• રેડિયોએ અનેક સામાજિક, રાજકીય અને આર્થિક ક્રાંતિઓને સફળ બનાવી છે

એ એક પ્રકારનો જાદુ હતો. ત્યાંથી રેડિયો પાઇલટ, જહાજના કેપ્ટન, ટ્રક ડ્રાઇવરો, પોલીસ, કટોકટી સેવાઓ અને અન્ય ઘણા લોકો માટે સંદેશાવ્યવહારના વિશ્વસનીય માધ્યમમાં વિકસિત થયો હતો. પાછળથી તે ઘરોમાં એક જીવંત સાથી તરીકે વિકસ્યો

અભિનેત્રી સારા અલી ખાન, તેની કારકિર્દીની એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મમાં આવી રહી છે. `અય મેરે વતન' નામની આ ફિલ્મમાં તે ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાની ભૂમિકા કરી રહી છે. ઉષા મહેતાએ મુંબઈમાં અન્ડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન મારફતે ગાંધીજીની `ભારત છોડો' ચળવળને બળ પૂરું પાડ્યું હતું. બે વર્ષ પહેલાં આપણે આ જગ્યાએથી આના વિશે લખ્યું હતું. થોડું રિકેપ:

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ એટલી મોટી ચળવળ હતી કે તેમાં નાનીનાની અનેક ઘટનાઓ લોકોની યાદદાસ્તમાં રહી નથી. એવી એક ઘટના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના છૂપા રેડિયોની હતી. 1942ની ભારત છોડો ચળવળ દરમિયાન આ કોંગ્રેસ રેડિયો ત્રણ મહિના માટે સક્રિય રહ્યો હતો. એ રેડિયો મુંબઈના વિવિધ ભાગોમાંથી ચળવળની માહિતી પ્રસારિત કરતો હતો. ઉષા મહેતા આ અન્ડરગ્રાઉન્ડ રેડિયોનાં કર્તાહર્તા હતાં.

તેની પરથી આઝાદીના સંદેશા પ્રસારિત થતા હતા. બ્રિટિશ પોલીસને ખબર ન પડે એટલે રેડિયોનું સ્થાન બદલાતું રહેતું હતું. રેડિયોને કારણે કોંગ્રેસી નેતાઓ જનતાના સંપર્કમાં રહ્યા હતા. ગાંધીવાદી કાર્યકર ઉષા ઠક્કરે ઉષા મહેતા અને તેમના રેડિયો પર એક સુંદર પુસ્તક લખ્યું છે. તેનું નામ છે- કોંગ્રેસ રેડિયો: ઉષા મહેતા એન્ડ ધ અન્ડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન ઓફ 1942. ઉષા ઠક્કરે એક વાર ઉષાબહેનને પૂછ્યું હતું કે, `તમે આ ચળવળમાં કેવી રીતે કુદ્યાં?' ત્યારે ઉષાબહેને કહ્યું હતું, `બીજો કોઈ રસ્તો જ ન હતો. ગાંધી કી આંધી થી.'

ઉષાબહેન ત્યારે મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતાં હતાં અને કોંગ્રેસના અધિવેશનમાં હાજર હતાં. ભારત છોડો ચળવળ વખતે પ્રેસનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને ચળવળના સમાચારો લોકો સુધી પહોંચતા ન હતા. તેવા સમયમાં ઉષાબહેને સૂચન કર્યું કે લોકો સુધી વાત લઇ જવાનો એક રસ્તો રેડિયો છે.

21મી સદીની ટેક્નોલોજીના આજના જમાનામાં રેડિયોની વાત કોઈને જુનવાણી અને ક્લાસિક લાગે, પરંતુ માનવજીવનમાં રેડિયો ટેક્નોલોજીનો પ્રભાવ ઐતિહાસિક રહ્યો છે. તેણે ઘણી સામાજિક, રાજકીય અને આર્થિક બદલાવ અને ક્રાંતિઓને સફળ બનાવી છે. આપણે હમણાં થોડા દિવસ પહેલાં જ રેડિયો બ્રોડકાસ્ટર અમીન સાયાનીના અવસાન પ્રસંગે જોયું હતું કે તેમના બિનાકા ગીતમાલા કાર્યક્રમે કેવી રીતે એક આખી પેઢીના જીવનમાં આનંદનું ઇંધણ પૂર્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં, સૈનિકોનો જુસ્સો બરકરાર રાખવા માટે રેડિયો મનોરંજનનું સૌથી સસ્તામાં સસ્તું સાધન હતું અને તે પ્રોપેગેન્ડા ફેલાવવાનું તેમજ સેનાઓની હલચલની માહિતી પહોંચાડવાનું સૌથી અસરકારક માધ્યમ હતું.

કદાચ રેડિયોના કારણે જ દ્વિતીય વિશ્વયદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધની સરખામણીમાં વધુ લોહિયાળ સાબિત થયું હતું. યુદ્ધ ફાટી નીકળવાના થોડા જ મહિના પછી, જર્મન પ્રચારકો એક દિવસમાં લગભગ 11 કલાકના પ્રોગ્રામિંગનું પ્રસારણ કરી રહ્યા હતા, જેમાં મોટાભાગનાં પ્રસારણ અંગ્રેજીમાં પણ હતાં. તેમનું ધ્યાન બ્રિટિશતરફી લાગણીને ખતમ કરવા પર હતું અને પ્રચારકોએ મૂડીવાદીઓ, યહૂદીઓ અને ચોક્કસ અખબારો અને રાજકારણીઓ જેવાં ચોક્કસ જૂથોને પ્રભાવિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

જર્મનીના પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સે તો રેડિયોને `આઠમી મહાન અજાયબી' ગણાવી હતી અને નાઝી જર્મનીના વિચારને પ્રોત્સાહન આપવામાં રેડિયોના પ્રભાવની નોંધ લીધી હતી. ગોબેલ્સે એક એવા આદેશને મંજૂરી આપી હતી જેમાં સરકાર દ્વારા લાખો સસ્તા રેડિયો સેટને સબસિડી આપવામાં આવી હતી અને નાગરિકોને વહેંચવામાં આવ્યા હતા.

જર્મનોએ કબજા હેઠળના પ્રદેશો અને દુશ્મન રાજ્યોને પણ તેમના સંદેશાઓ પહોંચાડ્યા હતા. તેમનાં મુખ્ય લક્ષ્યોમાંનું એક યુનાઇટેડ કિંગડમ હતું જ્યાં વિલિયમ જોયસ (લોર્ડ હો-હો) નિયમિતપણે પ્રસારણ કરતા હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં, રોબર્ટ હેનરી બેસ્ટ અને મિલ્ડ્રેડ ગિલર્સ નામના પ્રસારણકર્તા હતા.

રેડિયોની શોધ ઇટાલિયન વૈજ્ઞાનિક ગિલેર્મો માર્કોની દ્વારા કરવામાં આવી હતી. તેણે શાંત પાણીમાં પથ્થરનો ટુકડો ફેંકીને ઉત્પન્ન થતા તરંગોમાંથી પ્રેરણા મેળવીને રેડિયોની શોધ કરી હતી. રેડિયોની શોધ 140 વર્ષ પહેલાં, 1880માં થઈ હતી અને તે પછી તેનો ઉપયોગ ધીમેધીમે સમગ્ર વિશ્વમાં ફેલાયો. અને 1906માં રેડિયો દ્વારા સંદેશ મોકલવાનું શરૂ થયું અને તે તકનીક સમગ્ર વિશ્વમાં ફેલાઈ અને લોકોને તે ખૂબ ગમ્યું હતું.

રેડિયોએ આપણે એકબીજા સાથે આપણાં વિચારો, મંતવ્યો અને કામોને કેવી રીતે શૅર કરીએ છીએ અને પ્રોત્સાહન આપીએ છીએ તેની પૂરી સંપર્ક વ્યવસ્થા બદલી નાખી હતી. એટલું જ નહીં; અમુક સમયે રેડિયો આપણો વફાદાર અને જ્ઞાનવર્ધક સાથી હતો. તે આપણને સંગીતનો આનંદ આપતો હતો અને આપણને દેશ- દુનિયામાં શું થઈ રહ્યું છે તેના સમાચારો આપતો હતો,

પરંતુ તે રોજિંદી ઘરગથ્થુ વસ્તુ બને તે પહેલાં, તે વિશ્વભરના ગ્રાહકો માટે ઉત્પાદનોના સંદેશાવ્યવહાર અને જાહેરાત માટે વૈવિધ્યસભર મલ્ટિ-ફ્રિક્વન્સી પ્લેટફોર્મ બને તે પહેલાં, તે મુસાફરોનો નિયમિત સાથી બને તે પહેલાં, રેડિયો ટેક્નોલોજી ફક્ત એક સ્પેક્ટ્રમ હતી, એક એવી અસંખ્ય લગભગ શુદ્ધ સૈદ્ધાંતિક ફ્રીક્વન્સીઝ કે જે વિજ્ઞાનની દૃષ્ટિએ સૌથી તેજ અને સૌથી અનુકૂળ સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લઇ શકાય તેવી હતી.

વિજ્ઞાન ચોક્કસપણે સાચું હતું, અને તે દિવસથી દુનિયા પહેલાં જેવી રહી નથી.

એ એક પ્રકારનો જાદુ હતો. ત્યાંથી રેડિયો પાઇલટ, જહાજના કેપ્ટન, ટ્રક ડ્રાઇવરો, પોલીસ, કટોકટી સેવાઓ અને અન્ય ઘણા લોકો માટે સંદેશાવ્યવહારના વિશ્વસનીય માધ્યમમાં વિકસિત થયો હતો. પાછળથી તે ઘરોમાં એક જીવંત સાથી તરીકે વિકસ્યો. યુદ્ધ અને સંકટો દરમિયાન રેડિયો અમૂલ્ય માધ્યમ બની ગયો હતો. ત્યારે વિશ્વભરના લોકો તેમના ઘરમાં રેડિયોની બાજુમાં બેસીને શ્વાસ રોકીને સમાચારની રાહ જોતા હતા. 40ના દાયકામાં ફ્રાન્સ, બેલ્જિયમ અને ડેનમાર્કમાં ભૂગર્ભ પ્રતિકાર ચળવળોની માહિતી પ્રસારિત કરવા માટે પણ રેડિયોનો ઉપયોગ થતો હતો. રેડિયોએ વિશ્વને ઘણીબધી રીતે બદલી નાખ્યું-તેની ગણતરી કરવા બેસીએ તો આખું પુસ્તક લખાય તેમ છે- પણ તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી બદલાવ તેજ ગતિએ માહિતી પહોંચાડવાનો હતો. એક રીતે આજની ઇન્ટરનેટ ટેક્નોલોજીનો જન્મ રેડિયોને જ આભારી છે.

  • Follow us on: