• જાતકને આર્થિક તકલીફો રહેતી હોય તેવા જાતકે પોતાના ઉપરના ખિસ્સામાં હરહમેશ ચરકટનો એક્કો અને ચરકટના બાદશાહનું પાનું રાખવું જોઈએ

અંકશાસ્ત્ર

એ મહાન હસ્તરેખા નિષ્ણાત અને અંક વિદ્વાન કીરોની શોધ અને સંશોધન છે. કીરો એ જગતનું પૂર્ણ ભ્રમણ કરી પોતાના અનુભવ અને જ્ઞાનના સમન્વયથી અંકશાસ્ત્ર નામના મહાન શાસ્ત્રની ભેટ માનવજાતને આપેલી જેના ઉપયોગ દ્વારા માનવી પોતાનું ભવિષ્ય જાણી જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકે અને સાચા અર્થમાં જીવનને શ્રેષ્ઠ બનાવી શકે તેવો શુદ્ધ આશય કીરોનો હતો. અંકશાસ્ત્રમાં ભારતીય વિદ્વાનો અને જ્ઞાનીઓનો ફાળો પણ અમૂલ્ય હતો તેવું અનુમોદન અને અનુસંધાન પણ કીરોએ પોતાના પુસ્તક `ધી ન્યુમેરો સિક્રેટ'માં ટાંક્યું છે. ઈજિપ્ત જઈ કીરોએ ચાલ્દિયન પદ્ધતિનો આવિષ્કાર કર્યો કે જે પદ્ધતિને હિબ્રુ પદ્ધતિ પણ કહે છે. કીરોના પુસ્તક `બુક ઓફ ફેટ એન્ડ ફોર્ચ્યુન'માં સ્પષ્ટ જણાવ્યું છે કે અંકની માનવજગત પર એક અદ્ભુત અને સચોટ અસર છે અને તેના ઉપયોગ દ્વારા માનવી પોતાનું પ્રારબ્ધ રચી શકે છે.

અંક ભાગ્યશાળી પુરવાર થાય તો રંકને રાજા બનાવે અને જો જાતક અશુભ અંકની ઝપેટમાં આવી જાય તો બાદશાહમાંથી બુંદિયાળ બની જાય. સમગ્ર જગત અને માનવજાત અંકની શુભ અને અશુભ અસરો હેઠળ સતત હોય છે. કયો અંક ક્યારે તમને વિજય અપાવે અને કયો અંક તમારી હાર માટે જવાબદાર હોય તેનું આકલન અને સંશોધન જો તમારા હાથ લાગી જાય તો તમે અંકના સહારે સંસારસાગર તરી શકો છો અને અન્યને આ શાસ્ત્રના સહારે તારી પણ શકો છો. વાત જ્યારે સાગરની જ નીકળી છે તો એક નાના સરખા કિસ્સાને અને તેની સફળતાની વાતને આ લેખમાં વણી લઈએ. રાજસ્થાનના એક જિલ્લામથકમાં સાગર સ્વીટ્સ નામની મીઠાઈની દુકાન પોતાની મીઠાશના કારણે સુપ્રસિદ્ધ છે, પરંતુ ગ્રહોના નિયમ અને નિયમન અનુસાર હાલાત અને હાલત તો બદલાતા જ રહે છે તે પ્રમાણે સાગર સ્વીટ્સનાં પણ વળતાં પાણી થયાં.

સાગર સ્વીટ્સના માલિક અતિ શ્રદ્ધાળુ અને જ્યોતિષમાં તેમનો વિશ્વાસ અદ્ભુત હતો. ખાસ કરીને અંકશાસ્ત્રમાં તેમની શ્રદ્ધા અતૂટ અને અતુલ્ય હતી. ઈ.સ.2021ની નવરાત્રિ દરમિયાન કોવિડ-19ના ભય વચ્ચે અંકશાસ્ત્રના અભિનવ ઉપયોગ દ્વારા સાગર સ્વીટ્સનું ભાગ્ય પલટાયું જાણીએ સાગર સ્વીટ્સમાં અંકશાસ્ત્રની કમાલ અને કેવી રીતે થયા સાગર સ્વીટ્સના માલિકો માલામાલ.

