ફાસ્ટ ફૂડના આ યુગમાં ફાસ્ટ ફૂડ સાથે જોડાયેલી એવી ઘણી બધી બાબતો છે, જેને આપણે ખાતા હોઇએ. એ વસ્તુ આપણી પ્રિય હોય તેમ છતાં એ અંગે આપણે અજાણ હોઇએ છીએ. એમાં બાળકોના પ્રિય એવા પિઝાની વાત કરીએ તો, પિઝા ગોળાકાર કેમ બનાવવામાં આવે છે? તેને ચોરસ બોક્સમાં જ કેમ સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજી રસપ્રદ વાત એ છે તેને ત્રિકોણ આકારમાં જ કેમ કાપવામાં આવે છે?
પિઝા ગોળ જ કેમ હોય?
પિઝા ગોળ હોવાના કારણની શરૂઆત કરીએ તો તેનો જવાબ રોટલીમાં છુપાયેલો છે. રોટલી હંમેશાં ગોળ બનાવવામાં આવે છે. ગોળ વાનગી બધી બાજુથી બરાબર રંધાય છે. આ જ કારણ પિઝામાં લાગુ પડે છે. જ્યારે પિઝાને ગોળાકાર બનાવવામાં આવે છે, ત્યારે તે બધી બાજુએથી સમાન રીતે રંધાય છે. જો પિઝા અન્ય કોઇ આકારના હોય તો કેટલીક જગ્યાએથી વધુ અને અન્ય જગ્યાએથી ઓછા રંધાય છે એટલે કે તે કાચા રહેવાની શક્યતાઓ વધી જાય છે, જ્યારે ગોળાકારમાં આ સમસ્યા રહેતી નથી, તેથી પિઝાને ગોળ બનાવવામાં આવે છે.
ચોરસ બોક્સ કેમ પસંદ કરાય છે?
પિઝા ગોળ હોય તો તેને મૂકવાનું બોક્સ ચોરસ કેમ રાખવામાં આવે છે? બોક્સ તો બોક્સ છે. એ ગોળ હોય કે ચોરસ શું ફરક પડે? તો પછી ચોરસ બોક્સનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે. તો બાળકો, ચોરસ બોક્સનો ઉપયોગ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેને બનાવવાનો ખર્ચ ઓછો થાય છે. કાર્ડ બોર્ડની એક જ શીટના ઉપયોગથી ચોરસ બોક્સ સરળતાથી બની જાય છે. બોક્સને જો ગોળ બનાવવામાં આવે તો તેનો ખર્ચ વધી જાય છે. બીજું, ચોરસ બોક્સને સ્ટોર કરવામાં સરળતા રહે છે. જ્યારે ચોરસ બોક્સને કબાટમાં મૂકવામાં આવે છે, ત્યારે દીવાલની તરફ કોઇ ખાલી જગ્યા નથી રહેતી. એવામાં ઓછી જગ્યામાં વધારે બોક્સ મૂકી શકાય છે. જો બોક્સ ગોળ હશે તો દીવાલના ખૂણા સાથે ચોંટશે નહીં, જેથી વધારે જગ્યા રોકશે.
પિઝાને ત્રિકોણ કેમ કપાય છે?
બાળકો, પિઝા હંમેશાં ત્રિકોણાકારમાં જ કાપવામાં આવે છે અન્ય કોઇ આકારમાં નહીં. તો જ્યારે કોઇ પણ ગોળ વસ્તુને જો સરખા ભાગે કાપવી હોય તો તેને નાના ત્રિકોણમાં કાપવામાં આવે છે. જો પિઝાને અન્ય કોઇ આકારમાં કાપવામાં આવે તો કોઇ ભાગ મોટો રહેશે અને કોઇ ભાગ નાનો રહેશે. પરિણામે કોઇને પિઝાનો નાનો ભાગ મળે તો કોઇને મોટો. આમ પિઝાને સમાન રીતે સર્વ કરવો હોય તો તેને ત્રિકોણ આકારમાં કાપવો પડે.