- આ સેટેલાઈટ પૃથ્વીના હવામાન ઉપર નજર રાખશે.
- NISAR પોતાના વિશાળ રડાર દ્વારા પૃથ્વી ઉપરના સમુદ્ર અને બરફનું પણ સતત નિરીક્ષણ કરશે
આપણી સ્વદેશી અવકાશી સંસ્થા ઈસરો માટે દરેક ભારતીયને ગર્વ છે. એનું મુખ્ય કારણ એ છે કે વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ ભારતીય અવકાશી સંસ્થા પ્રમાણમાં ઘણું ઓછું બજેટ વાપરીને મોટા ગજાની અવકાશી સિદ્ધિઓ મેળવી ચૂકી છે. અમુક ઓપરેશન્સ તો ઈસરોએ એટલા ઓછા ખર્ચે સફળતાપૂર્વક પાર પાડ્યાં છે કે એનાથી નાસાના વૈજ્ઞાનિકો પણ અચંબો પામી જાય. કદાચ એટલે જ નાસાએ પોતાના અત્યંત મહત્ત્વાકાંક્ષી અને અત્યંત ખર્ચાળ પ્રોજેક્ટ માટે ઈસરોને પોતાની ભાગીદાર બનાવી છે. યસ, એક અત્યંત મહત્ત્વના અવકાશી પ્રોજેક્ટ માટે વિશ્વની શ્રેષ્ઠ સ્પેસ એજન્સી નાસા અને આપણી સ્વદેશી સંસ્થા ઇસરો પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઈસરો મળીને એક સેટેલાઇટ બનાવી રહ્યા છે. આ ઉપગ્રહનું નામ છે NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર. શોર્ટ ફોર્મમાં એ NISAR તરીકે ઓળખાય છે. આ એક `અર્થ ઇમેજિંગ સેટેલાઈટ' છે, જે પૃથ્વીનું નિરીક્ષણ કરશે અને એનાં રીડિંગ્સ અવકાશી સંસ્થાઓને મોકલશે. આ પ્રકારના સેટેલાઈટ્સને ઓબ્ઝર્વેશન સેટેલાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટે ભાગે આવતા વર્ષની શરૂઆતમાં જ NISARને લોન્ચ કરી દેવાશે. આ ઉપગ્રહનું વજન 2,600 કિલોગ્રામ છે. ભારતીયો માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે નાસા અને ઈસરોએ ભેગા મળીને બનાવેલો આ ઉપગ્રહ બનાવવા માટે 1.5 બિલિયન ડોલરનો અધધ...ખર્ચ થયો છે. રૂપિયામાં ગણીએ તો આ કિંમત બાર હજાર કરોડને આંબી જાય એવડી મોટી થાય! આ સેટેલાઈટ પૃથ્વીના હવામાન ઉપર નજર રાખશે. NISAR પોતાના વિશાળ રડાર દ્વારા પૃથ્વી ઉપરના સમુદ્ર અને બરફનું પણ સતત નિરીક્ષણ કરશે.
સધર્ન કેલિફોર્નિયાસ્થિત નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ગ્લેશિયોલોજિસ્ટ એલેક્સ ગાર્ડનરે જણાવ્યું કે ગ્રહના વધતા તાપમાનને કારણે પૃથ્વી પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે. અમારે આ પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવાની જરૂર છે અને NISAR આમાં અમારી મદદ કરશે. બીજી તરફ અમદાવાદમાં ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્લેશિયોલોજિસ્ટ સુશીલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે હિમાલયના અભ્યાસમાં વાદળો બહુ મોટો ભાગ ભજવે છે. વાદળોને કારણે હિમાલયની સુંદરતા વધે છે, પણ આ વાદળોને કારણે જ હિમાલયના સેટેલાઇટ સ્ટડીમાં મુશ્કેલી ઉદભવે છે. NISAR દ્વારા આ મર્યાદા નિવારી શકાશે. દરેક ઋતુમાં કામ કરતા સેટેલાઇટ નકશા દ્વારા અમને વધુ માહિતી મળી શકશે અને અમે વધુ સારી રીતે કામ કરી શકીશું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલી વિગતવાર માહિતી મેળવવા માટે આ સેટેલાઈટને કેટલાય કિલોમીટર લાંબા એન્ટેનાની જરૂર પડશે, જે વ્યવહારિક રીતે અશક્ય છે. તેથી વૈજ્ઞાનિકો ઉપગ્રહની ઝડપી ગતિનો ઉપયોગ કરશે, જેના દ્વારા `વર્ચ્યુઅલ એન્ટેના' બનાવી શકાશે.
અહીં પ્રશ્ન એ છે કે જો પૃથ્વીનું નિરીક્ષણ કરીને બરફ, દરિયો વગેરેના ફોટોઝ જ ખેંચવાના હોય, કે પછી હવામાનની આગાહીઓ જ કરવાની હોય, તો એના માટે તો બીજા સંખ્યાબંધ સેટેલાઇટ્સ અવકાશમાં આંટા મારી રહ્યા છે. તો પછી વિશ્વની ટોચની ગણાતી બે અવકાશી સંસ્થાઓ શા માટે આવો એક વધુ સેટેલાઈટ અવકાશે ચડાવવા માટે થનગની રહી છે? ટેક્સ પેયર્સના પૈસે આવડો મોટો અવકાશી ભપકો શા ખપનો?
જવાબ સિમ્પલ છે. climate.gov નામક વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં એકલા અમેરિકાને કુદરતી આફતોને કારણે જે નુકસાન વેઠવું પડ્યું, એનો આંકડો છે 603 બિલિયન ડૉલર્સ! વાર્ષિક હિસાબે ગણીએ તો લગભગ 120 બિલિયન ડૉલર્સ! આમાં ભારત સહિતની આખી દુનિયાના આંકડા જોડીએ, તો વાત ક્યાં પહોંચે? એના કરતાં NISAR જેવા સેટેલાઇટની મદદથી આગોતરી જાણ થઇ જાય, તો દર વર્ષે આખી દુનિયાના મળીને અબજો ડૉલર્સ બચે.
NISAR સેટેલાઇટ મહિનામાં 4થી 6 વખત પોતાની અદ્યતન રડાર ઇમેજિંગનો ઉપયોગ કરીને 5થી 10 મીટરના રિઝોલ્યુશન પર પૃથ્વીની ઇમેજીસ લેશે. આ ઇમેજીસ દ્વારા જમીનમાં આવતા બદલાવની સાથે સાથે બરફના જથ્થાનું પણ મેપિંગ કરવામાં આવશે. જેથી આ બંને સ્તરોમાં થતી નાનીમોટી હિલચાલની નોંધ લઇ શકાય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રીતની જાસૂસી દ્વારા જમીનના નીચલા સ્તરમાં શું થઇ રહ્યું છે એની માહિતી મેળવી શકાશે. વળી આ ઉપગ્રહ સમગ્ર વિશ્વમાં પર્યાવરણની વિવિધ ઇકોસિસ્ટમ્સ અને બદલાતા વાતાવરણમાં પડતી ખલેલનું પણ નિરીક્ષણ કરશે.
જેના પરિણામે ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્યાર સુધી આપણે એવું જ માનતા આવ્યા છીએ કે ભૂકંપની આગાહી કરવી અશક્ય છે. પરિણામે વધુ તીવ્રતા ધરાવતો ભૂકંપ મોટા પાયે નુકસાન વેરે છે, એટલું જ નહીં પણ એમાં થતી જાનહાનિનો આંકડો પણ મોટો હોય છે. જરા વિચાર કરો, કે ભૂકંપની આગોતરી માહિતી મળી જાય, તો જાનમાલને થતું નુકસાન કેટલા મોટા પાયે ઘટાડી શકાય!
ISROએ NISAR યુટિલાઈઝેશન પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે. તેના દ્વારા ભારતીય સંશોધકો અને વૈજ્ઞાનિકો NISAR સેટેલાઇટ મિશનના ડેટાને એક્સેસ કરી શકશે. આ સાથે તેમને તેનું વિશ્લેષણ કરવાની અને એ દ્વારા મળતાં પરિણામોને સમજવાની તક પણ મળશે. મીડિયા અહેવાલ મુજબ જુલાઈ 2023માં નાસાએ કહ્યું હતું કે બેંગલુરુમાં આ મિશનના બે મુખ્ય પાર્ટ્સ એસેમ્બલ કરવામાં આવ્યા છે. નાસાએ કહ્યું હતું કે જૂન, 2023માં બેંગલુરુમાં એન્જિનિયરોએ સેટેલાઇટની સ્પેસક્રાફ્ટ બસ અને રડારને એકસાથે જોડ્યાં હતાં. આ પેલોડ MART ના લોન્ચ સમયે દક્ષિણ કેલિફોર્નિયામાં જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાંથી પરિવહન કરવામાં આવ્યું હતું. સેટેલાઇટ બસ એસયુવી કાર જેટલી છે. તેનો ભાગ સોનેરી રંગના થર્મલ બ્લેન્કેટમાં વીંટળાયેલો છે.