- આપણા આદિપુરુષોએ ઇતિહાસનું આકાશલેખન કર્યું છે. આકાશમાં દેખાતા તારાઓમાંથી આવું જ એક ઝૂમખું છે સપ્તર્ષિનું
લૉકડાઉન વખતે પ્રદૂષણમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો. તેના લીધે આકાશ પણ બિલકુલ સ્વચ્છ થઈ ગયું. નવી પેઢીના લોકોએ શહેરી વિસ્તારમાંથી પણ રાત્રીના સમયે જે આકાશદર્શન કર્યું તે રોમાંચક હતું. અમે સોશિયલ મીડિયા દ્વારા ખગોળશાસ્ત્રની ઘણી બધી માહિતી તે દરમિયાન લોકોને આપી. તે દરમિયાન અમને એવું લાગે કે સામાન્ય લોકો પાસે પદ્ધતિસર આકાશદર્શન કઈ રીતે કરવું તેનાથી તેઓ અજાણ છે. તો ચાલો આજે આપને આકાશમાં દેખાતા ખૂબ જ જાણીતા તારામંડળ સપ્તર્ષિથી શરૂઆત કરાવીએ. આમ પણ દિવાળી પછી આકાશદર્શનનો શ્રેષ્ઠ સમય શરૂ થાય છે.
આકાશદર્શન જ્યારે શરૂ કરીએ ત્યારે સૌથી પહેલાં ધ્રુવ તારો ક્યાં છે એ જાણવું પડે છે. તે જાણ્યા પછી આકાશના ઘણા બધા તારામંડળને આપણે ઓળખી શકીએ છીએ. આમ ધ્રુવ તારો એક દિશાશોધક યંત્ર તરીકે કામ કરે છે, પરંતુ ધ્રુવ તારાને શોધવા માટે જે તારામંડળની જરૂર પડે છે તે તારામંડળ સપ્તર્ષિ છે.
જ્યારે જ્યારે આપણે આકાશમાં જોઈએ છીએ ત્યારે આપણને અખિલ બ્રહ્માંડનો કંઈક અણસાર આવે છે. આમ તો આકાશમાં જોવાની ટેવ પાડવા જેવી છે, કારણ કે ખલિલ જિબ્રાને કહ્યું છે કે આકાશ આપણી આંખોનો રોજનો ખોરાક છે. આપણી નજરે દેખાતું આકાશ આમ તો સમગ્ર બ્રહ્માંડનો અત્યંત એટલે, અત્યંત નાનો અંશ છે. છતાંય એ સંકુલ અને જટિલ તારા વિશ્વને આત્મસાત્ કરવા માટે પૃથ્વી પર પાંગરેલી જુદી જુદી સંસ્કૃતિઓએ જુદાં જુદાં નામ આપ્યાં છે. ભારતીય સંસ્કૃતિના આદ્યપ્રવર્તકોએ જુદા જુદા તારાઓ સાથે જુદી જુદી પ્રતિભાઓ અને યશગાથાઓને જોડી છે. એ રીતે આપણા આદિપુરુષોએ ઇતિહાસનું આકાશલેખન કર્યું છે. આકાશમાં દેખાતા તારાઓમાંથી આવું જ એક ઝૂમખું છે સપ્તર્ષિનું. વૈદિક કાળના સાત ઋષિઓનાં નામ પરથી આ તારા મંડળનું નામ પડ્યું છે.
આધુનિક કાળમાં સમગ્ર આકાશને 88 તારા મંડળોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં સપ્તર્ષિ ત્રીજું સૌથી મોટું મંડળ છે. આકાશનું લગભગ આ એક જ મંડળ છે કે જેનાં સૌથી વધુ આશરે 20 તારાઓને સ્વતંત્ર નામ આપેલાં હોય. આ મંડળ આધુનિક ખગોળ વિજ્ઞાન કાર્ય માટે પણ અનેક આકર્ષક નજારા પ્રસ્તુત કરે છે તેથી સપ્તર્ષિનું અધ્યયન ઐતિહાસિક અને વૈજ્ઞાનિક એમ બંને દૃષ્ટિએ મહત્ત્વનું છે.
પશ્ચિમના ખગોળશાસ્ત્રીઓ સપ્તર્ષિને ઉર્ષા મેજર એટલે કે મોટા રીંછના નામથી ઓળખે છે. શરૂઆતના વૈદિક કાળમાં સપ્તર્ષિના તારાઓને ઋક્ષા: કહેવામાં આવતા હતા. ઋગ્વેદમાં ફક્ત એક જ જગ્યાએ (5.56.3)પર ઋક્ષ શબ્દનો ઉપયોગ કરેલો છે. ત્યાં તેનો અર્થ રીંછ થાય છે. ઋગ્વેદમાં અન્યત્ર (1.24.10) ઋક્ષનું બહુવચન ઋક્ષાંનો ઉલ્લેખ છે. अमी य ऋक्षा निहितास अस्या नक़्त॑ दद्जे कुह यिद् दिवेयुः અર્થાત, હે વરુણ,આ રીંછ નક્ષત્ર રાત્રિના સમયે ઊંચા આકાશમાં દેખાય છે તે દિવસના સમયે ક્યાં ચાલ્યું જાય છે? ઋક્ષા: શબ્દને માટે શતપથ બ્રાહ્મણ (2.1.24) નું સ્પષ્ટીકરણ છે. સપ્તર્ષિનું है स्मवै पुरच्क्षा इत्यायक्षते (પ્રાચીનકાળમાં સપ્તર્ષિઓને ઋક્ષા: કહેતા હતા) આમ એવું લાગે છે કે વૈદિક વૃક્ષા અને યુનાની ઉર્સા મૂળ સંભવતઃ એક જ રહેવું હોય, પરંતુ જે ઋક્ષા: હતું તે ઋષિ કેવી રીતે બની ગયા? એવું જાણવા મળ્યું છે કે ઋગ્વેદિક કાળમાં ઋક્ષ: શબ્દનો રીંછ ઉપરાંત એક બીજો અર્થ હતો ચળકાટભર્યો અથવા નક્ષત્ર. બ્રાહ્મણ ગ્રંથોના સમય સુધી ઋગ્વેદમાં અનેક શબ્દોનો અર્થ બદલાઈ ગયો હતો. ઋક્ષને ચળકાટભર્યોના અર્થને આધાર બનાવીને અને ધ્વનિ સામ્યતાને કારણે આ શબ્દનો નવો અર્થ આપવામાં આવ્યો ઋષિ. મહાભારતના સમય સુધી ઉત્તરા આકાશના આ સાત તારાઓ માટે સપ્તર્ષિ શબ્દ લોકજીભે ચડી ગયો હતો.
સપ્તર્ષિ તારામંડળના સાત ઋષિઓ અનુક્રમે ક્રતુ, પુલહ, પુલત્સ્ય, અત્રિ, અંગીરસ, વશિષ્ઠ અને મરીચિ હતા. તેમાં ઋગ્વેદના ફક્ત બે ઋષિઓનાં નામ છે. અત્રી અને વશિષ્ઠ શતપથ બ્રાહ્મણ ના `સપ્તર્ષિ' છે - ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ, વશિષ્ઠ, કશ્યપ અને અત્રિ, પરંતુ છેલ્લે પૌરાણિક કાળમાં જે સપ્તર્ષિ સૂચિ બનાવવામાં આવી ત્યારે અને જેને ઉત્તરા આકાશમાં સાત તારાઓ માટે અપનાવવામાં આવ્યા તેમાં ભારદ્વાજ, જમદગ્નિ અને વિશ્વામિત્ર જેવા વિખ્યાત ઋષિઓનાં નામ ન હતાં. વશિષ્ઠ અને વિશ્વામિત્રની દુશ્મનાવટ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી એવું લાગે છે કે સપ્તર્ષિઓના નામને લઈને વિવિધ ઋષિ - ગોત્રવાળા પુરોહિતોમાં મોટું બ્રહ્મ યુદ્ધ થયું હશે. જે હોય તે પરંતુ ઉત્તર દિશાના આકાશમાં આ સાત તારાના સંસારને અનેક પ્રાચીન સમાજોએ અને ઋગ્વેદિક સમાજ પણ ઉત્તર ધ્રુવ પ્રદેશના પ્રાણી રીંછના રૂપમાં જ ઓળખતા હતા. આગળના ચાર તારાઓ ક્રતુ, પુલહ, પુલત્સ્ય અને અત્રિ એક લંબચોરસ જેવી આકૃતિ બનાવે છે અને બાકીના ત્રણ તારાઓ વળેલી લાકડી જેવી આકૃતિ બનાવે છે.
