અમેરિકામાં ભણવા જવાની ઈચ્છા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ હવે વિચારતા થઈ ગયા છે કે શું એમણે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જવું જોઈએ કે પછી કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે અન્ય કોઈ દેશની યુનિવર્સિટીઓમાં ભણવા જવું જોઈએ?
આવો વિચાર કરવા પાછળનું મુખ્ય કારણ છે બીજી વાર અમેરિકાના પ્રેસિડન્ટ પદે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા પરદેશી વિદ્યાર્થીઓ માટે બહાર પાડેલ એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એવો એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડ્યો કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા બધા જ પરદેશી વિદ્યાર્થીઓના `સેવિસ' રેકોર્ડ બંધ કરી દેવામાં આવે. અમેરિકામાં જો ભણવું હોય તો `સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર્સ ઈન્ફોર્મેશન સર્વિસીસ' જેને આપણે સૌ `સેવિસ' તરીકે ઓળખીએ છીએ એના સભાસદ હોવું જરૂરી છે. જો `સેવિસ'માં પરદેશી વિદ્યાર્થી પોતાની જાતને રજિસ્ટર્ડ ન કરાવે તો અમેરિકાની યુનિવર્સિટી એને પોતાને ત્યાં ભણવા માટે આજ્ઞા આપી ન શકે. અમેરિકાની માન્યતા પામેલ કોઈ પણ યુનિવર્સિટીમાં ભણવા જવું હોય અને એ માટે નોન ઈમિગ્રન્ટ શ્રેણી `એફ-1' યા `એમ-1' યા `જે-1' વિઝા મેળવવા હોય તો સર્વપ્રથમ એ પરદેશી વિદ્યાર્થીએ પોતાની જાતને `સેવિસ' રેકોર્ડમાં રજિસ્ટર્ડ કરવાની રહે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા બધા જ પરદેશી વિદ્યાર્થીઓના સેવિસ રેકોર્ડ રદ કરી નાખ્યા અને એ સઘળા, લગભગ સાત હજાર જેટલા પરદેશી વિદ્યાર્થીઓને જણાવ્યું કે, `તમારા સેવિસ રેકોર્ડ રદ કરવામાં આવ્યા, આથી જો તમારે અમેરિકામાં ભણવું હોય તો હાર્વર્ડ યુનિવર્સિટી છોડીને તરત જ અમેરિકાની અન્ય કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લો. નહીં તો તરત જ અમેરિકા છોડીને તમારા દેશમાં પાછા ચાલી જવું પડશે.
હવે તમે હાર્વર્ડમાં અભ્યાસ કરી નહીં શકે.' આવા એક્ઝિક્યૂટિવ ઓર્ડરના કારણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા સાત હજાર જેટલા પરદેશી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પડી ગયા છે. જોકે, હાર્વર્ડ યુનિવર્સિટીએ જાતે પ્રેસિડન્ટ ટ્રમ્પના આ એક્ઝિક્યૂટિવ ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો છે અને કોર્ટે તાત્કાલિક એ ઓર્ડર અમલમાં ન આવે એવો મનાઈહુકમ પણ કર્યો છે, પણ એ જે પિટિશન દાખલ કરવામાં આવી છે એનો આખરી નિકાલ ક્યારે આવશે અને શું આવશે એની હાર્વર્ડમાં ભણતા બધા પરદેશી વિદ્યાર્થીઓ ચિંતા કરવા લાગ્યા છે. એમને એવા પણ વિચારો આવે છે કે કોર્ટ જો પ્રેસિડન્ટ ટ્રમ્પના આ ઓર્ડરને ગેરબંધારણીય યા ગેરકાનૂની ઠરાવે તો શું? પ્રેસિડન્ટ ટ્રમ્પ એ માનીને બેસી રહેશે?
તેઓ શું એ ઓર્ડરમાંથી અપીલ નહીં કરે? અને અપીલ કોર્ટ જો મનાઈહુકમ ચાલુ નહીં રાખે તો શું થશે? અપીલનો નિર્ણય આવતા કેટલો સમય લાગશે? અને આખરે ડોનાલ્ડ ટ્રમ્પના એ ઓર્ડરને રદ કરવામાં આવે તો શું? બીજીવાર પ્રેસિડન્ટ પદ પામેલા ડોનાલ્ડ ટ્રમ્પ એના જેવા બીજા એક્ઝિક્યૂટીવ ઓર્ડરો બહાર નહીં પાડે? આવા આવા વિચારો હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા પરદેશી વિદ્યાર્થીઓને આવવાના શરૂ થઈ ગયા છે. ફક્ત હાર્વર્ડના પરદેશી વિદ્યાર્થીઓ જ શા માટે, અમેરિકાની બધી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા પરદેશી વિદ્યાર્થીઓને આવા વિચારો આવવા લાગ્યા છે અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણતા બધા જ પરદેશી વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ગભરાટ ફેલાઈ ગયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આવા એક્ઝિક્યૂટિવ ઓર્ડરના કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ વર્ષ 2025માં અમેરિકામાં ભણવા જવાની ઈચ્છા ધરાવતા હતા તેમાંના અનેકોએ એમનો વિચાર બદલ્યો છે અને કેનેડા તેમજ યુકે અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટેની અરજીઓ કરવાની તૈયારીમાં પડ્યા છે. શું હવે ભારતીય વિદ્યાર્થીઓને હાર્વર્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ થઈ પડશે? ભારતીય વિદ્યાર્થીઓ શું હાર્વર્ડમાં ભણી શકશે?
નોંધનીય છે કે, 80ના દશકમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક ઈન્ડિયન પારસી લોમાં માસ્ટર્સ ભણતા હતા. જેનું નામ રોહિન્ટોન નરીમાન (Rohinton Nariman) હતું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા બાદ તેમણે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે તેઓ સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજ છે. અર્થાત્ હાર્વર્ડ યુનિવર્સિટીએ આપણને એક સારો જજ આપ્યો હતો એમ ચોક્કસપણે કહી શકાય.
વુધમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ અમેરિકાના આઠ પ્રેસિડન્ટ્સ પણ આપેલા છે. અલબત્ત, જો હાર્વર્ડમાં ભારતીયોને ભણવાનો અવસર મળે છે તો તેમાં દેશ અને દુનિયાનું ભલું થઇ શકે છે તેમાં કોઇ બેમત હોવા જોઇએ નહીં. આશા રાખીએ કે હાર્વર્ડમાં માત્ર ભારતના જ નહીં, સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને ભણવાની છૂટ મળે.
