છેલ્લું અઠવાડિયું આપણા દેશ માટે ચિંતાજનક રહ્યું. પહલગાંવમાં ટેરેરિસ્ટ એટેક બાદ આપણાં દેશે ઓપરેશન સિંદૂર કર્યું અને એ પછી પાકિસ્તાને વળતા પ્રહારો કર્યાં.

સરહદ ઉપર વાતાવરણ ગંભીર બન્યું અને વૉરની સ્થિતિ સર્જાશે એવી હાલત થવા મંડી હતી . અલબત્ત આ લખાઇ રહ્યું છે ત્યારે બંને દેશો વતી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધવિરામ જાહેર કરી દીધો છે. જોકે આવા સમયે મોટાભાગના લોકોએ પોતાનો આ વેકેશનમાં ફરવા જવાનો પ્લાન ઓલમોસ્ટ કેન્સલ કરી નાખ્યો હશે. જે સમજુ હશે એણે ચોક્કસ આ પગલું લઇ જ લીધું હશે, પણ હવે તણાવસભર વાતાવરણ દૂર થયું છે, તો ફરી લોકો પોતાનો ફરવાનો પ્લાન બનાવી શકશે, પણ આજે ભારતની કોઇ ફરવાની જગ્યાના બદલે આપણે આપણા દેશના અલગ અલગ વૉર મેમોરિયલ વિશે વાત કરીએ. અને ભૂતકાળમાં જે જે વીર જવાનોએ યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો છે એમને આના થકી યાદ કરી લઇએ.

જમ્મુ વૉર મેમોરિયલ

ભારતનું સૌથી લાંબુ યુદ્ધ સ્મારક જમ્મુમાં બન્યું છે. આ સ્મારક બલિદાન સ્તંભના નામે ઓળખાય છે. તે આશરે 20 એકર જમીનમાં ફેલાયેલું મેમોરિયલ છે. ભારત સ્વતંત્ર થયું એ પછી થયેલાં યુદ્ધો અને દુશ્મન દેશ દ્વારા થયેલા હુમલાઓમાં શહીદ થયેલા જવાનોને સમર્પિત છે. અહીં રાઇફલ આકારનો 60 મીટરનો ટાવર બનાવાયો છે. તેમજ 52 જેટલા પિલર્સ હારના આકારમાં લગાવવામાં આવ્યા છે. આ ટાવર ઉપર કાળા પથ્થરમાં 8000 જેટલાં શહીદોનાં નામ કોતરવામાં આવ્યાં છે.

ચંદીગઢ વૉર મેમોરિયલ

ચંદીગઢમાં સેક્ટર 3 બોગનવેલ ગાર્ડન ખાતે 17 ઓગસ્ટ, 2006માં એક યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ સ્મારક એ સમયના તત્કાલીન રાસ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. અહીં કાળા ગ્રેનાઇટનીની દીવાલો ઉપર સોનાના અક્ષરોમાં આપણા દેશની ત્રણેય આર્મ ફોર્સમાં દેશની સેવામાં શહીદ થયેલા જવાનોનાં નામ કોતરવામાં આવ્યાં છે. અહીં આશરે 8500 જેટલા શહીદોનાં નામ છે. આ વૉર મેમોરિયલ બનાવવાનો ખર્ચ એ સમયે 78 લાખ થયો હતો.

શહીદ સ્મારક, ધરમશાલા

 ધરમશાલામાં પાઇન વૃક્ષોની વચ્ચે સ્થિત શહીદ સ્મારક ત્યાંના એન્ટ્રી પોઇન્ટ ઉપર બનાવવામાં આવ્યું છે. આનું નિર્માણ 28 સપ્ટેમ્બર, 1977ના રોજ થયું હતું. આ સ્મારક હિમાચલ રાજ્યના લોકોને સમર્પિત કરવામાં આવ્યું છે. અહીં ભીંતચિત્રોમાં બધા જ હિમાચલી શહીદોનાં નામ સુવર્ણ અક્ષરોમાં કોતરાયેલાં છે.

વૉર મેમોરિયલ, IMA, દહેરાદૂન

ચેતવોડ હલની નજીક ભારતીય લશ્કરી એકેડેમી દહેરાદૂન ખાતેના પરિસરમાં એક વૉર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. આ સ્મારક ચેતવોડ ટાવર જેવું જ છે. રાષ્ટ્રના શહીદ સૈનિકોની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન 17 નવેમ્બર, 1999ના રોજ સુપ્રસિદ્ધ આર્મી ઓફિસર ફિલ્ડ માર્શલ સેમ માણેકશોએ કર્યું હતું. અહીં પણ અસંખ્ય શહીદોનાં નામ અંકિત કરાયેલાં છે.

ઇન્ડિયા ગેટ, નવી દિલ્હી

ઇન્ડિયા ગેટ વૉર મેમોરિયલને સર્વોચ્ચ મેમોરિયલ કહેવામાં આવે છે. આ જગ્યાને મૂળ ઓલ ઇન્ડિયા વૉર મેમોરિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ અને અફઘાન યુદ્ધો દરમિયાન પોતાના જીવ ગુમાવનાર ભારતીય વીર જવાનોની યાદમાં તે બનાવવામાં આવ્યું હતું. એડવિલ લુટિયન્સ દ્વારા બનાવવામાં આવેલી 42 મીટર ઊંચી ભવ્ય કમાનમાં યુદ્ધોમાં મૃત્યુ પામેલા સૈનિકોનાં નામ કોતરવામાં આવ્યાં છે. અહીં 1971થી અમર જવાન જ્યોતિ પણ છે, જે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવે છે.

આ દરેક જગ્યાએ એકવાર આપણાં શહીદોને યાદ કરવા જવું જોઇએ.