ગુણ
પપૈયામાં વિટામિન એ, બી, સી અને ડી છે. તેમાંય ખાસ કરીને વિટામિન એ સૌથી ભરપૂર છે. બીજાં ફળોની સરખામણીમાં પપૈયામાં વિટામિન એ વધારે પ્રમાણમાં છે. આથી જ તે નેત્રરોગ, મૂત્રાશય, શારીરિક વૃદ્ધિ વગેરે રોગથી મનુષ્યનું રક્ષણ કરે છે. તેમાં વિટામિન સારા પ્રમાણમાં હોવાથી અસ્થિ રોગ, દાંતના રોગ, લોહીના દબાણની વૃદ્ધિ, પક્ષઘાત, ગઠિયો વા, ઊલટી વગેરે રોગથી બચાવે છે.
પેટના વિકારો દૂર કરવા માટે પપૈયાનો ઉપયોગ સર્વોત્તમ ગણાય છે. પપૈયાના સેવનથી પાચનક્રિયા સુધરે છે, ભૂખ લાગે છે અને શરીરની કાર્યશક્તિ વધે છે. વળી, પપૈયું બીજા આહારને પચાવવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત પાકા પપૈયામાં દસ્ત તથા પેશાબ સાફ લાવવાનો ગુણ છે.
આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજીઓ
સગર્ભાવસ્થામાં કાચું કે પાકું થયેલું પપૈયું ખાવું નહીં. જે સ્ત્રીઓને માસિક વધારે આવતું હોય તેમણે પણ પપૈયું ખાવું નહીં. કાચું પપૈયું રક્તપ્રદરવાળી સ્ત્રીઓને પણ નુકસાન કરે છે.
પ્રમેહના રોગીઓને, કોઠે ગરમીવાળાઓને અને અર્શ-મસાના રોગીઓને કાચું પપૈયું અતિ ઉષ્ણ પડે છે. તેમને કાચા પપૈયાથી હરસમાંથી વધારે લોહી પડે છે.
પાકા પપૈયાના કટકા કરી તેમાં સહેજ મીઠું, મરી અને લીંબુનો રસ નાંખીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પાકા પપૈયામાં સહેજ લીંબુનો રસ નિચોવવાથી કેરી જેવો સ્વાદ આપે છે.
કાચા પપૈયાના શાક કરતાં અધકચરા પપૈયાનું શાક સ્વાદિષ્ટ બને છે. કાચા પપૈયાનું અથાણું પણ બને છે. પાકા પપૈયાની ચટણી, કચુંબર વગેરે પણ બને છે. પપૈયા સાથે કેળાં, કાકડી, ટામેટાં અને પપૈયાનું કચુંબર બનાવો તો વધુ સ્વાદિષ્ટ લાગે છે.
ઔષધીય ગુણ
બાળકોને નિયમિત પપૈયું ખવડાવવાથી તેમની ઊંચાઈ વધતી રહે છે અને શરીર મજબૂત તથા તંદુરસ્ત બને છે.
અડધી ચમચી કાચા પપૈયાનું દૂધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે.
પપૈયાનાં પાનની ચા બનાવીને પીવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે.