• આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિનું મન અને મગજ બંને એવું જ બને છે, જેવું એનું ભોજન હોય છે

સામાન્ય રીતે મંદિરનો પ્રસાદ મંદિરના પ્રસાદગૃહમાં તૈયાર થાય છે, જ્યાં ચોખ્ખા ઘીની મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. પણ દુર્ગા પીથમ મંદિરમાં એવી કોઈ મીઠાઈની સુગંધ પણ નહીં આવે. અહીંના પ્રસાદમાં બ્રાઉની, બર્ગર અને સલાડનો ભોગ ધરાવવામાં આવે છે. અહીં ભક્તો એવું માને છે કે, દુર્ગાનું એક રૂપ અન્નપૂર્ણા પણ છે એટલે કે અન્નની દેવી.

સામાન્ય રીતે કોઈ પણ હિન્દુ મંદિરમાં ભગવાનને માખણ, મીસરી અને મીઠાઈનો પ્રસાદ-ભોગ ધરવામાં આવે છે. જેમાં મોટા ભાગે પેંડા, બરફી, મીસરી, લાડુ અને શીરા જેવી મીઠાઈઓ હોય છે, પરંતુ ચેન્નઈના પદુપાઈ નામના એક નાનકડા શહેરમાં આવેલા મંદિરે આ પરંપરામાં સદીઓ બાદ ફેરફાર કર્યો છે. અહીંયાં જયા દુર્ગા પીથમ મંદિરમાં ભગવાનને આ કોઈ મિષ્ટાન્નનો ભોગ લાગતો નથી. પણ અહીં તો ભગવાન સ્પાઈસી ફૂડ અને બ્રાઉનીનો ભોગ જમે છે. આ ઉપરાંત મંદિરમાં દેવીને ક્યારેક પેસ્ટ્રીઝ પણ ધરવામાં આવે છે.

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્વયં ભોજન કરતાં પહેલાં ભગવાનને પ્રસાદ ધરાવવો જોઈએ. એનું ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. ભોજન કેવા વિચારો સાથે ગ્રહણ કરવામાં આવે છે તેના ઉપર તેની અસર નિર્ભર કરે છે. જો તમે ક્રોધમાં અથવા ઉતાવળે ભોજન ગ્રહણ કરશો તો તેની તમારા ઉપર નકારાત્મક અસર પડશે.

આજથી હજારો વર્ષ પહેલાં આપણા ઋષિ-મુનિઓએ જે કહ્યું હતું એ આજે વિજ્ઞાન પણ કહે છે. આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિનું મન અને મગજ બંને એવું જ બને છે, જેવું એનું ભોજન હોય છે. ત્યારથી જ આ કહેવત પણ પ્રચલિત થઇ ગઈ કે `જેવાં અન્ન એવાં મન'. મનુષ્યોના જીવનમાં ભોજનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને ઉપયોગિતાના કારણે જ આધ્યાત્મિક અથવા ધાર્મિક પુસ્તકોમાં ભોજનને પ્રસાદ તરીકે જ લેવાની વાત કહેવામાં આવી છે. ભગવાનને ધરાવ્યા બાદ ભોજન પ્રસાદ બની જાય છે. અને તેમાં રહેલા તમામ સદગુણ આરોગનારને પ્રાપ્ત થાય છે. આવું કરવાથી મન-મગજ પર હકારાત્મક અસર થાય છે. જેનાથી ભોજન સ્વાસ્થ્યને વધારવાવાળું તથા બીમારીઓને દૂર કરવાવાળું બની જાય છે.

હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસાદ ધરાવવાની પરંપરા તો ઇતિહાસના ઉષઃકાળથી ચાલી આવે છે, પરંતુ કેટલાક એવા વિશેષ પ્રસંગો પર ભગવાનને 56 ભોગ પણ ધરાવવામાં આવે છે. 56 ભોગને લઈને આજ સુધી ઘણુંબધું લખવામાં આવ્યું છે અને લોકો પણ ખૂબ શ્રદ્ધાથી આ પરંપરા નિભાવતા આવ્યા છે. શું કારણ છે કે ભગવાનને 56 ભોગ જ ધરાવવામાં આવે છે, તેનાથી ઓછા પણ નહીં અને વધુ પણ નહીં. આ પરંપરા પાછળ ઘણાં દાર્શનિક કારણો છે, જે આ મુજબ છે - એટલે ભગવાનને લગાવવામાં આવે છે 56 ભોગ

વિદ્ધાનો મુજબ, ભગવાન વિષ્ણુનાં અનેક આસન છે, કમળ પણ તેમાંથી એક છે. જે કમળ પર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, તેની પાંખડીઓની સંખ્યા 56 છે.

 આ ત્રણ ચરણોમાં છે, પહેલામાં 8, બીજામાં 16 અને ત્રીજામાં 32 પાંખડીઓ હોય છે. એટલે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવે છે.

 ભગવાનને 56 ભોગ ધરાવવાનું બીજું કારણ દાર્શનિક છે કે ધર્મગ્રંથોમાં પ્રાણીની 84 લાખ યોનિઓ જણાવવામાં આવી છે, જેમાંથી શ્રેષ્ઠ યોનિ છે મનુષ્ય યોનિ.

 જો મનુષ્ય યોનિને અલગ કરી દેવામાં આવે તો 83,99,999 સંખ્યા થાય છે. આ બધી યોનિઓ પશુ-પક્ષીની છે. તેમને જોડવાનો યોગ 56 હોય છે.

 વિદ્વાનોનું માનવું છે કે મનુષ્ય જન્મને છોડીને બાકીના જન્મોથી મુક્તિ મેળવવા માટે જ આપણે 56 ભોગનો પ્રસાદ ભગવાનને ધરાવીએ છીએ. એવું માનીને કે આપણે આપણાં અન્ય 83,99,999 જન્મ ભગવાનને અર્પિત કરી દીધા છે.

  • Follow us on: