ટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'
પ્રકરણ - 3
સમાજમાં ચોતરફ જોવા મળતો એ એક સ્વાભાવિક ક્રમ છે કે નાની ઉંમરે કાલીઘેલી ભાષામાં ધાર્મિક પૂજા-પાઠ-વિધિઓ કરતું બાળક જુવાન થાય ત્યારે એના અગ્રતા ક્રમમાં ફ્રેન્ડ્સ, ફિલ્મ્સ, ફૅશન, સોશિયલ મીડિયાનું સ્થાન મહત્ત્વનું અને ઇશ્વરનું સ્થાન ગૌણ બનતું જાય. ધરમ-ધ્યાન અને પૂજા-પાઠ બાબતે એને એવું લાગે કે એ બધું તો પ્રૌઢો-વૃદ્ધો માટે છે, અમારે તો કરિયર બનાવવાની છે, જીવનસાથીની શોધ કરવાની છે, અમારે બીજાં ઘણાં કામો છે.
વિખ્યાત લેખક ટોલ્સ્ટોયના જીવનમાં એવું બન્યું. સોળેકની ઉંમરે એમના પ્રાર્થના-ઉપવાસ આપોઆપ અટકી ગયા અને નાની ઉંમરે એ ઘણું બધું વાંચવા લાગ્યા. ત્યારબાદ એમણે પૂરતો વિચાર કરીને ચર્ચમાં જવાનું બંધ કર્યું. આગળની વાત એમના જ શબ્દોમાં.
નાનપણમાં મને ધરમ વિશે જે શીખવવામાં આવ્યું હતું કે એ બધામાં માનવાનું તો મેં બંધ કર્યું, પરંતુ હું સાવ નાસ્તિક નહોતો જ થઈ ગયો. કશાકમાં હું માનતો હતો, પણ હું શેમાં માનતો હતો એ વિશે મારા મનમાં સ્પષ્ટતા નહોતી. હું ઇશ્વરમાં માનતો હતો અથવા એમ કહું કે ઇશ્વરને હું નકારતો નહોતો, પરંતુ ઇશ્વરનાં રૂપ-સ્વરૂપ વિશે મારા મનમાં સ્પષ્ટતા નહોતી. ઇસુ ખ્રિસ્તને કે એમના ઉપદેશને પણ હું નકારતો નહોતો, પરંતુ એમના ઉપદેશના સાર વિશે હું સ્પષ્ટ નહોતો.
અત્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે એટલું સમજાય છે કે એ ઉંમરે હું જેમાં માનતો હતો એ બે ચીજ હતી. પહેલી, મારા જીવનને દોરનારી પ્રાણીસહજ વૃત્તિઓ અને બીજી, જાતને પરફેક્ટ બનાવવાનો વિચાર. પરફેક્ટ જાત કેવી હોવી જોઈએ એની મને ઝાઝી ખબર નહોતી. મારી જાતને બૌદ્ધિક રીતે પરફેક્ટ બનાવવા માટે પુસ્તકોમાંથી અને જીવતરના અનુભવોમાંથી જે કંઈ પણ શીખવા મળે તે હું ઉત્સાહભેર શીખવા લાગ્યો. મનોબળ વધારવા માટે જાતે જ આત્મશિસ્તના નિયમો ઘડીને એનું ચુસ્તપણે પાલન કરવાનો માર્ગ મેં અપનાવ્યો. શારીરિક શક્તિ વધારવા માટે હું અનેક પ્રકારની કસરતો કરવા લાગ્યો. મારી ધીરજ અને સહનશક્તિ વધે એ માટે હું સામે ચાલીને જાતને ત્રાસ થાય એવા પડકારો ઝીલવા લાગ્યો. આ સમગ્ર કવાયત મારા માટે જાત-સુધારણા માટેની જહેમત હતી. શરૂઆતમાં મારું ફૉકસ નૈતિકતા અને ચારિત્ર્ય બાબતે પરફેક્શન મેળવવા પર હતું, પરંતુ ધીમે ધીમે વાત ઑવરઑલ, સૌની નજરમાં પરફેક્ટ બની રહેવા પર આવી ગઈ. હું મારી પોતાની કે ઇશ્વરની નજરમાં કેવો લાગું છું એ ભૂલીને લોકોની નજરમાં હું કેવો લાગું છું એમાં મને રસ પડવા લાગ્યો. પછી બીજાઓ કરતાં સારા બનવાની મારી તીવ્ર ઝંખનાએ બહુ ઝડપથી વધુ ખ્યાતિ, વધુ મહત્તા અને વધુ સંપત્તિની ભૂખનું રૂપ ધારણ કર્યું.
મારી જુવાનીનાં એ દસ વર્ષની અત્યંત હૃદયસ્પર્શી અને બોધદાયી કથા હું ફરી ક્યારેક નિરાંતે લખીશ. મને લાગે છે કે (ખાસ તો મારા સામાજિક વર્ગ અને વર્તુળના) મોટાભાગના લોકોની જુવાનીની કથા મારા જેવી જ હોવાની. અંદરખાને હું પૂરી નિષ્ઠા સાથે સારો મનુષ્ય બનવા માગતો હતો, પરંતુ હું જુવાન હતો, મારામાં ઉન્માદ હતો અને હું એકલો હતો. સારાપણાની ખોજમાં હું સાવ જ એકલો હતો. જ્યારે પણ લોકો સમક્ષ હું નૈતિક રીતે સારા મનુષ્ય બનવાની મારા હૃદયની એકદમ ઊંડી અને સાચી ઇચ્છા વ્યક્ત કરતો ત્યારે લોકો મોં મચકોચડતા (મારી વાતોને વેવલાઈમાં ખપાવતા). બીજી તરફ હું જ્યારે મારામાં રહેલી ગંદી વૃત્તિઓને અનુસરતો ત્યારે લોકો મને પોરસાવતા. મહત્ત્વાકાંક્ષા, સત્તાની ભૂખ, સ્વાર્થીપણું, વ્યભિચાર, અભિમાન, રોષ, વેરભાવના વગેરે જેવી બાબતો આદરણીય ગણાતી અને એવું કહેવાતું કે અસલી મરદમાં આ બધું હોવું જ જોઈએ. આ બધી વૃત્તિઓને અનુસરીને હું મારા વડીલોના માર્ગે ચાલતો ત્યારે એ લોકો રાજી થતા.
હું મારી એક વૃદ્ધ આન્ટી સાથે રહેતો હતો. એ ખરેખર સારી સ્ત્રી હતી. એ મને હંમેશાં કહ્યાં કરતી કે મારા માટે એ જે બધાં સુખો ઝંખે છે તે આ છેઃ પહેલું સુખ એ કે હું કોઈ પરણેલી સ્ત્રીના પ્રેમમાં પડવાનો અનુભવ મેળવું. બીજું સુખ એ કે હું ઝાર(રાજા)નો જમણો હાથ બનું એટલે કે બહુ મોટો અમલદાર બનું અને મારું ત્રીજું સૌથી મુખ્ય સુખ એને એ વાતમાં દેખાતું હતું કે હું કોઇ અત્યંત અમીર પરિવારની છોકરીને પરણું અને એ છોકરી દહેજમાં ખૂબ બધા સર્ફ (ગુલામો) લઈને આવે.
એ વર્ષોને યાદ કરતાં આજે પણ મારું હૃદય ચૂંથાય છે અને હું ધ્રૂજી ઊઠું છું. મેં યુદ્ધમાં લોકોને માર્યા છે. મેં દ્વંદ્વયુદ્ધ (યા હું નહીં યા તું નહીં એવી લડાઈ) માટે લોકોને લલકાર્યા છે. હું પત્તાંનો જુગાર ખૂબ રમ્યો છું. હું શ્રમજીવીઓની મહેનત પર જીવ્યો છું અને એમને મેં સજાઓ કરી છે. મેં પરણેલી સ્ત્રીઓ સાથે દેહસંબંધો બાંધ્યા છે. મેં છેતરપિંડીઓ કરી છે. જુઠાણાં, ચોરી, તમામ પ્રકારના વ્યભિચાર, શરાબીવેડા, હિંસા, ખૂન એવું એક પણ પાપ નહોતું જે મેં આચર્યું ન હોય. (ક્રમશઃ)
***
`પાપ તારું પરકાશ જાડેજા' એવું કહેનારી તોરલ સમક્ષ જેસલે જે રીતે પોતાનાં પાપોની લાંબી યાદી ગણાવી એવી રીતે ટોલ્સ્ટોયે પોતાની આત્મકથામાં નોંધેલી જુવાનીનાં પાપોની ઉપર ટાંકેલી યાદી આપણને ભારતીયોને ચોંકાવે એવી છે, પરંતુ ઓગણીસમી સદીના મધ્યભાગમાં રશિયાના ઉચ્ચ-ઉમરાવ વર્ગના લોકોમાં આવાં બધાં પાપો કરી જાણે એ જ અસલી મરદ, ફાંકડો જુવાન ગણાતો. એટલે એક રીતે જોતાં ટોલ્સ્ટોયનાં પાપો અસાધારણ અને અક્ષમ્ય ગણી શકાય, પરંતુ ટોલ્સ્ટોયનું પોતાનું કહેવું છે કે આવાં પાપો કરવા માટે તો લોકો એને ઉલટાના ધક્કા મારતા, પ્રેરણા આપતા.
ખેર, ત્યારનો રશિયન સમાજ કેવો હતો એ વાત પર બાજુ પર મૂકીને એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે કે જુવાનીમાં ગંદી વૃત્તિઓના કીચડમાં ભૂંડની જેમ આળોટનાર ટોલ્સ્ટોય પછી આગળ જતાં કેટલી અસાધારણ ઊંચાઈ પર પહોંચ્યા. (ક્રમશઃ)
