ફિલ્મ વશ આવી ત્યારે ચોમેર વાહવાહી થઇ ગઇ હતી. અલગ જ સબ્જેક્ટ ઉપર બનેલી આ ફિલ્મે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મ એટલી સફળ થઇ કે બોલિવૂડના ફિલ્મમેકર્સને પણ આ પ્રોજેક્ટ રસપ્રદ લાગ્યો અને એમણે ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ લઇને એના ઉપરથી શૈતાન ફિલ્મ બનાવી. શૈતાનની વાર્તા પણ વશ ફિલ્મના ડાયરેક્ટર, રાઇટર કૃષ્ણદેવ યાજ્ઞિકે જ લખી હતી. વશ અને શૈતાનના રાઇટર એક જ હતા, એ જ રીતે વશમાં મુખ્ય રોલ કરનાર જાનકીને પણ શૈતાન માટે સાઇન કરવામાં આવી. શૈતાનમાં હિતેન કુમારનો રોલ આર. માધવનને સોંપવામાં આવ્યો, જ્યારે હિતુ કનોડિયાએ કરેલો રોલ અજય દેવગણ પાસે કરાવાયો હતો. આ વાત અહીં કરવાનું મુખ્ય કારણ તાજેતરમાં જ જાનકી બોડીવાલાને મળેલો આઇફા એવોર્ડ છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એક ઔર કલાકાર હિન્દી સિનેમાના આંગણે પહોંચી અને પહેલી જ ફિલ્મ થકી એણે દર્શકો તેમજ જ્યૂરી બંનેનાં દિલ જીતી લીધાં. અલબત્ત આ લિસ્ટમાં જાનકી એકલી જ ગુજરાતણ નથી, લાપતા લેડિઝના સ્ક્રીનપ્લે રાઇટર સ્નેહા દેસાઇનું નામ પણ છે. એમને પણ બેસ્ટ સ્ક્રીનપ્લે માટે આઇફા આપવામાં આવ્યો છે.


એવા કલાકારો જેણે ગુજરાતનું નામ રોશન કર્યું

 હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ એક પછી એક સારી સારી ફિલ્મો આપી રહી છે. હવે આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણો સ્કોપ છે. વળી, ગૌરવ લેવા જેવી બાબત એ છે જે આપણી ફિલ્મોની હિન્દી રિમેક બની રહી છે. વશ 202૩માં આવી અને એના બીજા જ વર્ષે 2024માં શૈતાન બનાવાઈ. તાબડતોબ એક ગુજરાતી ફિલ્મની હિન્દી રિમેક બનાવાઇ જે સાબિત કરે છે કે આપણી પાસે વાર્તા વારસો કેટલો સારો છે! અલબત્ત, માત્ર વાર્તા વારસો જ નહીં આપણી પાસે ટેલેન્ટની કમી પણ નથી જ. એ વાત અલગ છે કે હવે આપણે એ લેવલ સુધી પહોંચી ગયા છીએ કે આપણા કલાકારો આપણી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને પછી બોલિવૂડ સુધી જાય છે. બાકી એક સમય એવો હતો કે ગુજરાતી લોકો જેને એક્ટિંગ કે રાઇટિંગમાં કરિયર બનાવવાની ઇચ્છા હોય એ હિન્દી સિનેમામાં જ ડાયરેક્ટ ટ્રાય કરવા લાગતા. નો ડાઉટ આમાં દીના પાઠક, અપરા મહેતા જેવાં અપવાદો પણ હતાં જ. ખેર. એવાં ગુજરાતીઓની વાત કરીએ જેમણે હિન્દી સિનેમામાં અલગ અલગ પદ ઉપર શ્રેષ્ઠ કામ કરીને તે પદને શોભાવ્યું છે. આપણે દીના પાઠકની તો વાત કરી જ. દીના પાઠક મૂળ ગુજરાતી રંગમંચના કલાકાર હતાં. ફેમસ એક્ટર સંજીવ કુમાર મૂળ સુરતીલાલા હતા. એમણે કરિયરની શરૂઆત હિન્દી સિનેમાથી કરી. એ પછી 19૬૬માં કલાપી તેમજ 19૬8માં મારે જાવું પેલે પાર જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ગુજરાતી કલાકારો જે હિન્દી ફિલ્મ જગતમાં કાર્યરત છે એનું લિસ્ટ બનાવવા બેસીએ તો ઘણું લાંબું થાય એમ છે. પરેશ રાવલ, બિંદુ, નિરુપા રોય, મનમોહન ક્રિષ્ના, પરવીન બાબી, ડિમ્પલ કાપડિયા, ફારુક શેખ, કેતન મહેતા, હંસલ મહેતા, અપરા મહેતા, જતિન કનાકિઆ, વિજયા મહેતા, અબ્બાસ-મસ્તાન, હોમી વાડિયા, મનોજ શાહ, નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, પંકજ ઉધાસ, મનહર ઉધાસ, સતીશ શાહ, થ્રી ઇડિયટ અને મુન્નાભાઇ જેવી ફિલ્મોના રાઇટર અભિજાત જોષી, સિદ્ધાર્થ રાંદેરિયા, શર્મન જોષી, રોનિત રોય, પ્રતીક ગાંધી, કરિશ્મા તન્ના, રશ્મી દેસાઇ, હિમેશ રેશમિયા, સચિન-જિગર, અમિત ત્રિવેદી, દર્શન પંડ્યા, માનસી પારેખ, દિશા વાકાણી, દિલીપ જોષી, પ્રાચી દેસાઇ જેવાં અઢળક કલાકારો આજે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે, જેમને જોઇને ગર્વ અનુભવાય. જોકે, સૌથી વધારે ગર્વ લેવા જેવી બાબત એ પણ છે કે હવે આપણા ગુજરાતી કલાકારો જે ગુજરાતી ફિલ્મોને જ સમર્પિત છે એ લોકોનું કામ પણ હિન્દી સિનેમામાં નોટિસ થઇ રહ્યું છે અને હિન્દી સિનેમામાં કામ કરતાં લોકો હવે ગુજરાતી ફિલ્મો તરફ વળી રહ્યા છે. માનસી પારેખ કે જેમણે હિન્દી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું એમણે ધીરે ધીરે ગુજરાતી ફિલ્મોની પોપ્યુલારિટી જોઇને કચ્છ એક્સપ્રેસ અને ઝમકુડી જેવી ગુજરાતી ફિલ્મો પોતાના પ્રોડક્સન હાઉસ તળે બનાવી છે અને આ ફિલ્મમાં રત્ના પાઠક જેવાં દિગ્ગજ કલાકારે પણ કામ કર્યું હતું.

ગુજરાતી કલાકારો નેશનલ એવોર્ડ સુધી પહોંચી રહ્યા છે

જાનકીએ હિન્દી સિનેમામાં શરૂઆત કરી અને પહેલી જ ફિલ્મમાં એના કામની આટલી સારી નોંધ લેવાઇ. તેને શૈતાન ફિલ્મ માટે બેસ્ટ ફીમેલ સપોર્ટિંગ એક્ટરનો પહેલો જ આઇફા એવોર્ડ શાહરુખ ખાનના હાથે મળ્યો. આ તકે નર્વસનેસ હોવા છતાં એ છોકરીએ જે ગ્રેસથી સ્ટેજ ઉપર સ્પીચ આપી હતી એ કાબીલે તારીફ હતી. અલબત્ત, જાનકી સિવાય પણ અનેક ગુજરાતી કલાકારોને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અઢળક એવોર્ડ્સ મળી ચૂક્યા છે. અરે! આપણા કલાકારોએ નેશનલ એવોર્ડ્સ પણ લીધા છે. આ લિસ્ટમાં પરેશ રાવલ, નસીરુદ્દીન શાહ, અભિજાત જોષી, કેતન મહેતા જેવા કલાકારો, ડાયરેક્ટર અને રાઇટરનો સમાવેશ થાય છે. અરે! આપણી ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ એક્ટર અને હેલારો માટે ગુજરાતી કલાકારો શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ, નિલમ પંચાલ, ડેનીસા જેવાં કલાકારોને પણ નેશનલ એવોર્ડ્સ મળ્યા છે.

શાહરુખનું જેસ્ચર જે બધાને ઊડીને આંખે વળગ્યું

જાનકી બોડીવાલાને શાહરુખના હસ્તે એવોર્ડ મળ્યો એ તો ધ્યાન ખેંચનારી બાબત હતી જ, પણ એ એવોર્ડ આપતી વખતે કિંગ ખાનનું જેશ્ચર પણ બધાને ઊડીને આંખે વળગ્યું હતું. જાનકી એવોર્ડ લેવા ગઇ ત્યારે સામે આવીને હાથ પકડીને માઇક સુધી લઇ જવી, એ પછી એની નર્વસનેસ દૂર કરવા વાર્મ હગ, જાનકીએ એનાં વખાણ કર્યાં ત્યારે પણ વિનમ્રતાથી સ્માઇલ આપવી અને એવોર્ડ લીધા બાદ હાથ પકડીને જાનકીને સ્ટેજ ઉપરથી ઉતારવી. આ માણસમાં સહેજેય અરોગન્સી સ્ટેજ ઉપર ન જોવા મળે. સ્ત્રીઓને કેવી રીતે માન આપવું એનું શ્રેષ્ઠ ઉદાહરણ શાહરુખ વર્ષોથી પૂરું પાડતો આવ્યો છે. નવી પેઢીને આટલો માનભેર આવકાર આપવો એ દરેક વ્યક્તિ ન જ કરી શકે, શાહરુખ એમ જ થોડો કિંગ ખાન કહેવાતો હશે?


  • Follow us on: