પીપળો ભારતમાં સર્વત્ર થાય છે. તેનું વૃક્ષ ખૂબ ઊંચું અને ઘણા મોટા વિસ્તારમાં થાય છે. પીપળો પવિત્ર હોવાથી હિંદુઓ આ વૃક્ષને કાપતા નથી અને તેનાં લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરતાં નથી.
આયુર્વેદ પ્રમાણે પીપળો તૂરો અને મધુર, શીતળ, ભારે, કફ અને પિત્તશામક, વર્ણ સુધારનાર, સોજો ઉતારનાર, પીડાશામક તથા રક્ત શુદ્ધિકર છે. તેનાં પાકાં ફળ હૃદય માટે હિતકારી, શીતળ, કફ-પિત્તશામક, બળતરા, ઊલટી અને અરુચિ મટાડનાર છે. તેની લાખ કડવી, તૂરી, બળકર, પચવામાં હળવી, ફ્રેક્ચરને જોડનાર, રંગ સુધારનાર, શીતળ તથા કફ, પિત્ત, શોષ, ઉધરસ, રક્તસ્રાવ, છાતીમાંથી લોહી પડવું, દમ, રક્તના રોગો અને બળતરાને મટાડે છે. તેની છાલ બળપ્રદ, વાજીકર તથા રક્તસ્રાવને અટકાવનાર છે.
રાસાયણિક દૃષ્ટિએ પીપળાની છાલમાંથી ટેનિન 4%, રબર તથા મીણ મળી આવે છે.
ઉપયોગો
પીપળાની લાખમાં રક્તસ્રાવને મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે. નાક, છાતી, આંતરડાં વગેરે શરીરના કોઈ પણ આંતરિક કે બાહ્ય ભાગમાંથી લોહી પડતું હોય તેમાં પીપળાની લાખ અડધી અડધી ચમચી સવાર-સાંજ ઘી અને સાકરમાં કાલવીને દૂધ સાથે પીવાથી લાભ થાય છે. પીપળાની લાખ બોરડીની લાખ કરતાં પણ કીમતી ગણાય છે. પીપળાનાં પાનમાં પણ રક્તસ્રાવને અટકાવવાનો ગુણ રહેલો છે.
આયુર્વેદના મહર્ષિ સુશ્રુતે પીપળાનો એક વાજીકરણ પ્રયોગ આ પ્રમાણે બતાવ્યો છે. પીપળાનાં મૂળ, થડની છાલ, પાન, ફળ અને શુંગ (પાન નીકળતાં પહેલાંની અવસ્થા). આ પાંચે અંગો સમાન વજને લઈ ચૂર્ણ બનાવી લેવું. એક ચમચી જેટલું આ ચૂર્ણ દૂધમાં ઉકાળી, દૂધને ગાળી, ઠંડું પાડી તેમાં મધ અને સાકર નાંખીને સવાર-સાંજ પીવું. આ ઉપચારથી સારી સંભોગશક્તિ આવે છે. આ સરળ ઉપચાર શારીરિક શક્તિ પણ વધારનાર એટલે કે વાજીકરણ ઉપરાંત જનરલ ટોનિકસમાન પણ છે.
કોઈ પણ ઘા-જખમને ધોવા માટે પીપળો, વડ, ઉમરડો, પીપળી અને પારસ પીપળો- આ પાંચ વૃક્ષોની છાલનો ઉકાળો કરી તેમાંથી ઘા ધોવાથી તે જલદી રુઝાઈ જાય છે. મોઢામાં ચાંદાં પડી ગયાં હોય, જીભ અને ગળું લાલ કે આળું થઈ ગયું હોય, દાંત હલતા હોય, પાક થતો હોય તે બધામાં પણ આ પાંચે વૃક્ષની છાલનો ઉકાળો વાપરવો, તેનાથી કોગળા કરવા.
દમ, જૂની શરદી, ઉધરસ વગેરેમાં પીપળાની છાલનું ચૂર્ણ ઉત્તમ પરિણામ આપે છે. ગાયના દૂધની ખીર બનાવી તેમાં એક ચમચી જેટલું પીપળાની છાલનું ચૂર્ણ નાંખી લેવાથી દમ, શરદી વગેરેમાં ફાયદો થાય છે. આ રીતે સાત દિવસ સુધી રોજ રાત્રે ખીર બનાવી તેનું સેવન કરવું.
પીપળાનાં ફળ શીતળ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તે શરીર સુકાઈ જવું (શોષ રોગ), અરુચિ, બળતરા વગેરે મટાડે છે. ટૂંકમાં, પીપળાનાં ફળ, શુંગ, પાન, છાલ, મૂળ વગેરે દરેક અંગમાં કંઈક વિશિષ્ટ ગુણો રહેલા છે. પીપળાનાં પંચાંગનું ચૂર્ણ સૌ કોઈએ વાપરવા જેવું છે. તેના સેવનથી શરીર સુદૃઢ બનશે, શક્તિ આવશે અને શરીરની ગરમી પણ મટશે. પીપળો રસાયન એટલે કે વૃદ્ધાવસ્થાને અવરોધનાર છે.