મરી
આપણા વઘારમાં તજ, લવિંગ, તમાલપત્ર અને મરી પણ વપરાતાં હોય છે. શરદી, ઉધરસ તથા શ્વાસના દર્દીએ મરી ખાસ ખાવાં. લીલાં મરીનું અથાણું લાવીને રોજ જમતી વખતે ખાવું. રોજિંદા ભોજનમાં રોજ પાંચ લીલાં મરી ખાવાથી કોલેસ્ટેરોલ કાબૂમાં રહે છે. કફની ઉધરસમાં ચપટીક મરીના ચૂર્ણમાં મધ મેળવી દિવસમાં ત્રણેક વાર ચાટી જવું. સૂંઠ-મરી અને પીપરના સમભાગે સંયોજનથી ત્રિકટૂ બને છે. ચપટીક ત્રિકટૂ ચૂર્ણ મધ સાથે મેળવીને ચાટી જવાથી શરદી, ઉધરસ અને શ્વાસ કાબૂમાં આવે છે.
ધાણા
મસાલામાં વપરાતા ધાણા પણ આપણા રસોડાનું એક અગત્યનું ઔષધ છે. ધાણા-જીરું મોટાભાગે સંયુક્ત રીતે જ વપરાતા હોય છે. આમ છતાં લીલા-ધાણા-કોથમીર તો સ્વતંત્ર રીતે જ ઘર ઘરમાં વપરાય છે. કોથમીરનો દાળશાકમાં લીલા મસાલા રૂપે ઉપયોગ થાય છે. મીઠો લીમડો, કુમળું આદું, લીલું લસણ, લીલાં મરચાં અને કોથમીર આ રસોડામાં વપરાતો લીલો મસાલો છે. કોથમીર ઠંડી હોવાથી દાહ, તરસ, દૂઝતા મસા અને ગરમીના કારણે આવતા પિત્તજ્વર (તાવ)માં ઉપયોગી છે. કોથમીર રુચિકર હોવાથી પાચન સુધારે છે. વિટામિન એ એમાં પુષ્કળ પ્રમાણમાં છે.
નસકોરી ફૂટી હોય કે ઝાડા-પેશાબ વાટે લોહી જતું હોય તો ધાણા, કાળી દ્રાક્ષ, ખાંડ અને અરડૂસીના રસનું શરબત બનાવી પીવાથી તાત્કાલિક પરિણામ મળે છે.
રસોડામાં વપરાતાં આવાં તો અનેક ઔષધ દ્રવ્યો છે. કોકમ, કુમળું આદું, મીઠો લીમડો, લીંબુ, ગોળ, લીલા શાકભાજી આ બધાં આહાર દ્રવ્યો હોવા છતાં એનો ઔષધ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. શરીરને નિરોગી રાખવામાં મરી-મસાલા, શાકભાજી, અનાજ, કઠોળ, ઘી, તેલ અને ફળફળાદિનો ફાળો ખૂબ જ મોટો છે.