આવતા રવિવારે `ફ્રેન્ડશિપ ડે' છે. શ્વાન એટલે કે કૂતરાને પ્રાણીજગતમાંથી આવતો માણસનો શ્રેષ્ઠ મિત્ર ગણવામાં આવે છે, કેમ કે કૂતરો વફાદાર હોવાની સાથે જ લાગણીશીલ પણ હોય છે. જોકે, માણસજાત બહુ સ્વાર્થી છે. એટલે નજીકના ભવિષ્યમાં શ્વાનસમાજ દ્વારા દર્શાવવામાં આવતી લાગણીઓને તડકે મૂકીને માણસજાત ડુક્કરને પોતાનું `બેસ્ટ ફ્રેન્ડ' જાહેર કરે તો નવાઈ નહિ! એનું કારણ છે ડુક્કર દ્વારા ભવિષ્યમાં શક્ય બનનારું અંગદાન!
છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન મનુષ્ય શરીરમાં વિવિધ અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાબતે ખાસ્સી શોધખોળો થઇ છે. તાજેતરના ભૂતકાળમાં અમેરિકન ડોક્ટર્સે તો માનવ શરીરમાં માનવઅંગોને બદલે ડુક્કરની કિડની અને હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સ્પ્લાન્ટ કરી દેખાડ્યું છે!
અદ્યતન તબીબી પ્રક્રિયા દ્વારા પ્રાણીઓનાં અંગો (ખાસ કરીને ડુક્કરના) મનુષ્યના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, એને `ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન' (Xenotransplantation) તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2022માં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના મેડિકલ સેન્ટર ખાતે એક તબીબી ચમત્કાર થયો. એક ડુક્કરનું હૃદય જીવિત મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ પ્રકારની આ વિશ્વની સૌપ્રથમ ઘટના હતી. આ ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દી બે મહિના સુધી જીવ્યોય ખરો. જોકે, પછી તેનું મૃત્યુ થયું, પરંતુ આ બનાવને પગલે ઝેનોટ્રાન્સપ્લાન્ટેશનની દિશામાં એક નવી બારી ખૂલી ગઈ. વર્ષ 2024માં અમેરિકામાં ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલ એકેડેમિક હેલ્થ સેન્ટર અને અન્ય સંસ્થાઓએ ડુક્કરની કિડનીને મનુષ્યમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવાના પ્રયોગો કર્યા. આ પ્રયોગો ન્યૂરોલોજિકલ ગરબડને પગલે કોમામાં ગયેલા દર્દી (brain-dead) પર કરવામાં આવ્યા, જેમાં કિડનીએ મહિના ઉપરાંતના સમયગાળા સુધી સફળતાપૂર્વક કાર્ય કર્યું! મનુષ્યના પૂર્વજ ગણાતા વાનરોને પણ ડુક્કર કામ લાગ્યાં છે. વર્ષ 2024 દરમિયાન જાપાનના એક મેડિકલ સ્ટાર્ટઅપ PorMedTech દ્વારા ડુક્કરની કિડની એક વાનરના શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો માને છે કે આ તમામ સફળ ઓપરેશન્સને પગલે ભવિષ્યમાં Xenotransplantation - એટલે કે ડુક્કરના વિવિધ અવયવોનું માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની ઘણી શક્યતાઓ ઊભી થશે.
પણ ડુક્કર જ શા માટે? ઘેટાં-બકરાં, શ્વાન, ગાય-ભેંસ કે પછી બીજાં કોઈ જાનવર કેમ નહિ? ડુક્કરનાં અંગો (કિડની, હૃદય) મનુષ્યનાં અંગો સાથે કદ અને કાર્યની દૃષ્ટિએ સમાન હોય છે. વળી, ડુક્કરની રિપ્રોડક્શન સાઇકલ ઝડપી છે. એટલે કે ડુક્કરો ઝડપથી પેદા થતાં રહે છે. ઝડપી પ્રજનન અને સરળ પાલન તેમને અંગ પુરવઠા માટે આદર્શ બનાવે છે. અહીં બીજી પણ એક ટેક્નિકલ બાબત છે - CRISPR. ક્રિસ્પર (CRISPR) એટલે Clustered Regularly Interspaced Short Palindromic Repeats. આ એક આનુવંશિક એન્જિનિયરિંગ ટેક્નિક છે, જેનો ઉપયોગ DNAમાં ચોક્કસ ફેરફાર કરવા માટે થાય છે. આ ક્રિસ્પર ટેક્નિકનો ઉપયોગ કરીને ડુક્કરનાં અંગોને માનવદેહ માટે વધુ સુસંગત બનાવવામાં આવે છે. આનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થઇ શકે છે.
ફાઈન, ઇન શોર્ટ ડુક્કરનાં અંગો આપણા માટે એકદમ `ફિટ બેસે' એવાં છે. હવે આ હકીકતનો ઉપયોગ કરીને ચીનાઓએ આ વર્ષની શરૂઆતમાં જ એક ચમત્કાર કરી દેખાડ્યો. આ વર્ષના માર્ચ મહિના દરમિયાન ચીની ડૉક્ટર્સે એક ડુક્કરના લીવરનું પ્રત્યાર્પણ માનવ શરીરમાં કરી દેખાડ્યું છે! આ ટ્રાન્સપ્લાન્ટ એક બ્રેઈનડેડ વ્યક્તિના શરીરમાં કરાયું હતું.
10 માર્ચ, 2024ના રોજ એક નાના ડુક્કરનું લીવર પુખ્ત વયની એક બ્રેઈનડેડ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ લીવરને વધુ યોગ્ય બનાવવા માટે એના છ જેટલા જનીનોમાં ફેરફાર કરવામાં આવેલા. ડોક્ટરોના જણાવ્યા મુજબ પરિવારની વિનંતી પર 10 દિવસ પછી ટ્રાયલ સમાપ્ત કરવામાં આવી. આ પ્રયોગો દરમિયાન દર્દીનું મૂળ લીવર પણ યથાસ્થાને જ રહ્યું. ડૉક્ટર્સને આશા છે કે આવા ટ્રાન્સપ્લાન્ટ માનવદાતાની રાહ જોઈ રહેલા બીમાર લોકોના હાલના લીવરને ટેકો આપવા માટે એક સપોર્ટ સિસ્ટમ તરીકે કામ લાગશે. જ્યાં સુધી દર્દીને કોઈ યોગ્ય માનવદાતા ન મળે ત્યાં સુધી એને ડુક્કરના લીવરને આધારે જીવાડી શકાય! આ પ્રયોગના 10 દિવસ દરમિયાન ડૉક્ટર્સે લીવરના રક્તપ્રવાહ, પિત્ત ઉત્પાદન, રોગપ્રતિકારક પ્રતિભાવ અને અન્ય મુખ્ય કાર્યોનું નિરીક્ષણ કર્યું, જે બરાબર જણાયાં હતાં.
વિશ્વભરમાં કિડની અને હૃદય ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા લાખો દર્દીઓ માટે ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન એક આશાનું કિરણ છે. અનેક અગ્રણી તબીબી સંસ્થાઓએ ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન માટે ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી આપવાનું શરૂ કર્યું છે, જે આગામી દાયકામાં આ પ્રક્રિયાને વધુ સામાન્ય બનાવી શકે છે. આ ઉપરાંત ડુક્કરનાં અંગોને મનુષ્યના શરીર સાથે વધુ સુસંગત બનાવવા માટે સતત સંશોધનકાર્ય પણ ચાલુ છે.
એક અંદાજ મુજબ હાલમાં વિશ્વની કુલ વસ્તીના દોઢ અબજ લોકો લીવરને લગતી જુદી જુદી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એકલા અમેરિકામાં જ અત્યારે 11,000 લોકો લીવર ડોનરની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષે આવા 1,700 દર્દીઓ રાહ જોતાં જોતાં જ મૃત્યુ પામે છે, પણ કોઈ ડોનર નથી મળતો! ભારતમાં પણ જે હદે લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવી રહ્યો છે, એ જોતાં ફેટી લીવરથી માંડીને સોરાયસિસ સહિતની અનેક બીમારીઓએ માઝા મૂકી છે. લીવર માટે અત્યંત જોખમી ગણાય એવા દારૂ સહિતના નશાનું સેવન વધી રહ્યું છે. એ સંજોગોમાં આપણો માનવસમાજ આશાભરી નજરે ડુક્કર સમાજ તરફ મીટ માંડીને બેઠો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. આ ક્ષેત્રે કાર્યસાધક પરિણામો મળે એવી આશાસહ `ચિયર્સ'!
