આયુર્વેદમાં શરીરના વધારે પડતા વજનને અથવા અતિ મેદને બીજા રોગોની જેમ એક સ્વતંત્ર રોગ `મેદોરોગ' કહેવાયો છે. તેને ઉત્પન્ન કરતાં કારણોમાં વ્યાયામ-પરિશ્રમનો અભાવ, દિવસની વધારે ઊંઘ, નિશ્ચિતતા, પૌષ્ટિક આહારનું અત્યધિક સેવન, વંશપરંપરા વગેરેનો સમાવેશ
થાય છે.
આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સાતે ધાતુઓનું વહન કરતા અસંખ્ય સ્રોતો-માર્ગો આવેલા છે. આમાંથી કમર, પેટ, સ્તન વગેરે સ્થાનના મેદવાહી સ્રોતોમાં અવરોધ થવાથી ત્યાર પછીની અન્ય ધાતુઓનું યોગ્ય પોષણ ન થઈને માત્ર મેદનો સંચય થવાથી મેદસ્વિતા ઉત્પન્ન થાય છે. આવી મેદસ્વી વ્યક્તિ પરિશ્રમવાળું કાર્ય કરી શકતી નથી અને થોડા શ્રમથી પણ હાંફવા લાગે છે. મોટાભાગની આવી વ્યક્તિઓમાં ભૂખ, તરસ અને નિદ્રાનું પ્રમાણ અધિક હોય છે. તેનાં અંગોમાં શિથિલતા અને પરસેવાનું પ્રમાણ પણ અધિક હોય છે. મેદસ્વી વ્યક્તિમાં સ્ફૂર્તિ અથવા ગતિશીલતા ઘટે છે. મેદથી શરીરની સુદૃઢતા અને સંગઠન બગડતાં શરીરનાં અંગ પ્રત્યંગોમાં શિથિલતા આવે છે તથા તેમને દાદર, ખરજવું, ત્વચા વિકૃતિઓ, ડાયાબિટીઝ, હાઈ બી.પી., નપુંસકતા, હૃદયરોગ, અનિદ્રા વગેરે થવાની પૂરી શક્યતા રહે છે. અતિ સ્થૂળતાનું કારણ વંશપરંપરા પણ હોઈ શકે છે તથા પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ તકલીફ વધારે જોવામાં આવે છે. મેદસ્વિતા કોઈ પણ ઉંમરમાં થઇ શકે છે. નાનાં બાળકોમાં પણ તે હવે જોવા મળે છે, પરંતુ 40 વર્ષ પછી પુરુષોમાં અને 30 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં તે વધારે જોવામાં આવે છે તથા કુટુંબ નિયોજનના ઓપરેશન પછી કે ગર્ભાશય કઢાવી નાંખ્યા પછી સ્ત્રીઓમાં મેદનું પ્રમાણ વધતું હોય છે. ઉપરોક્ત કારણો સિવાય કેટલાંક અન્ય કારણો પણ છે, જેમાં થાઈરોઈડ, પિચ્યુટરી, સુપ્રારેનલ, ટેસ્ટીસ, ઓવરી વગેરે અંતઃસ્રાવી ગ્રંથિઓના સ્રાવની ગરબડનો પણ સમાવેશ થાય છે. આવી ગરબડથી બેઝિક મેટાબોલિઝમની ક્રિયા બગડી જાય છે. જેનાથી આહાર દ્વારા લેવામાં આવેલા ચરબીના અંશોનું યોગ્ય રીતે પાચન થઇ શકતું નથી અને તે સ્નેહાંશ શરીરના વિભિન્ન સ્થાનોમાં સંચિત થવા લાગે છે, જેથી ધીમે ધીમે આવી વ્યક્તિ અતિ મેદસ્વી બની જાય છે. મહર્ષિ ચરકે પોતાના મહાગ્રંથ `ચરક સંહિતા'માં લખ્યું છે કે, જે વ્યક્તિનાં નિતંબ, ઉદર તથા સ્તન વગેરે હલવા લાગે છે તથા જેના શરીરનો વિકાસ અને ઉત્સાહ યથાયોગ્ય નથી, એવી વ્યક્તિઓને `અતિ સ્થૂળ' કહેવામાં આવે છે. તેનો ઉચિત ઉપચારક્રમ ગોઠવીને તેનો મેદ ઘટાડવો જોઈએ. ઉપચાર મેદસ્વિતા માટે જે મૂળભૂત કારણો જવાબદાર હોય, તે કારણો શોધી કાઢીને તેમનો ત્યાગ કરવાથી મેદ-વજન ઘટાડી શકાય છે. મેદસ્વિતાના મૂળમાં મોટાભાગે અલ્પ પરિશ્રમ અને અધિક પૌષ્ટિક આહાર જ હોય છે. એટલે વજન ઘટાડવા ઇચ્છતી સ્થૂળ વ્યક્તિઓએ પરિશ્રમ, વ્યાયામ, ચિંતા, અલ્પ નિદ્રા, વાંચન, અર્થોપાર્જન, ઉપવાસ, શાસ્ત્રચિંતન, આહાર સંયમ અને શારીરિક તથા માનસિક કષ્ટ તરફ વિશેષ ધ્યાન આપીને પોતાના નિત્યક્રમ મુજબ વજન ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ.
ઔષધ યોગોમાં ત્રિફળા ગૂગળ, મેદોહર ગૂગળ, લોહના યોગો, વાવડિંગના યોગો, ત્રિકટુ, શિલાજીત, ઉકાળેલું પાણી, મધ-લીંબુનો પ્રયોગ, ઉષ્ણ જળનું સ્નાન અને પાન, પંચકર્મ, જમ્યા પહેલાં ઉકાળેલું પાણી પીવું વગેરે દ્વારા મેદ ઘટાડી શકાય છે. આ બધા ઉપચાર વખતે દર્દીની શારીરિક પ્રકૃતિ, દોષ, સાર, સંહનન, સત્ત્વ, સાત્મ્ય, ઋતુ અને બળ વગેરે ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને ઔષધ, તેની માત્રા, અનુપાન અને પરેજી ગોઠવાય છે. પદ્ધતિસરના વ્યવસ્થિત ઉપચારક્રમ અને કડક પરેજી દ્વારા વજન અવશ્ય ઘટાડી શકાય છે.










