કેન્દ્ર સરકારે આખા દેશમાં પંચાયતીરાજ દાખલ કરવા માટે બંધારણીય સુધારો કરી તેને સન 1993થી અમલમાં મૂક્યો. આ સુધારાથી મહિલાઓ માટે પંચાયતની કુલ બેઠકોમાંથી 1/3 બેઠકો `આરક્ષિત' કરવામાં આવી.
મહિલાઓ માટે પંચાયતમાં 1/3 બેઠકો અનામત રાખવામાં આવી છે અને તે જ પ્રમાણે પંચાયતમાં મહિલા સરપંચની જગ્યા માટે પણ મહિલાઓને આરક્ષણ આપ્યું છે. આ જોગવાઈને લીધે આખા દેશમાં ગ્રામપંચાયતોમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સરપંચો ચૂંટાયાં છે. આ મહિલા સરપંચોએ પંચાયતના કાયદા અને નિયમો પ્રમાણે પંચાયતોનો વહીવટ કરવાનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સરપંચ તરીકે પંચાયતમાં ઘણી જ જવાબદારી સંભાળવાની હોય છે. `ગ્રામસભા' પણ વર્ષમાં બે વાર બોલાવવી તેવી જોગવાઈ છે. પંચાયતોની સભામાં સરપંચ અધ્યક્ષ હોય અને તે સભાનું સંચાલન કરે છે. સરપંચ તરીકે ગામના પ્રશ્નો કરતાં બીજી કાયદેસરની અનેક જવાબદારીઓ સરપંચે વિચારવાની અને સંભાળવાની હોય છે. સરપંચે પંચાયતની રોકડ રકમો, પંચાયતનું રેકર્ડ અને પંચાયતના ખર્ચના વાઉચરો અને પહોંચ વગેરેનું રેકર્ડ સાચવવાનું હોય છે. આ બધાં કાર્યો સરપંચે પંચાયતધારા પ્રમાણે કરવાનાં હોય છે અને એટલે આ કાયદાની સમજ તેમને હોવી જોઈએ તે જરૂરી છે.










