- મઘા નક્ષત્ર દરમ્યાન વસ્ત્ર, તલ, જવ, ડાંગર તેમજ અન્નદાન કરવાથી મુશ્કેલીઓ-કષ્ટોમાં રાહત જોવા મળે છે
જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર 27 નક્ષત્રોમાંનું દશમું નક્ષત્ર મઘા નક્ષત્ર તરીકે ઓળખાય છે. આકાશમંડળમાં ઉત્તર દિશામાં 6 તારાઓના સમૂહથી ગૃહ(ઘર) જેવા આકૃતિ ધરાવતું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર. મઘા નક્ષત્રને અંગ્રેજીમાં Regulaus અને પારસી ભાષામાં જવાહા નામથી ઓળખવામાં આવે છે.
નક્ષત્રોના પ્રકારની દૃષ્ટિએ નિરખતાં મઘા નક્ષત્રને ક્રૂર નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. નક્ષત્રોના મૂળ પ્રકાર જોતાં મઘા નક્ષત્રને અધોમુખી નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે.
હિંદુ પંચાંગની દૃષ્ટિએ મહા માસની પૂર્ણિમાએ ખાસ તેની મહિમા વધી જતી હોવાથી તે મહા માસની પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. માઘી પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્તિ મેળવે છે. મહા માસની પૂર્ણિમાએ આવતું મઘા નક્ષત્ર મહા માસના સકળ પુણ્યોને વધારનારું હોય છે. જ્યોતિષશાસ્ત્રના કથન પ્રમાણે મઘા નક્ષત્રના સ્વામી(દેવ) પિતૃ હોવાથી પંચાંગસ્થિત મઘા નક્ષત્રમાં પિતૃ પૂજન-અર્ચન, પિતૃઓ માટે દાન-પુણ્ય કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. મઘા નક્ષત્રના ગણ રાક્ષસ તેમજ ઋષિ અંગીરા, સંખ્યા પાંચ છે
શાબ્દીક અર્થ જોતા મઘા નક્ષત્રનો અર્થ થાય છે બળવાન અથવા મહાન. મઘા નક્ષત્રનું પ્રતીક ચિહ્ન રાજાનું સિંહાસન માનવામાં આવે છે. મઘા નક્ષત્ર સિંહ રાશિમાં આવે છે જેનો નક્ષત્ર સ્વામી કેતુ ગ્રહ છે. મઘા નક્ષત્ર રાશિચક્રમાં 120 અંશ 00 કલાથી 133 અંશ 20 કલા સુધી વિસ્તૃત રહે છે. મઘા નક્ષત્રના પાંચ તારાના સમૂહને જ્યોતિષાચાર્યોએ શક્તિ, મહાનતા, શ્રેષ્ઠતા, ધન-વૈભવ, તેમજ ઐશ્ર્વર્ય સંપન્ન બતાવવામાં આવ્યા છે. મઘા નક્ષત્ર મનુષ્યના પાછલા જન્મનાં સારા-ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. જે વ્યક્તિનો મઘા નક્ષત્રમાં જન્મ થયો હોય તેમણે ખાસ કરીને દર અમાસે પિતૃ પૂજન કરવાથી વિશેષ લાભ જીવનમાં જોવા મળે છે. મઘા નક્ષત્ર રાશિ સિંહ, નક્ષત્ર સ્વામી કેતુ, યોગ ગંડ તેમજ સિંહ રાશિસ્થિત નક્ષત્રના ક્રાંતિવૃત્તના અંશ અને રાશિ ચરણ અનુસાર સિંહ રાશિના ચોથા ચરણમાં 120 અંશ 0 કળા થી 133 અંશ 20 કળા સુધી જોવા મળે છે.
સર્વ નક્ષત્રોની સંજ્ઞાના વર્ગીકરણ કરતાં મઘા નક્ષત્ર ઉગ્ર-ક્રૂર નક્ષત્રોની ધ્રુવાદિ સંજ્ઞાઓમાં સ્થાન ધરાવે છે. નક્ષત્રની જાતિનો તથા તારાઓના સમૂહોનો વિચાર કરતાં મઘા નક્ષત્રની જાતિ સ્ત્રી અને આકાર પાંચ તારાઓના સમૂહ ગૃહ(ઘર) જેવો આકાર અવકાશમંડળમાં જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રના મત અનુસાર જે બાળકનો જન્મ મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં થાય છે તેના માતાને કષ્ટ રહે છે. જે બાળકનો જન્મ મઘા નક્ષત્રના બીજા ચરણમાં થાય છે તેના પિતાને કષ્ટ રહે છે તેમજ જે બાળકનો જન્મ મઘા નક્ષત્રના ત્રીજા અને ચોથા ચરણમાં થાય છે તે અતિ શુભ ગણવામાં આવે છે. જે વ્યક્તિનો જન્મ મઘા નક્ષત્રમાં થયેલ છે. તેમનો જન્મનો પાયો ચાંદીનો હોવાથી તે શુભ પાયો હોય તેવું માનવામાં આવે છે.
સામાન્યતઃ મઘા નક્ષત્ર દરમ્યાન ખેતી, વ્યાપાર, ગૌ-પાલન, ધાન્ય કાપવું, યૌદ્ધિક ઊપકરણો સંબંધિત કાર્યો, વૈવાહિક કાર્ય, નૃત્ય-ગીત-ગાયન વગેરે કર્મો કરવા અતિ ઉત્તમ માનવામાં આવે છે.
તદુઉપરાંત મઘા નક્ષત્ર અધોમુખી હોવાથી દેવ મંદિરોની સ્થાપના કરવી, ભોંયરા બનાવવાં, ભંડારોની રચના કરવી, ગુપ્ત કાર્યો કરવાં, જમીન બાબતોના કાર્યો કરવાં, ખાણો-ગુફાઓ બનાવવી, જળાશયો બનાવવાં, ગણિત, જ્યોતિષ વગેરેનો અભ્યાસ કરવાની શરૂઆત કરવી - આ બધાં કાર્યો માટે પણ મઘા નક્ષત્ર શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મઘા નક્ષત્રની યોનિ મૂષક, ગણ રાક્ષસ, નાડી અંત્ય હોય છે.
જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર મઘા નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર જાતકોના લક્ષણોમાં પરિવાર પ્રત્યે વફાદારી, કલાપ્રેમી, રાજકરણી, તેમજ સરકારી કાર્યો કરનાર, વ્યવસાય કુશળ, કાયદાને માનનારા, શિક્ષણને અનુસરનારા, મહત્વાકાંક્ષી, ઉચ્ચ પદ ધારણ કરનાર, ઇમિટેશન જ્વેલરીના વિક્રેતા, દવાની દુકાન, સિઝનેબલ વ્યવસાયમાં સારી કમાણી કરનાર, મોટી કંપનીઓમાં માલ સપ્લાયર, ડોકટર, શ્રેષ્ઠ સર્જન તરીકે નામના મેળવનાર હોય છે.
સામાન્ય રીતે જોતા વર્ષના બાર માસમાં મહા તેમજ શ્રાવણ માસ દરમ્યાન મઘા નક્ષત્રનું પ્રભુત્વ વધુ જોવા મળે છે. મઘા નક્ષત્ર મેષ રાશિમાં ઘાતક બને છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે મઘા નક્ષત્ર દૂષિત થાય એટલે કે નક્ષત્ર દોષ હોય તો શારીરિક લક્ષણોમાં શારીરિક દુખાવો થવો તેમજ હાથ-પગમાં સોજા રહેવા અથવા તો શરીરના અમુક હિસ્સામાં અસહ્ય દુખાવો રહેવાની સંભાવના વધુ જોવા મળે છે. જ્યારે પણ ગોચરમાં મઘા નક્ષત્ર દૂષિત હોય તો થાક લાગવો, અશક્તિ રહેવી જેવી સમસ્યા પણ થઇ શકે છે.
મઘા નક્ષત્ર દરમ્યાન પિતૃઓને ચંદનનો ધૂપ કરવો, સફેદ ચંદન, ચંપાનું ફૂલ, દીપ તેમજ નિવેધ કરવું. મઘા નક્ષત્રદોષથી રાહત મેળવવા મઘા નક્ષત્ર દરમ્યાન વસ્ત્ર, તલ, જવ, ડાંગર તેમજ અન્નદાન કરવાથી મુશ્કેલીઓ-કષ્ટોમાં રાહત જોવા મળે છે. મઘા નક્ષત્ર દરમ્યાન વિશેષ લાભ જોવા મળે છે. મઘા નક્ષત્ર દરમ્યાન ભૃંગરાજ વૃક્ષના મૂળનો કટકો વિધિવત્ ધારણ કરી શકાય છે.
॥ ૐ પિતૃભ્યઃ સ્વધાયિભ્યઃ સ્વધાનમઃ
પિતામહેભ્ય સ્વધાધિભ્યઃ સ્વધા નમઃ ।
પ્રપિતા મહેમ્ય સ્વધયાવિમ્ય:
સ્વધાનમ: અક્ષત્રાયિત્રીમીમદંત ।
પિતરોડનીતૃપન્તનિપરઃ પિતરઃ
શુન્ધધ્વમ્ ૐ પિતૃભ્યાં નમ: ॥
ઉપરોક્ત મંત્રની ઓછામાં ઓછી સાત માળા અને `ૐ પિતૃભ્યાં નમ:' આ મંત્રના 10,000 હજાર જાપ કરવાથી મઘા નક્ષત્ર દોષમાં અવશ્ય રાહત જોવા મળે છે. મઘા નક્ષત્ર સિંહ રાશિના ચતુર્થ પાયા પર મૂળાક્ષરો એકંદરે (મ, મી, મું, મે) જે તેના ચારેય ચરણ સ્થિત ચરણાક્ષર તરીકે ઓળખવામાં આવે છે. કૃષિ જગતમાં એવું અનુમાન લગાવાય છે કે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો વરસાદ ઘીની ધારે આવે અને ખેતીમાં વધુ લાભ જોવા મળે.
મઘા નક્ષત્રના ચાર ચરણો
પહેલું ચરણ : મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ મંગળ ગ્રહના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવા જાતકોનું ભાગ્ય મંદ હોય છે. માતાને કષ્ટ થાય છે તેમજ વધુ મહેનત કરવા છતાં પણ સફળતા ઝડપથી મળતી નથી.
બીજું ચરણ : મઘા નક્ષત્રના બીજા ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ શુક્ર ગ્રહના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવા જાતકો સાહસિક, કલાપ્રેમી, શાસ્ત્રોના જ્ઞાતા હોય છે. જોકે, તેમના પિતાને કષ્ટ થાય છે.
ત્રીજુ ચરણ : મઘા નક્ષત્રના ત્રીજા ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ બુધ ગ્રહના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવા જાતકો ધનવાન, વિદ્યાવાન, સંસ્કારી તેમજ સદ્ગુણ ધરાવતા જોવા મળે છે.
ચોથું ચરણ : મઘા નક્ષત્રના ચોથા ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ સૂર્યના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવા વ્યક્તિઓ વિદ્વાન, પંડિત, અર્થશાસ્ત્રી, કિર્તીવાન તેમજ ભાગ્યવાન જોવા મળે છે. આવા જાતકો ધર્મ દ્વારા પણ ચોમેરે યશ-કિર્તીની પ્રાપ્તિ કરે છે.
મઘા નક્ષત્ર દરમ્યાન કરવાના ઉપાયો
રુચિ ઋષિકૃત પિતૃ સ્ત્રોત્રનો સાત વાર પાઠ કરવો.
શિવ પંચાક્ષર મંત્ર (ૐ નમઃ શિવાય)નો 1008 વાર જાપ કરવો.
પિતૃઓના પ્રિત્યર્થે દાન પુણ્ય કરવું જોઇએ.
મઘા નક્ષત્ર દરમ્યાન જો નક્ષત્ર દોષ હોય તો તેવા વ્યક્તિએ તલથી ભરેલો ઘડો દાન કરવો જોઇએ.
ઘીનો દીવો પીપળાના વૃક્ષ નીચે મુકીને 108 વાર `ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્ર બોલીને પ્રદક્ષિણા કરવી.
શ્રીમદ્દ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાયનો પાઠ કરવો.
સવારના સમયે કળશમાં શુદ્ધ જળ ભરીને તેમાં કાળા તલ અને સફેદ ફૂલ તથા ચંદન મિશ્રિત કરીને દક્ષિણ દિશામાં પોતાના પિતૃઓનું સ્મરણ કરીને `ૐ શ્રી પિતૃભ્યાં નમઃ' મંત્ર 21 વાર બોલીને પિતૃઓને અર્ધ્ય આપવું જોઇએ.
ગરીબોને ધાબળો, વસ્ત્ર, છત્રી, પગરખાંનું દાન કરવું.
ગણપતિ અથર્વશીર્ષનો 7 વાર પાઠ કરવો જોઇએ.
કોઇ પણ અન્નક્ષેત્રમાં દાળ-ચોખાનું દાન કરવું.
કાળા કૂતરાંને દૂધ-બિસ્કીટ ખવડાવવાં.
વિષ્ણુ સહસ્ત્રનામનો એક વાર પાઠ કરવો.
કાગડાઓને ચણ નાખવું જોઈએ.
દૈવ્ય અપરાધ ક્ષમાપન સ્ત્રોત્રમ્નો સાત વાર પાઠ કરવો.
યમુનાષ્ટકમ્નો 3 વાર પાઠ કરવો.










