તાજેતરમાં એક પોડકાસ્ટમાં, એક્ટ્રેસ પૂનમ ધિલ્લોને કહ્યું હતું કે તેણે કરેલી અમુક સુંદર ફિલ્મોમાંથી તેની ફેવરિટ ફિલ્મ `યે વાદા રહા' છે. આ ફિલ્મ 1982માં આવી હતી.
તેમાં પૂનમની સાથે ઋષિ કપૂર, ટીના મુનીમ, રાખી ગુલઝાર અને શમ્મી કપૂર હતાં. તેનું નિર્દેશન કપિલ કપૂરે કર્યું હતું. નિર્માતા હતા રમેશ બહેલ. રમેશ બહેલ કપિલ કુમારના સાળા થાય. રમેશ બહેલે અગાઉ રાજેશ ખન્ના સાથે `ધ ટ્રેન' અને અમિતાભ સાથે `કશ્મે વાદે' બનાવી હતી. ફિલ્મનું સંગીત આર. ડી. બર્મનનું હતું અને ગીતો ગુલશન બાવરાનાં હતાં.
પૂનમે કહ્યું કે આ ફિલ્મ તેના સમય કરતાં આગળ હતી અને ત્યારે લોકોને ખાસ પસંદ નહોતી આવી, પરંતુ આજે લાગે છે કે બહુ સરસ રીતે બની હતી અને યાદગાર છે. પૂનમની વાત સાચી છે. 80ના દાયકામાં પ્લાસ્ટિક સર્જરીને લઈને દેશમાં ખાસ જાણકારી નહોતી. ફિલ્મમાં એક ભયાનક અકસ્માત પછી પ્લાસ્ટિક સર્જરીની મદદથી નાયિકાનો ચહેરો રિપેર કરવામાં આવે છે અને તે એક જુદી જ વ્યક્તિ દેખાય છે. પછી તો ખૂન ભરી માંગ, રાઝ-2, કહાની-3 ફિલ્મમાં પ્લાસ્ટિક સર્જરી બતાવવામાં આવી હતી, પરંતુ 80ના દર્શકો માટે તો તે સાવ જ નવો અનુભવ હતો.
આવી વાર્તાનો વિચાર પણ પૂનમ ધિલ્લોનનો જ હતો. તે ક્યાંક પ્રવાસ કરતી હતી અને સમય કાઢવા માટે `ધ પ્રોમિસ' નામની એક નવલકથા વાંચી હતી. રોમેન્ટિક નવલકથાઓ માટે મશહૂર થયેલી અમેરિકાની લેખિકા ડેનિયલ સ્ટીલે 1978માં આ નવલકથા લખી હતી. 1979માં તેના પરથી હોલિવૂડમાં ફિલ્મ પણ બની હતી. એ જ વર્ષે યશ ચોપરા પ્રોડક્શનની `નૂરી' ફિલ્મથી પૂનમ ધિલ્લોનનું ફિલ્મોમાં પદાર્પણ થયું હતું.
પૂનમને સ્ટીલની વાર્તા બહુ ગમી ગઈ હતી. વાર્તા સાચે જ રસપ્રદ હતી અને લેખિકાએ શાનદાર રીતે તેને બહેલાવી હતી.
તેમાં બોસ્ટનની કોલેજમાં સાથે ભણતાં છોકરો-છોકરી પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનું નક્કી કરે છે, પણ છોકરાની માતા તેનો ઇનકાર કરે છે. બંને ભાગી જાય છે, પણ રસ્તામાં અકસ્માતનો ભોગ બને છે. છોકરો બેભાન થઇ જાય છે અને છોકરીનો ચહેરો છૂંદાઈ જાય છે. છોકરાની માતા છોકરીને પ્લાસ્ટિક સર્જરી કરવાની ઓફર કરે છે, પણ શરત મૂકે છે કે છોકરાને ફરીથી મળવાનું નહીં.
છોકરી રાજી થાય છે અને કેલિફોર્નિયામાં એક ડોક્ટર તેની સર્જરી કરે છે. માતા તેના દીકરાને કહે છે કે છોકરી મરી ગઈ છે. સર્જરી પછી છોકરી બીજું નામ ધારણ કરીને એક સફળ ફોટોગ્રાફર બને છે. બીજી બાજુ છોકરો આર્કિટેક્ટ બને છે. એક દિવસ કોઈ પ્રોજેક્ટના ભાગરૂપે સાન ફ્રાન્સિસ્કોમાં છોકરો એક ગેલેરીમાં જાય છે અને ત્યાં પેલી ફોટોગ્રાફરના ફોટા જુએ છે અને પછી તેને મળે છે.
પેલી છોકરાને ઓળખી જાય છે, પણ છોકરો તેને બીજી છોકરી માનીને આકર્ષાય છે. છોકરો તેના કપાળ પર પડેલા જખમ અંગે જૂઠું બોલે છે અને પછી બંને વચ્ચે ખેંચતાણ ચાલે છે. અંતે બંને તેમની જૂની જગ્યાએ જાય છે અને એકબીજાના ખુલાસા કરે છે. પછી ખાધું પીધું ને રાજ કર્યું.
યશરાજ ફિલ્મ્સની `નૂરી'થી લોકપ્રિય થયેલી પૂનમને આ વાર્તા વાંચીને વિચાર આવ્યો હતો કે તેના પરથી ફિલ્મ બને તેવી છે. એટલે તેણે યશ ચોપરાને સૂચન કર્યું કે તમે આ નવલકથા વાંચી જાવ. યશજી વાંચવા માટે આળસુ હતા એટલે તેમણે પૂનમને કહ્યું કે તું (તેમનાં પત્ની) પામેલા ચોપરાને આપજે, તે વાંચીને મને સાર કહેશે.
શ્રીમતી ચોપરાએ તેને ફટાફટ વાંચી કાઢી અને યશને તે સમજાવી, તો તેમની પ્રતિક્રિયા એવી હતી કે હિન્દી ફિલ્મોના દર્શકોને આ વાર્તા નહીં પચે. `હેમા માલિની ઝિનત અમાન બન જાયેગી તો લોગ કૈસે માનેંગે?' એવું તેમણે પૂનમને કહ્યું હતું. વાત ત્યાં અટકી ગઈ અને થોડા મહિના પછી રમેશ બહેલ તરફથી પૂનમને આ જ વાર્તા પરથી ફિલ્મ ઓફર થઇ, જેનું નામ `યે વાદા રહા.'
તેમણે ભારતીય દર્શકો માટે થઈને મૂળ વાર્તામાં સંગીતનું તત્ત્વ ઉમેર્યું હતું, બાકીની વાર્તા યથાવત્ હતી. ફિલ્મમાં અકસ્માતનો ભોગ બનેલી પૂનમ સર્જરી પછી ટીના બની જાય છે. બીજી બાજુ રિશિને પૂનમની યાદમાં અનાથાશ્રમ બનાવવો છે એટલે સ્ટેજ પ્રોગ્રામ કરીને પૈસા એકઠા કરે છે. એવા એક શોમાં ટીના આવે છે અને તેની સાથે ગાવા લાગે છે. તે સાંભળીને રિશિને પૂનમના અવાજની યાદ આવે છે.
બંને વચ્ચે પરિચય વધવા લાગે છે અને એક દિવસ એ જ જગ્યાએ જાય છે જ્યાં અકસ્માત થયો હતો. ત્યાં ટીના તેને જૂની ઘટના યાદ કરાવે છે, પણ રિશિ કહે છે કે તેની યાદદાસ્ત જતી રહી છે. દરમિયાનમાં સર્જરી કરનારો ડોક્ટર રિશિની માતાને મનાવવાની કોશિશ કરે છે કે ટીના જ પૂનમ છે. ટીના પણ રિશિ માટે ગીત પેશ કરે છે અને તેને યાદ અપાવે છે કે આ જ ગીત તેણે પૂનમ સાથે ગાયું હતું. પછી રિશિ તેની માતાનું જૂઠ પકડી પાડે છે અને અંતે ટીનાને પૂનમ તરીકે સ્વીકારે છે.
પૂનમ અને ટીનાના અવાજમાં ફરક ન આવે તે માટે બંનેના સંવાદોનું ડબિંગ જયા બચ્ચનના અવાજમાં કરવામાં આવ્યું હતું. આ સંગીતના તત્ત્વથી ફિલ્મ. આર. ડી. બર્મને કિશોર કુમાર અને આશા ભોંસલે પાસે યાદગાર ગીતો ગવડાવ્યાં હતાં. કુલ પાંચ ગીતો હતાં અને બધાં જ કર્ણપ્રિય હતાં: ઐસા કભી હુઆ નહીં જો ભી હુઆ ઠીક હુઆ, તૂ તૂ હૈ વોહી દિલને જિસે અપના કહા, ઈશ્ક મેરા બંદગી હૈ, મૈંને તુઝે કુછ કહા થા, જીને કો તો જીતે હૈ સભી અને મિલ ગઈ આજ દો લહેરેં.
2018માં વડાપ્રધાન મોદી ચીનની યાત્રાએ ગયા ત્યારે વુહાનમાં તેમનું સ્વાગત આ ફિલ્મના ગીત `તૂ તૂ હૈ વોહી દિલને જિસે અપના કહા'થી કરવામાં આવ્યું હતું. મોદીએ ત્યારે કહ્યું હતું કે પંચમ (આર. ડી. બર્મન) લેજેન્ડ હતા, વિદેશી ધરતી પર ભારતીય સંગીત સાંભળીને મને મજા આવી ગઈ.
આ ગીતનું ફિલ્માંકન પણ રસપ્રદ હતું. પંચમે તેમાં તાળીઓનો અવાજ મૂક્યો હતો. રિશિ ઘરમાં ગ્રામોફોન વગાડે છે અને તેની ધૂન પર એક થાંભલા સાથે રોમાન્સ કરે છે. રસોડામાં કૂકર મૂકતી પૂનમ બહાર આવીને તેની સાથે જોડાય છે અને પછી `મિલ જાયે ઇસ તરાહ' પંક્તિ પર સાથળ પર હાથ પછાડીને પછી એકબીજાની તાળી લે છે. બંને એમાં બહુ પ્રેમાળ લાગે છે.
રાજ કપૂરે રિશિને કહ્યું હતું કે તેમને આ ફિલ્મ પસંદ આવી હતી, પરંતુ તેમની દૃષ્ટિએ એક જ હિરોઈન રાખવાની જરૂર હતી, જેને મેકઅપ વડે જુદી બતાવી શકાય. બે અલગ હિરોઈન હોવાથી દર્શકો માની ન શક્યા કે આ એક જ સ્ત્રી છે. એટલે કિરદાર સાથેનો તેમનો ભાવનાત્મક નાતો તૂટી ગયો.
તેને બાદ કરતાં ફિલ્મ સાચે જ સરસ બની હતી. તેનું શૂટિંગ કાશ્મીરમાં થયું હતું અને તમામ ગીતો ખૂબસૂરત રીતે ફિલ્માવાયાં હતાં. અભિનયમાં પણ રિશિ, પૂનમ અને ટીનાએ ચાર ચાંદ લગાવી દીધા હતા.
