- હસ્તરેખાશાસ્ત્ર અનુસાર મનુષ્યની હથેળીમાં સૂર્ય પર્વતનું સ્થાન અનામિકા આંગળીના મૂળમાં હોય છે
નવગ્રહ મંડળમાં પ્રથમ અને મુખ્ય ગ્રહ તરીકે ભગવાન શ્રી સૂર્યદેવની ગણના થાય છે. ઋષિવર ભુગૃના મંતવ્ય પ્રમાણે સૂર્યદેવ નવ ગ્રહમાં રાજાનું સ્થાન ધરાવે છે. પૃથ્વી પરના બે પ્રત્યક્ષ દેવોમાં સૂર્ય અને ચંદ્રદેવ સાક્ષાત્ દર્શન આપે છે. સંસારના પ્રાણશક્તિના અધિષ્ઠાતા દેવ સૂર્યદેવ છે. સૂર્યદેવનાં બીજાં નામો જેવાં કે ભાનુ, ભાસ્કર, આદિત્ય, માર્તંડ, સવિતા, રવિ, અર્ક, તપન, દિનમણી, પ્રભાકર, અસણ, દિનેશ, દિવ્યકર વગેરે અનેકાઅનેક નામોથી ઓળખાય છે. બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા હોવાથી જ્યોતિષમાં સૂર્યને રાજાની ઉપમા આપવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય આત્મબળ, આત્મવિશ્ર્વાસ, વ્યક્તિત્વ, આજીવિકા, શક્તિ, રાજકારણ તેમજ પિતા અને વૈદિક વિદ્યાનો કારક ગ્રહ છે. સૂર્યના પિતા ઋષિવર કશ્યપ તેમજ માતા અદિતી છે. ભગવાન સૂર્યના વિવાહ વિશ્ર્વકર્માની પુત્રી રન્નાદે (રાંદલ) સાથે થયા હતા. જન્મકુંડળીમાં ઉચ્ચનો સૂર્ય મનુષ્યને સ્પષ્ટવક્તા, વિચારક, ખોટું ન ચલાવનારા, પરોપકારી, નિર્ભયતા તથા પ્રામાણિકતા જેવાં અશુભ લક્ષણો પ્રદાન કરે છે. માર્કંડેય પુરાણના આધારે સૃષ્ટિનું સર્જન કરવાવાળો ગ્રહ સૂર્ય છે માટે જ કહ્યું છે કે -
॥ સવિતા સર્વસ્ય પ્રસવિતા ॥
સૂર્યપુરાણ અનુસાર સૂર્યનારાયણનો રથ સાત ઘોડાવાળો છે. સંવત્સર ચક્રવાળા રથમાં તેઓ આરૂઢ થાય છે. સૂર્યના રથના સારથી અરુણ દેવ છે. સૂર્યદેવ ગ્રહરાજ કે જેઓ બ્રહ્માંડના પ્રકાશક અને દર્શક પણ છે. સૂર્યદેવના મિત્રગ્રહો ચંદ્ર, મંગળ છે. સમ ગ્રહો બુધ તેમજ શત્રુ ગ્રહો શુક્ર, શનિ, રાહુ, કેતુ ગણવામાં આવે છે. સૂર્યદેવની ઉચ્ચ રાશિ મેષ તથા નીચ રાશિ તુલા છે. સૂર્યદેવના વિવસ્વાન, યમ, શનેશ્ર્ચર વગેરે પુત્રો છે તેમજ પુત્રી યમુના, તાપી અને ગોદાવરી છે. સૂર્ય એક રાશિમાં એક માસ સુધી રહે છે. સૂર્યદેવ સૂર્યનમસ્કાર તથા અર્ધ્ય આપવાથી શીઘ્ર પ્રસન્ન થાય છે. માણેક તેમનું રત્ન છે. સૂર્ય દેવનો પ્રિય વાર રવિવાર છે. રવિવારે સૂર્યયંત્રની સ્થાપના કરી વિધિવત્ પૂજન કરવાથી પણ સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સૂર્યદેવનું પ્રિય પુરાણ હરિવંશપુરાણ છે. હરિવંશપુરાણનું વાંચન કરવાથી પણ સૂર્યની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. રવિવારે સૂર્યદેવના વ્યાસરચિત મંત્ર તેમજ બીજ મંત્રનો જાપ કરી તેનો યજ્ઞ કરવા માટે યજ્ઞ સમિધામાં મંદાર પુષ્પનો ઉપયોગ કરી યજ્ઞ કરવાથી સૂર્યદેવ ઝડપથી પ્રસન્ન થાય છે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર મનુષ્યની હથેળીમાં સૂર્ય પર્વતનું સ્થાન અનામિકા આંગળીનાં મૂળમાં હોય છે. ભારતમાં ઓરિસામાં આવેલા કોણાર્ક ખાતે સૂર્યમંદિર અદ્ભુત રહસ્યમય તથા જાગ્રત મંદિર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યનું રત્ન માણેક, ઉપરત્ન લાલ અકીક છે જેને સૂર્યની ધાતુ ત્રાંબુ અથવા સોનામાં જડાવીને અનામિકા આંગળીમાં ધારણ કરવાથી પણ સૂર્યની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. બાર રાશિઓમાં સૂર્યદેવ સિંહ રાશિનો સ્વામી છે. સૂર્યપ્રધાન મનુષ્યોએ શ્રાવણ માસ દરમ્યાન તેમજ શિવરાત્રિ કે સોમવારે રુદ્રાભિષેક કરીને સિદ્ધ કરેલો એકમુખી, બારમુખી તેમજ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે તો તે મનુષ્ય પર ભગવાન સૂર્યદેવની પૂર્ણ કૃપા ઊતરે છે.
જ્યોતિષશાસ્ત્રમાં ખાસ કરીને સૂર્યને આંખનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિનાં નેત્રમાં કોઇ તકલીફ હોય તો તે સૂર્યની ઉપાસના કરે તો તેમાં લાભ જોવા મળે છે. સૂર્યનારાયણ દેવ આયુષ્યના પણ સ્વામી ગણવામાં આવે છે. મનુષ્યના હૃદયમાં જે ધબકારા થાય છે તે સૂર્યના કારણે થાય છે. સૂર્ય મનુષ્યના સંપૂર્ણ શરીર પર પ્રભુત્વ ધરાવે છે. સૂર્યનું અનાજ ગોળ અને બાજરી છે. સૂર્યનાં પ્રિય વૃક્ષો તજ, લવિંગ, જાયફળ, ઇલાયચી તેમજ જડીબુટ્ટી છે. હિંદુ પંચાંગ પ્રમાણે સપ્તમી તિથિના અધિષ્ઠાતા દેવ ભગવાન સૂર્ય ગણાય છે.
સૂર્યદેવનું દાન
ગોળ, ઘઉં, જવ, દ્રાક્ષ, શેરડી, મકાઈ, સોનુ, તાંબુ, માણેક, લાલ ગાય, લાલ ચંદન, કેસર, લાલ કમળ, લાલ વસ્ત્ર, ધર્મસ્થાનોમાં દીવા માટે ઘી અથવા તેલનું દાન ધર્મ પુસ્તકનું દાન કરવાથી સૂર્ય પ્રસન્ન થાય છે.
સૂર્ય ગ્રહનું શરીર પર કારક્ત્વ
મનુષ્યના શરીરમાં માથું, હૃદય, જમણી આંખ, મુખ, તલ, ગળું, પિત્તાશય, હાડકાં, લોહી, ફેફસાં, સ્તન, હૃદય, ત્વચા, પેટ, હોજરી વગેરે અંગો પર સૂર્ય દેવનું કારકત્વ ગણાય છે.
સૂર્ય ગ્રહ સંબંધિત શારીરિક રોગ
હૃદયરોગ, હોજરીના રોગ, ચામડીના રોગ, હાડકાંનું ભાંગવું, આંખસંબંધિત પીડા, તાવ, કોઢ, માનસિક પીડા, ઉચ્ચ રક્તચાપ, ઉદર વિકાર, મસા, નેત્રવિકાર, માથાનો દુખાવો, દુર્ઘટના, દાઝવું વગેરે સૂર્ય ગ્રહને આધિન રોગો છે.
સૂર્ય ગ્રહનું કાર્યક્ષેત્રમાં કારક્ત્વ
ઇલેક્ટ્રોનિક્સ, ફોટોગ્રાફી, અન્ય સંશોધનકાર્ય ખાતું, સરકારી નોકરી, આઇ.પી.એસ, ઉચ્ચ પદાધિકારી, વૈજ્ઞાનિકો, વિદેશી ભાષા, ડૉક્ટર, પોલીસકર્મી, સોના-ચાંદીના વેપારીઓ, રેલવે કર્મચારી, અર્થશાસ્ત્ર તથા સત્તા પર વિરાજમાન મંત્રીઓ આ દરેક ક્ષેત્રમાં સૂર્યનું પ્રભુત્વ જોવા મળે છે.
ઉપાયો
1. દર રવિવારે તેમજ દરરોજ સૂર્યોદય સમયે એક તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરીને તેમાં કંકુ, ચોખા, ખાંડ તથા લાલ પુષ્પ પ્રસ્થાપિત કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવો.
2. દર રવિવારે ત્રણ સમય આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.
3. નેત્ર રોગ માટે નેત્રોપનિષદનો પાઠ કરવો.
4. જ્યોતિષના માર્ગદર્શન હેઠળ માણેક રત્નને સુવર્ણમાં ધારણ કરીને અનામિક આંગળીમાં શુભ મુહૂર્તમાં ધારણ કરવું.
5. ફાગણ માસથી બીજા એક વર્ષ સુધી રવિવારનું વ્રત કરવું.
6. સૂર્યાસ્ત પહેલાં ઘઉંનો લોટ તથા ખાંડ મેળવીને કીડીઓના દર પાસે મૂકવો.
7. અગિયાર કે એકવીસ રવિવારે કમળનાં એકવીસ ફૂલો ગણપતિની મૂર્તિ પર ચઢાવવાં.
8. અગિયાર રવિવાર બપોરે દહીં ને ભાત ખાવાં.
9. નડતા સૂર્યને મજબૂત કરવા હિંદુ પંચાંગમાં હોરાશાસ્ત્રના કથન મુજબ સૂર્યની હોરામાં નિર્જળ રહેવું.
10. ઘરના પૂજાઘરમાં `શ્રી યંત્ર'ની સ્થાપના કરીને શ્રી સુક્તમ્ના રવિવારે 8 વાર પાઠ કરવા.
11. ઘઉં, ગોળ, તાંબુ, લાલ કપડાંનું ધર્મસ્થાનમાં દાન કરવું.
12. રવિવારના દિવસે સૂર્ય વ્રત કરીને મીઠારહિત ઘઉંથી બનાવેલી વાનગીનું ભોજન કરવું.
13. રવિવારે માતા રાંદલના લોટા તેડાવવા.
14. સૂર્ય યંત્રને લાલ આસન પર સ્થાપિત કરીને પૂજાઘરમાં પ્રતિષ્ઠિત કરીને રોજ ધૂપ-દીપ તેમજ પૂજન કરવું.
15. સૂર્યગ્રહણના સમયે અન્ન-જળનો ત્યાગ કરીને અખંડ હરિનામ જાપ કરવો.
16. પૂર્વ દિશામાં ગાયના ઘીનો દીવો કરવાથી સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
17. નેત્ર રોગમાં સૂર્ય દેવની ઉપાસનાથી ખૂબ જ લાભ થાય છે.