પ્રાચીનકાળમાં સંસારના અલગ અલગ જનસમુદાયોએ આકાશનાં તારામંડળોને અલગ અલગ સ્વરૂપે ઓળખતા હતા. તેને મોટાભાગે રોજિંદી પરિચિત વસ્તુઓનાં નામ આપ્યાં હતાં. બેબીલોનવાસીઓએ તેને એક ગાડીના સ્વરૂપે જોયા. મિસરવાસીઓએ તેને સાન્ઢના પાછળના પગના સ્વરૂપે જોયા હતા. પ્રાચીન ચીનાઓએ તેને પોતાના જ્ઞાનદેવતાનું નામ આપ્યું હતું. બ્રિટનવાસીઓએ તેમાં એક હળનું ચિત્ર જોયું હતું. અમેરિકાવાસીઓ અનુસાર સપ્તર્ષિ લાંબા હેન્ડલવાળું બિગ ડીપર હતું. ડૂબકી લગાવતા એક પક્ષીને ડીપર કહે છે, પરંતુ અમેરિકાના રેડ ઇન્ડિયન આદિવાસીઓ સપ્તઋષિ મંડળને એક રીંછના સ્વરૂપે ઓળખતા હતા.
સપ્તર્ષિના પ્રથમ બે તારાઓ ક્રતુ અને પુલહમાં લગભગ 5.5 અંશનું અંતર છે. ક્રતુ અને પુલહને જોડતી રેખાને ક્રતુની તરફ એટલે કે ઉત્તરની તરફ આગળ લઈ જવામાં આવે તો ક્રતુથી લગભગ 29 અંશના અંતરે ધ્રુવ તારાને જઈને મળે છે. મારી જેમ ગણિતમાં જો વધારે સમજણ ન પડે તો ક્રતુ અને પુલહને જોડતી એક કાલ્પનિક રેખા આગળ લઈ જાવ અને રસ્તામાં સૌથી પહેલો તારો જે આવે તે ધ્રુવનો તારો. ધ્રુવ તારો લઘુ સપ્તઋષિ મંડળ (ઉર્સા માઇનર) નો સભ્ય છે. સપ્તર્ષિ તારામંડળ ઉત્તર ગોળાર્ધમાં ખાસ જાણીતું છે. ભારત માટે ઉત્તર દિશામાં ધ્રુવ તારાની જમણી બાજુથી તેનો ઉદય થતો જોઈ શકાય અને ધ્રુવ તારાને ગોળ ફરી ધ્રુવ તારાની ડાબી બાજુએથી તેનો અસ્ત થતો જોઈ શકાય છે. જેમ જેમ આપણે ઉત્તર ધ્રુવ તરફ જઈએ તેમ સપ્તર્ષિ વિશે જાતજાતની વાતો સાંભળવા મળે છે. બિગ ડીપરની વાત પણ ઉત્તર ધ્રુવના લોકોને એટલે જ કરી હશે. ધ્રુવ પ્રદેશોમાં રીંછ મોટા પ્રમાણમાં દેખાય છે તેથી ત્યાંના લોકોએ સપ્તર્ષિ તારામંડળમાં રીંછ જેવો આકાર જોયો. એક એવી પણ માન્યતા છે કે સપ્તર્ષિ અને તેના જેવાં અન્ય તારામંડળો પણ ધ્રુવ તારાની આસપાસ ફરે છે, કારણ કે પૃથ્વી જે ધરી પર ગોળ ગોળ ફરે છે તેનો અક્ષ ધ્રુવ તારા તરફ છે તેથી ધ્રુવ પ્રદેશોમાં સપ્તર્ષિનાં ચાર જુદાં જુદાં સ્થાનને કાલ્પનિક રીતે ભેગાં કરો તો એક સ્વસ્તિક જેવો આકાર બને છે. આપણું ભારતવર્ષ ઉત્તર દિશામાં એટલે સુધી ફેલાયેલું હશે કે જ્યાં સપ્તર્ષિનું ધ્રુવ તારાની આજુબાજુનું સંપૂર્ણ ચક્કર ત્યાંથી જોઈ શકાતું હશે. તેથી ત્યાં વસતા ઋષિ-મુનિઓએ સાથિયાની કલ્પના કરી હોય.
