શાક અથવા દાળમાં જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાદ બમણો થઇ જાય છે. એવી રીતે ડુંગળીનો ઉપયોગ વાળ માટે કરવામાં આવે તો અનેક ફાયદા થાય છે. ડુંગળીનો રસ વાળ માટે વરદાન છે. વાળને ઘટાદાર, મજબૂત, લાંબા અને મુલાયમ બનાવવા એ કંઈ સરળ નથી. તેથી આજે વાળમાં ડુંગળીના રસનો ઉપયોગ કરવાથી થતાં ફાયદા અંગે જાણીએ.

વાળના ગ્રોથ માટે

વાતાવરણમાં રહેલા પ્રદૂષણને કારણે વાળનો ગ્રોથ ઓછો થતો જાય છે. ડુંગળીનો રસ વાળને પોષણ આપવાની સાથે સાથે તેને ખરતાં અટકાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત હેર ફોલિકલ્સમાં અભિવૃદ્ધિ કરે છે. જેનાથી વાળ ખરતાં અટકે છે અને વાળનો ગ્રોથ વધવા લાગે છે.

ચમકદાર બનાવવા

ડુંગળીના રસમાં ભરપૂર પ્રમાણમાં સલ્ફર હોય છે. જે સ્કૅલ્પના બ્લડ સરક્યુલેશનમાં સુધારો લાવે છે. એનાથી નવા વાળ ઊગવામાં મદદ મળે છે. વાળનું વોલ્યૂમ પણ વધે છે. વાળને ઘટાદાર બનાવવાની સાથે ચમકદાર પણ બનાવે છે.

વાળને સફેદ થતા અટકાવે

નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા વધી રહી છે. એમાં ડુંગળીનો રસ વાળ માટે ફાયદારૂપ છે. ડુંગળીમાં કેટલસ નામનું એન્ઝાઇમ જોવા મળે છે. જે વાળને સફેદ થતા અટકાવે છે. આ ઉપરાંત વાળનાં મૂળને કાળા પણ બનાવે છે.

ડેન્ડ્રફ થતો અટકાવે

ડેન્ડ્રફના કારણે સ્કૅલ્પમાં ખંજવાળની સમસ્યા થાય છે. એમાં ડુંગળીનો રસ વાળ માટે ફાયદાકારક છે. તે ડેન્ડ્રફ પેદા કરનાર બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. પરિણામે વાળમાંથી ધીરેધીરે ડેન્ડ્રફ દૂર થઇ જાય છે.

સ્કૅલ્પ માટે

ડુંગળીના રસમાં એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, જે તાળવાની ત્વચામાં કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થતું અટકાવે છે. ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ સરક્યુલેશનને સુધારવાનું કામ કરે છે. આ રીતે સ્કૅલ્પની ત્વચા સ્વસ્થ બને છે અને વાળને સારો ગ્રોથ અને મજબૂતી મળે છે.

ડુંગળીનો રસ આ રીતે તૈયાર કરો

વાળની લંબાઇને ધ્યાનમાં રાખી એક અથવા બે ડુંગળીને સમારી મિક્સરમાં ક્રશ કરી લો. હવે ડુંગળીને એક મુલાયમ કપડામાં બાંધીને નીચોવીને રસ કાઢી લો અથવા ગળણીમાં નાંખો અને ચમચીની મદદથી વાટકીમાં તેનો રસ કાઢી લો. જે ગળણીનો ઉપયોગ ડુંગળીનો રસ કાઢવા કરો તેનો ઉપયોગ અન્ય કશામાં ન કરવો. ડુંગળીનો રસ નીકળી જાય એટલે વાળમાં મેંદી લગાવવાના બ્રશની મદદથી અથવા કોટનથી મૂળમાં લગાવો. અડધો કલાક વાળમાં રહેવા દો, પછી શેમ્પૂ કરી લો. ડુંગળીના રસને નિયમિતપણે વાળમાં લગાવવાથી ફાયદો થશે.


  • Follow us on: