શિક્ષણ એટલે ફક્ત લખવું નથી. શિક્ષણ એટલે ફક્ત વાંચ-વાંચ કર્યે રાખવું એ નહિ. શિક્ષણ એ બહુ જ વિશાળ પણ બેઝિક પ્રક્રિયા છે. લખવું-વાંચવું તો ફક્ત એક ઇન્દ્રિયથી થાય. જ્યારે શિક્ષણ તો પાંચે ઇન્દ્રિયોથી ગ્રહણ કરવાનું હોય. સાચું શિક્ષણ મેદાનોમાં મળે, જંગલમાં મળે, પ્રેક્ટિકલ રીતે મળે, ઓઈલ પેઈન્ટથી દોરેલા પતંગિયાવાળી દીવાલો વચ્ચે ન મળે.
પાંચે ઇન્દ્રિયોથી જે વાત મગજમાં જાય એ વધુ સારી રીતે યાદ રહે. સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર ફક્ત લખવાની નહિ, પણ અનુભવવાની વાત છે. આપણે ત્યાં તો ઘડિયા અને કક્કો ગોખાવવાથી તો વાત ચાલુ થાય. ટૂંકમાં, બાળકની રચનાત્મકતાને ગળેટૂંપો દઈ દેવાનું શુભ કાર્ય આપણી શાળાઓ કરે છે. આ વાત કડવી લાગશે પણ હકીકત છે.
પછી આપણે ત્યાં બીજી ફેશન છે બોર્ડ એક્ઝામની. દસમું-બારમું ધોરણ એટલે શિક્ષણ કરતાં સમાજમાં શો-ઓફ કરવાની વૃત્તિનું માધ્યમ થઇ ગયું છે. જિંદગીની માંડ શરૂઆત કરી રહેલા ચૌદ-પંદર વર્ષના બાળકમાં એવું ઠસાવી દેવામાં આવે છે કે જો બોર્ડની એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા તો તારી જિંદગી બરબાદ થઇ જશે (અહીં ઓછા માર્ક્સ એટલે 95 %થી ઓછા કોઈ પણ માર્ક્સ). જિંદગી તો કેટલી મોટી અને કોમ્પ્લેક્સ વાત છે અને દુનિયામાં મેજોરિટી સફળતમ વ્યક્તિત્વો ભણવામાં સામાન્યથી `ઢ' હોવા છતાં આપણા વાલીઓમાં પણ બોર્ડ એક્ઝામનો લગ્ન કરતાં પણ ખરાબ જે હાઉ બેસી ગયો છે તે આખા દેશને સામૂહિક રીતે નુકસાન કરે છે. વધુ માર્ક્સ લેવા માટે બને એટલું ગોખવામાં આવે, સારા માર્ક્સ આવે એટલે ટોપની કોલેજ-યુનિવર્સિટીમાં એડમિશન લઇ શકાય અને ત્યાં ટોપ કરી માસ્ટર્સ માટે કે વધુ કમાવા માટે ફોરેન જઈ શકાય. બસ, આ લઘુતમ સામાન્ય ધ્યેય લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. આ એજ્યુકેશન નથી પણ રેસ છે. દરેક બાળકની એબિલિટી ચકાસવાની આ પદ્ધતિ દરેક બાળકને ડાબલા પહેરેલો ઘોડો બનાવી દે છે, જેનું વિઝન ફક્ત સીધું અને સાંકડું થઇ જાય, પહોળું અને ઊંડું નહિ.
અને ત્રીજો અધ્યાય છે આ શિક્ષણની કઠણાઈની કથાનો, ભણવાનું બંધ કરી દેવું તે. કોઈ પણ વિષયમાં માસ્ટર્સ કે પીએચડી એટલે કે સારું કમાવા માટે જરૂરી અભ્યાસનાં ડિગ્રી સર્ટિફિકેટનું ફરફરિયું હાથમાં આવી જાય એટલે ભણવાનું બંધ કરી દેવામાં આવે છે. પોતાના વિકાસ માટે આ પણ એક મોટી ભૂલ છે, જે લગભગ દરેક નાગરિક કરે છે. ભણવું એ પ્રોસેસ છે, લોંગ ટર્મ પ્રોસેસ છે અને એ ક્યારેય અટકતી નથી. દરેક ક્ષેત્રમાં મજૂરીથી માંડીને આઈપેડ બનાવવા સુધીના એકોએક ફિલ્ડમાં રોજ એટલું બધું ઉમેરાતું જાય છે કે કોઈ પણ વ્યક્તિ જે તે ક્ષેત્રની કોઈ એક શાખાની કોઈ એક પેટાશાખાની નાનકડી ડાળખીનું નોલેજ પણ સંપૂર્ણપણે આજીવન ન મેળવી શકે. લેટેસ્ટ અપડેશન એ હદે થાય છે. માટે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, સતત શીખતા રહેવું જ પડે, પણ નાનપણથી ચાબુકો મારી મારીને એવા ભણાવ્યા હોય કે વીસ વર્ષમાં તો ભણવાનું જ કે નવું નવું જાણવાનું જ અપખે પડી ગયું હોય.
બોર્ડ એક્ઝામ પછી પોતાની સ્કૂલના તેજસ્વી તારલાઓનું મોટું લિસ્ટ બીજે દિવસે છાપામાં છપાવવાનો ધંધો અટકવાનો નથી. તો બીજી બાજુ દરેક કોલેજ, પોતાની પાસે કેટલી મોટી જમીન અને કેટલા લાખ સ્ક્વેરફૂટનું બાંધકામ છે એની જાહેરાતો બંધ નથી કરવાની અને વિદ્યાર્થીઓ-વાલીઓ એનાથી લોભાવાનું બંધ નથી કરવાના. હકીકતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ફેસિલિટીઝ કે એમિનિટીઝનું શિક્ષણમાં બહુ જ ઓછું વજન છે. તાત્ત્વિક રીતે શિક્ષણ એ પ્રોસેસ છે ટીચર અને વિદ્યાર્થી વચ્ચે. ટીચર-પ્રોફેસર ઉપર છે કે તેઓ તેમને સાંભળી રહેલા, જોઈ રહેલા વિદ્યાર્થીઓને સતત એક્સાઈટ કરી શકે છે? આજના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રોમાંચ ઊભો કરી શકે છે ખરા કે આ ટોપિકની બધી જાણકારી તેઓ મેળવવા તલપાપડ બને? જે તે પ્રવૃત્તિઓમાં બાળકોને દિલથી પ્રવૃત્ત રાખી શકે એવી શૈલી શિક્ષકોમાં જોવા મળે છે? રેરેસ્ટ ઓફ ધ રેર અપવાદો સિવાય આ બધા સવાલોનો જવાબ ના છે. જિજ્ઞાસાથી ફાટફાટ થતા બાળકને વિદ્યાર્થીમાં રૂપાંતરિત કરી આખરે તેને નખશિખ પરીક્ષાર્થીમાં વટલાવી નાખવો એ ગુનો કે પાપ નથી?