સપ્તર્ષિનાં વિદેશી નામ અરબી નામોમાંથી અપનાવવામાં આવ્યાં છે. તે રીંછના શરીરનાં અંગો પર આધારિત છે. ક્રતુ, જેનું વિદેશી નામ દુબે છે. તે બીજા કાંતિમાનનો એક જોડકો તારો છે. તે આપણાથી 108 પ્રકાશવર્ષ દૂર છે. ધારો કે, આ તારાને તમે આજે જુઓ તો તે તારાનું દૃશ્ય એકસો આઠ વરસનું જૂનું છે તેમ માનવું, કારણ કે આ તારાનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા 108 વર્ષ લાગે છે. પુલહનું નામ મેરાક છે. 2.5 કાંતિમાનનો આ તારો આપણાથી 78 પ્રકાશવર્ષ દૂર છે. પુલત્સ્ય કે જેનું વિદેશી નામ ફકદ છે, તે 2.5 કાંતિમાનનો તારો છે. તે આપણાથી અઠ્યાસી પ્રકાશ દૂર છે. સપ્તર્ષિઓમાં સૌથી ઓછી 3.3 કાંતિમાન ધરાવતો તારો અત્રિ છે. જેનું વિદેશી નામ મેગરેજ છે. તે આપણાથી 62 પ્રકાશવર્ષ દૂર છે. અંગીરસનું વિદેશી નામ અલીઓથી છે. તે લગભગ બીજા કાંતિમાનનો અને અનિશ્ચિત અંતરનો તારો છે. વશિષ્ઠનું વિદેશી નામ મિજાર છે. તે સાઠ પ્રકાશવર્ષ દૂર છે અને 2.3 કાંતિમાનનો એક પ્રસિદ્ધ જોડિયો અથવા યુગ્મ તારો છે. મરચીનું વિદેશી નામ અલકૈદ અથવા બેનતનાશ/ પૂંછડીનો આગળનો ભાગ છે. તે આપણાથી સો પ્રકાશવર્ષ દૂર છે અને બીજા કાંતિમાનનો તારો છે.
ધરાતલથી જોઈએ તો તારાઓ એકસરખા અંતરે આકાશના ગોળા પર લટકતા દેખાય છે. પ્રાચીનકાળમાં પણ આવું જ માનવામાં આવ્યું હતું, પરંતુ વસ્તુસ્થિતિ આવી નથી. જેમ કે, ઉપરના વિવરણમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે સપ્તર્ષિના બધા તારા આપણાથી એકસરખા અંતરે નથી. સપ્તર્ષિ મંડળના વશિષ્ઠ તારાની વાત કરીએ તો આ તારાની નજીક કોરી આંખોથી એક મંદ પ્રકાશિત તારો જોઈ શકાય છે. આ તારાનું ભારતીય નામ અરુંધતી છે. વશિષ્ઠ ઋષિની પત્ની. તેનું અરબી પર આધારિત વિદેશી નામ અલકૌર છે. ભારતમાં વિવાહનો પ્રસંગ પૂરો થયા પછી વર-કન્યાને વશિષ્ઠ અરુંધતીના જોડકાંનાં દર્શન કરાવવાની પ્રથા છે. યુરોપમાં અરુંધતી તારાને જોઈ શકાય તો આપણી દૃષ્ટિ ખૂબ સારી છે એમ માનવામાં આવતું હતું, પરંતુ આકાશમાં વશિષ્ઠ અરુંધતી જોડકું નજીક દેખાતું હોવા છતાં એકબીજાથી ખૂબ જ દૂર છે. પૃથ્વીથી વશિષ્ઠ તારો 60 પ્રકાશ વર્ષ દૂર છે જ્યારે અરુંધતી તારો 90 પ્રકાશવર્ષ દૂર અર્થાત્, પતિ-પત્નીના સ્વરૂપે કલ્પેલાં આ જોડકાં વચ્ચે 30 પ્રકાશવર્ષ એટલે કે લગભગ 300000 અબજ કિલોમીટરનું અંતર છે. શું હવે આ બંને તારાને જોડકાં માની શકાય?
મજાની વાત તો એ છે કે આધુનિક શોધખોળોથી એ જાણવા મળ્યું છે કે બે અન્ય તારા વશિષ્ઠની અરુંધતીથી પણ ખૂબ નજીક છે અને તેની પરિક્રમા કરે છે. આમ વશિષ્ઠના ઘરમાં બે નહીં પણ ચાર સભ્યો છે. કોરી આંખોથી આકાશમાં દેખાતા બધા તારાઓ આપણી આકાશગંગાના સભ્યો છે. આકાશગંગા પૈડાંના આકારની એક વિશાળ તારક યોજના (મંદાકિની) છે. આપણો સૂર્ય તેના એક કિનારા પર આવેલો છે તેથી મંદાકિનીના દૂરના તારાઓ આપણને એક ઘટ્ટ પટ્ટાના સ્વરૂપે દેખાય છે.
ટેલિસ્કોપથી સપ્તઋષિ મંડળમાં કેટલીયે નિહારિકાઓ અને મંદાકિની જોઈ શકાય છે. આ મંડળની એક પ્રસિદ્ધ નિહારિકા જેને ઘુવડ નિહારિકા (Owl Nebula કે M 97 કે NGC358)ના નામથી ઓળખવામાં આવે છે. તે આપણાથી તેરસો પ્રકાશવર્ષ દૂર છે. તે પુલહ અને પુલત્સ્ય તારાઓની લગભગ વચ્ચે છે. તે શક્તિશાળી ટેલિસ્કોપથી જોઈ શકાય છે. ચમકતા ગેસની બનેલી ઘુવડના મોઢા જેવી આ નિહારિકા આટલી બધી દૂર હોવા છતાં પણ આપણી આકાશગંગાની એક સભ્ય છે. સપ્તર્ષિ મંડળમાં બાયનોક્યુલર અને દૂરબીનથી જે અનેક મંદાકિની દેખાય છે તે આકાશગંગાની સીમાથી ખૂબ જ દૂરની સ્વતંત્ર તારક યોજનાઓ છે. તેમાંની ખૂબસૂરત વશિષ્ઠ અરુંધતીની નજીક બાયનોક્યુલરથી પણ જોઈ શકાતીM 81 ( NG3031) મંદાકિની. આ મંદાકિની ગોળાકાર છે, પરંતુ પૃથ્વી પરથી જોતા થોડો લંબગોળ આકાર દેખાય છે. આ મંદાકિની નજીક M82 નામની એક અન્ય મંદાકિની છે. આ બંને મંદાકિની આપણાથી લગભગ એક કરોડ પ્રકાશવર્ષ દૂર છે.
મરિચિની નીચે ધ્રુવ તારાની દિશામાં M101(NGC5457) નામની સર્પિલ મંદાકિનીને બાયનોક્યુલર કે ટેલિસ્કોપથી જોઈ શકાય છે. લગભગ આપણી આકાશગંગા જેવી આ મંદાકિની આપણાથી 2.3 કરોડ પ્રકાશવર્ષ દૂર છે. એ મંદાકિનીનો જે પ્રકાશ આજે આપણી ધરતી પર દેખાય છે તે જ્યારે ધરતી પર માનવનું નામોનિશાન ન હતું ત્યારે પોતાના સ્ત્રોતમાંથી નીકળ્યો હતો. તારાઓની જેમ મંદાકિનીઓ પણ સમૂહ બનાવે છે. સપ્તર્ષિમંડળમાં ત્રણ મંદાકિની સમૂહ શોધાયા છે. તેમાંથી લગભગ 300 મંદાકિનીનો એક સમૂહ દર સેકન્ડે પંદર કિલોમીટરના વેગથી આપણાથી દૂર ભાગે છે. વિશ્વનો નિરંતર વિસ્તાર થઈ રહ્યો છે!
તો મિત્રો રાહ કોની જુઓ છો. લઈ લો ટેલિસ્કોપ. આકાશ હવે લાગલગાટ ત્રણ મહિના સુધી સ્વચ્છ રહેવાનું છે. આ તો આપણે એક જ તારામંડળની વાત કરી. આકાશમાં આવાં ઘણાંબધાં તારામંડળ છે. લૉકડાઉનમાં આપણી આંખોની કીકીઓ મોબાઈલમાંથી આવતા ખૂબ જ તેજસ્વી પ્રકાશને કારણે સંકોચાઈ ગઈ હશે. ખાસ બાળકોની આંખોને તો નુકસાન પણ થઈ ગયું હશે.તો તેમને મોબાઈલની આદતથી દૂર કરવા આકાશદર્શનની ટેવ પાડો, કારણ કે દૂર દૂરથી આવતો ખૂબ જ મંદ પ્રકાશ જોવો હોય તો આંખની કીકીઓને પહોળી કરવી પડે છે. આંખની કસરત માટે આકાશદર્શન શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે આપણે બાળકોને 20-25 હજારનો મોબાઈલ રમતાં રમતાં અપાવીએ છીએ છે, પરંતુ તેના બદલે બાળક વીસ પચ્ચીસ હજારના ટેલિસ્કોપની જીદ કરે તો તેને અપાવતા વિચાર કરીએ છીએ. મેં એવાં ઘણાં માતા-પિતાઓ જોયાં કે જેમણે પોતાના બાળકને ટેલિસ્કોપ અપાવ્યું હોય અને તે બાળક મોટો થઈને ઈસરો. પી.આર.એલ અને નાસા જેવી દુનિયાની અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓમાં કામ કરતો હોય. ટેલિસ્કોપ વસાવવું એ એક સારું ઈન્વેસ્ટમેન્ટ છે.