સાગર સ્વીટ્સની સ્થાપના તારીખ : 15-06-2019 અનુસાર મૂલાંક 24 =6 થાય અને અને તેની પૂરેપૂરી તારીખનો સરવાળો 1+5+0+6+2+0+1+9=24 અર્થાત્ 2+4 = 6 થાય. આમ, સાગર સ્વીટ્સ અંક 6ની અસર હેઠળ અર્થાત્ શુક્રની અસર હેઠળ આવે અને મીઠાઈનો ધંધો શુક્રની અસર હેઠળ આવે તે અતિ શુભ ગણાય, પરંતુ સાગર સ્વીટ્સનો મૂળ સ્પેલિંગ - SAGAR SWEETS અંકશાસ્ત્રની હિબ્રુ સિસ્ટમ અનુસાર અંક 9ની અસર હેઠળ હતો અને અંક 9 પર મંગળનું આધિપત્ય આવે. સ્થાપના તારીખ શુક્રની અસર હેઠળ અને સાગર સ્વીટ્સનો મૂળ સ્પેલિંગ મંગળની અસર હેઠળ આવે. આથી સ્થાપના તારીખ અને દુકાનના નામ વચ્ચે શુક્ર અને મંગળનો એક અસામાન્ય વિરોધાભાસ હતો.

માલિકોના સ્ટેટમેન્ટ મુજબ ક્યારેક ક્યારેક દૂધ દુણાઈ જતું અને મીઠાઈઓ દાઝી કે બળી જવાના પ્રસંગો બનતા હતા અને આ બધાની પાછળ અમને મંગળનું અગ્નિતત્ત્વ જવાબદાર હોય તેવું જણાતું હતું. શુક્ર એ સૌમ્ય ગ્રહ છે અને મંગળ અગ્નિતત્ત્વનો ગ્રહ છે. શુક્ર અને મંગળના વિરોધાભાસી સમન્વયના કારણે સાગર સ્વીટ્સની હાલત અપ્સરાના દાઝી ગયેલા કદરૂપા ચહેરા જેવી હતી. શુક્રની સૌમ્યતા પર મંગળના ડામને ઠંડા પાડવા અમે અંકશાસ્ત્રના સહારે નીચે પ્રમાણે ફેરફારો કરી દૂર કર્યા.

દુકાનની સ્થાપના તારીખ : 15-06-2019 =6 (શુક્રની અસર હેઠળ)

દુકાનનું જૂનું નામ : SAGAR SWEETS અંકશાસ્ત્ર અનુસાર અંક 9 (મંગળની અસર હેઠળ)

દુકાનનું નવું નામ : S A G G A R S S W E E T S = અંક 6 (શુક્રની અસર હેઠળ)

આપના ધ્યાનમાં આવે તેટલા માટે વધારાના જે જે આલ્ફાબેટ મૂક્યા છે તે બે આલ્ફાબેટ અનુક્રમે G અને S બોલ્ડ ફોન્ટમાં દર્શાવ્યા છે આથી અર્થઘટનમાં મુશ્કેલી પડે નહીં. અર્થાત્ તેમના મૂળ સ્પેલિંગમાં માત્ર G અને S વધારાના મૂકી તેમના ભાગ્યમાં વૃદ્ધિ કરી તેવું કહેવું જરાપણ અતિશયોક્તિ નથી.

અંકશાસ્ત્રના સહારે સાગર સ્વીટ્સના માલિકો દુઃખનો સાગર તરી ગયા. અમે જગતના દરેક જાતક માટે પણ આવી જ શુભકામનાઓ પાઠવીએ કે તેઓ પણ અંકશાસ્ત્રના સહારે મુશ્કેલીઓનો સાગર આસાનીથી તરી જાય અને મુસીબતોનું સ્વરૂપ સાગરમાંથી ગાગર જેવું બની જાય.

આજની ટિપ

બાવન પાનાંનું પણ એક અગમનિગમ રહસ્ય છે. જે જાતકને આર્થિક તકલીફો રહેતી હોય તેવા જાતકે પોતાના ઉપરના ખિસ્સામાં હરહમેશ ચરકટનો એક્કો અને ચરકટના બાદશાહનું પાનું રાખવું જોઈએ. એક મહિનો પ્રયોગ કરો ફેર પડશે. જે જાતકો અંક 4 એટલે કે રાહુની નકારાત્મક અસરો હેઠળ આવતા હોય તેવા જાતકોએ હંમેશાં પોતાના ખિસ્સામાં કાળીનો બાદશાહ રાખવો અને જે જાતકો અંક 8ની અસર હેઠળ અર્થાત્ શનિની નેગેટિવ અસર હેઠળ હોય તેવા જાતકોએ હંમેશાં ઉપરના ખિસ્સામાં કાળીનો એક્કો રાખવો જોઈએ. આ એક નાયાબ પ્રયોગ છે કે જેનો અમલ કરવાથી પરિણામો સારાં મળી શકે છે.


  • Follow us on: