેલી છે. આમાં મૂળ અમેરિકનો, જેઓ યુરોપ અને ઇંગ્લેન્ડમાંથી આ દેશ ખોજાયો ત્યારે અહીં આવી હતી, તેવી કોઈ વ્યક્તિ દેખાતી જ ન હતી. એમનો જમાઈ કમ્પ્યૂટર પ્રોફેશનલ હતો. ભારતમાં બેચલર્સનો કોર્સ કરીને એ અમેરિકામાં માસ્ટર્સનો કોર્સ કરવા આવ્યો હતો. ભણતાં ભણતાં એણે ગ્રીનકાર્ડ મેળવવા માટે એક અમેરિકન સિટીઝન યુવતી જોડે લગ્ન કર્યાં હતાં. એ યુવતી પણ યુરોપિયન કે બ્રિટિશર ન હતી, પણ ફિલિપાઇન્સની હતી. એણે પણ પહેલાં લગ્ન કરીને અમેરિકન સિટીઝનશિપ મેળવી હતી. અંજલિની દીકરીએ એ વ્યક્તિએ એની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા ત્યારબાદ એની જોડે બનાવટી ફક્ત ગ્રીનકાર્ડ મેળવવા માટે જ પૈસા આપીને લગ્ન કર્યાં હતાં. એને પણ લગ્નના આધારે ગ્રીનકાર્ડ અને પછી નેચરેલાઈઝેશન દ્વારા અમેરિકાની સિટીઝનશિપ મેળવી હતી. અંજલિની દીકરીએ પણ એમ જ લગ્નના આધારે ગ્રીનકાર્ડ અને ત્રણ વર્ષ બાદ અમેરિકન સિટીઝનશિપ મેળવી હતી.

સિલિકોન વેલીમાં કામ કરતા અમેરિકન જમાઈ એની સાસુ અંજલિબહેનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ઉભરાતા એ શહેરમાં લઇ ગયો હતો. અંજલિએ ત્યાં પણ જોયું કે મોટાભાગના કમ્પ્યૂટર પ્રોફેશનલો કાં તો ભારતીયો હતા યા તો પાકિસ્તાની, ચાઈનીઝ કે જાપાનીઝ હતા. અમેરિકાના લગભગ બધા જ ટેક્સીચાલકો પણ પાકિસ્તાની, આફ્રિકન યા ફિલિપાઇન્સના હતા. આમ, અમેરિકામાં લગભગ બધા જ વ્યવસાયોમાં કામ કરતા મોટાભાગના લોકો પરદેશીઓ જ હતા. ઈમિગ્રન્ટો જ હતા.

ભારત પાછા આવ્યાં બાદ અંજલિબહેન વિચારવા લાગ્યાં કે અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ જેઓએ બીજીવાર પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું છે તેઓ બધા જ ઈમિગ્રન્ટોને, લીગલ તેમજ ઈલ્લિગલોને અમેરિકાની બહાર કાઢી મૂકવા ઈચ્છે છે. જો તેઓ ખરેખર એમના ઈરાદાઓમાં સફળતા પ્રાપ્ત કરશે, તો અમેરિકાના એરપોર્ટ ઉપર સાફસૂફી કોણ કરશે? પરદેશીઓને અમેરિકામાં પ્રવેશવા દેવા કે નહિ એની તપાસ કયા ઓફિસરો કરશે? ટેક્સીઓ કોણ ચલાવશે? ઘરમાં રસોઈ કરવા કોણ આવશે? હોસ્પિટલોમાં દર્દીઓનો ઉપચાર કોણ કરશે? ઓપરેશન કર્યા બાદ દર્દીઓની સારસંભાળ શું ખરેખર યુરોપિયન યા બ્રિટિશર નર્સો કરશે? અમેરિકાની મોટેલો અને હોટલો કોણ ચલાવશે? સ્ટોરો કોણ ચલાવશે? સિલિકોન વેલીમાં કામ કોણ કરશે? શું એમને બ્રિટિશર યુરોપિયન કમ્પ્યૂટર પ્રોફેશનલો પૂરતા પ્રમાણમાં મળી રહેશે? અમેરિકાનાં ખેતરોમાં મજૂરી કોણ કરશે?

આવા આવા વિચારો આવતાં અંજલિબહેનના મનમાં ધ્રાસ્કો પડ્યો છે. એવો ધ્રાસ્કો હજારો લાખો અમેરિકનોના મનમાં પણ આજે ઉદ્ભવ્યો છે. જો એમના પ્રેસિડેન્ટ એમને ત્યાં રહેતા અને કામ કરતા ઈમિગ્રન્ટોને, લીગલ તેમજ ઇલ્લિગલોને અમેરિકા બહાર મોકલી આપશે, તો એમનો બધો વ્યવહાર કોણ ચલાવશે? અમેરિકામાં કામ કોણ કરશે?

અમેરિકા ઈમિગ્રન્ટોનો દેશ છે. એની પ્રગતિ ઈમિગ્રન્ટોને આભારી જ છે. અનેક અમેરિકનોનું એવું માનવું છે કે જો અમેરિકામાં રહેતા, લીગલ તેમજ ઈલ્લિગલ બધા જ ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર મોકલી દેવામાં આવશે તો અમેરિકાનો બધો જ વ્યવહાર ઠપ્પ થઇ જશે. મૂળ અમેરિકનો એટલે કે યુરોપિયનો અને બ્રિટિશરોની વસ્તી એટલા મોટા પ્રમાણમાં અમેરિકામાં નથી. તેઓ બધાં જ કામો કરવામાં અન્ય પરદેશીઓ જેવા હોશિયાર, અનુભવી તેમજ ઉત્સાહી પણ નથી. મૂળ અમેરિકનોની વસ્તી દિવસે દિવસે ઘટતી જાય છે. આથી અમેરિકાને ઈમિગ્રન્ટોની એમના દેશને ટકાવી રાખવા માટે ખૂબ જરૂર છે. જો ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર મોકલી દેવામાં આવશે તો અમેરિકાનું શું થશે? આ કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે.