અમે જ્યારે ભણતા'તા ત્યારે પરીક્ષા પહેલાં અમે કાયમ રાત્રે જ વાંચવાનું `પ્રીફર' કરતા'તા અને અમે રોજ રાત્રે એક-બે વાગ્યે ચા પીવા બહાર ધસી જતા'તા. એકવાર અમે ઘરથી ખૂબ જ દૂર છેક રેલવે સ્ટેશન પાસે સ્કૂટર લઈ ચા પીવા રાત્રે દોઢ વાગ્યે ગયા હતા.
ત્યાં કેટલાક મિત્રો પણ `હાજર સ્ટોક'માં ઊભા હતા. અડધો પોણો કલાક ટોળટપ્પા કરીને અમે છૂટા પડ્યા અને અમે જોયું તો અમારું સ્કૂટર સત્યનારાયણની કથાના ભગવાનની જેમ `અંતર્ધાન' થઈ ગયું હતું. અમારા બધા ભાઈબંધો પણ જતા રહ્યા હતા અને એ ટાઈમે તો મોબાઈલ પણ નહોતા. એટલે અમે એકલા અટૂલા થઈ ગયા. ચાવાળાએ પણ એની લારી બંધ કરી અને `વસ્તી' કરી નાંખી. અમે તો બરાબરના સલવાયા. સ્કૂટર ગાયબ થવાના ટેન્શનની સાથે ઘેર કેવી રીતે પહોંચીશ એનું પણ ટેન્શન હતું, કેમ કે એવા સમયે બસ કે રિક્ષા પણ મળે એમ નહોતાં. અમે તો `બૈજુ બહાવરા' બની ગયા હતા. ત્યાં ચાની લારી પર ચા આપનારો એક `ટેણિયો' જેને અમે `છોટુ એક કટિંગ આપ બે' એવું કહેતા હતા એ આવ્યો. એણે મારી `વીતકકથા' સાંભળી.
એણે મને મારું એડ્રેસ પૂછ્યું. મેં એડ્રેસ કહ્યું એટલે એણે કહ્યું, `મારું બેટુ, બહુ દૂર છે. કશો વાંધો નહીં. હેંડો મું તમને મારી સાઇકલ પર મેલી જઈશ.' અને પછી એ ચાની લારી પર કામ કરતો ટેણિયો મને એની સાઇકલ પર બેસાડીને ઘરે મૂકી ગયો. (જોકે, એક વાતની ચોખવટ કરી દઉં. એણે ખૂબ આનાકાની કરી તે છતાંયે સાઇકલ મેં ચલાવી હતી અને એ ટેણિયો મારી પાછળ બેઠો હતો. ઈસ બાત કો નોટ કિયા જાય મી લોર્ડ) ચાવાળા ટેણિયાની સાઇકલ પર હું ઘરે પહોંચ્યો ત્યારે ત્રણ વાગ્યા હતા. મેં એને મારા ઘરે સૂઈ જવાનું કહ્યું તો એણે `ના ભઈ, મારી બા મારી રાહ જોતી હશે.' આટલું બોલી એણે મારી બીજી કોઈ પણ વાત સાંભળ્યા વગર સાઇકલ મારી મૂકી. સાઇકલ ચલાવી હું પણ થાક્યો હતો એટલે હવે સૂઈ જવાના પ્લાન સાથે મારા કંપાઉન્ડમાં પ્રવેશ્યો અને ત્યાં જે જોયું એ જોઈ હું તો `સુન્ન' થઈ ગયો. હતપ્રભ થઈ ગયો, દિગ્મૂઢ થઈ ગયો. ત્યાં મારા કંપાઉન્ડમાં મારું સ્કૂટર પડ્યું હતું. સ્ટેશન પાસે ખોવાયેલું મારું સ્કૂટર મારા ઘરના કંપાઉન્ડમાં ક્યાંથી આવી ગયું એ વિચારમાં જ હું તો ચક્કર ખાઈ ગયો. હરખનાં આંસુ સાથે સ્કૂટર પર પ્રેમથી હાથ ફેરવી હું ઘરમાં આવી પથારીમાં પડ્યો અને પડતાંવેંત જ નસકોરાં બોલાવવા માંડ્યો.
બીજા દિવસે સવારે હું ખૂબ મોડો ઊઠ્યો. હું મોડો ઊઠું ત્યારે મારા પપ્પા ખૂબ અકળાતા હતા, પણ આજે મને જોઈ અને એ કટાક્ષમાં બોલ્યા, `જાગી ગયા કુંવર?' હું જાગી જ ગયો હતો એટલે મેં માથું ધુણાવી હા પાડી. હવે એમણે સૂર બદલીને પૂછ્યું, `રાત્રે ક્યાં ગયા'તા મારા વાલા?' મેં બે અક્ષરમાં જવાબ આપ્યો `ચા પીવા'. પપ્પાએ પૂછ્યું, `ક્યાં?' મેં કહ્યું, `સ્ટેશન.' પપ્પાએ કહ્યું, `એમ? તો રાત્રે ત્રણ વાગ્યે કેમ આવ્યો'તો? તું આવ્યો ત્યારે હું જાગતો'તો'. મને થયું મારે સત્ય કહી જ દેવું પડશે. એટલે મેં રાત્રે જે ઘટના ઘટી'તી એ શબ્દશ: કહી દીધી. પપ્પા મારી વાત સાંભળી ઊભા થયા અને બોલ્યા, `હવેથી તારું રાતનું રખડવાનું બંધ અને હવે તને સ્કૂટર પણ નહીં મળે.' આટલું બોલી એ જતા રહ્યા.
થોડીવાર પછી મારી મમ્મી આવી અને એણે મને એક વિચિત્ર વાક્ય કહ્યું, `સ્કૂટરને લોક કર્યા પછી એમાં ચાવી ભરાવી રાખે તો આવું જ થાય.' હું કંઈ સમજ્યો નહીં. એટલે મેં પૂછ્યું, `તું કહેવા શું માંગે છે?' મમ્મીએ કહ્યું, `એ જ કે, સ્કૂટરને લોક કર્યા પછી એમાં ચાવી રાખી મૂકવાની તને જે કુટેવ છેને, એને સુધારવા તારા પપ્પા સ્કૂટર લઈ આવ્યા હતા.' મેં આઘાતથી પૂછ્યું, `હેં? પપ્પા? પપ્પા મારું સ્કૂટર સ્ટેશનથી લઈ આવ્યા હતા?' મમ્મીએ કહ્યું, `હા, તારા પપ્પા પણ તારી જેમ રાત્રે જાગવા માટે એમના ભાઈબંધ સાથે ચા પીવા સ્ટેશને ગયા હતા અને એમણે ચાવી ભરાવેલું આપણું સ્કૂટર જોયું એટલે તને પાઠ ભણાવવા સ્કૂટર લઈ આવી ગયા હતા.' પપ્પાનો પાઠ ભણી હું તો અવાક્ થઈ ગયો.
એ ઘટનાને આજે વર્ષો થઈ ગયાં, પણ જ્યારે જ્યારે હું સ્ટેશન જાઉં છું ત્યારે એ ગોઝારી રાતે મને મદદ કરનારા ટેણિયાને શોધું છું, પણ આજ સુધી એ ટેણિયો મળ્યો નથી અને ત્યારથી હું કોઈ પણ વાહનને લોક કર્યા પછી ચાવી ખિસ્સામાં મૂક્યા બાદ ફરી એકવાર ચેક કરી લઉં છું કે ચાવી લોકમાં તો નથીને.