- 2018માં ફ્રાન્સની ટીમને ત્રણ કરોડ 80 લાખ ડૉલરની ઇનામી રકમ
- અને રનર્સ-અપ ટીમને ત્રણ કરોડ ડૉલર્સનું ઇનામ મળશે
- ક્વોલિફાય થયેલી પ્રત્યેક ટીમને તૈયારી માટે 15 લાખ ડૉલર અપાયા છે.
ફિફાએ કતાર વર્લ્ડ કપમાં કુલ 44 કરોડ ડૉલર્સની (લગભગ 36 અબજ રૂપિયા) પ્રાઇઝ મની રાખી છે. ચેમ્પિયન ટીમને ચાર કરોડ 20 લાખ ડૉલર અને રનર્સ-અપ ટીમને ત્રણ કરોડ ડૉલર્સ મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને બે કરોડ 70 લાખ ડૉલર, ચોથા ક્રમે રહેનારી ટીમને અઢી કરોડ ડૉલર, પાંચમાંથી આઠમા ક્રમે રહેનાર પ્રત્યેક ટીમને એક કરોડ 70 લાખ ડૉલર, નવમાંથી 16મા ક્રમાંકે રહેનારી પ્રત્યેક ટીમને એક કરોડ 30 લાખ ડૉલર આપવામાં આવશે. 17મા ક્રમાંકથી 32મા ક્રમાંકે રહેનારી ટીમોને 90 લાખ ડૉલર આપવામાં આવશે. ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થયેલી પ્રત્યેક ટીમને તૈયારી માટે 15 લાખ ડૉલર આપવામાં આવ્યા છે. 2018માં વર્લ્ડ કપ જીતનાર ફ્રાન્સની ટીમને ત્રણ કરોડ 80 લાખ ડૉલરની ઇનામી રકમ આપવામાં આવી હતી.
આરબ દેશમાં પ્રથમ વખત ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે અને આ વખતે કેટલીક નવી બાબતો મેગા ઇવેન્ટને વધારે રસપ્રદ બનાવશે. વર્લ્ડ કપમાં પ્રથમ વખત સેમિ-ઓટોમેટેડ ઓફ સાઇડ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. આ વીએઆર સિસ્ટમની મૉડર્ન ટેક્નોલોજી છે. મેચો દરમિયાન નવી સિસ્ટમને કારણે ઓછા સમયમાં સચોટ નિર્ણય લેવામાં વધારે મદદ મળશે. ફિફા અરબ કપ 2021 તથા ફિફા ક્લબ વર્લ્ડ કપ 2021માં આ સિસ્ટમનો સફળ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.










