`અમારે એ તબક્કે એક ગીતની જરૂર હતી, અને શું ગીત હતું આ! 80ના દાયકાની ફિલ્મોમાં ગઝલોની ફેશન હતી. એ સલીમ ખાનનું જ સૂચન હતું કે આપણે જો અસલી ગઝલગાયકને ફિલ્મમાં લઈ આવીએ તો મજા પડી જાય. અમે પંકજ ઉધાસ પર પસંદગી ઉતારી હતી.' – મહેશ ભટ્ટ


તાજેતરમાં અવસાન પામેલા ગઝલગાયક પંકજ ઉધાસ જે ફિલ્મની ગઝલ `ચિઠ્ઠી આયી હૈ, વતન સે ચિઠ્ઠી આયી હૈ...'થી મશહૂર થયા, તે `નામ' બહુબધા લોકો માટે એક વિશેષ ફિલ્મ છે. `નામ' 1986ની સાલની બોક્સઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોચની દસ ફિલ્મોમાં સાતમા સ્થાને હતી. (દિલીપ કુમારની `કર્મા', શ્રીદેવીની `નગિના' અને અમિતાભ બચ્ચનની `આખરી રાસ્તા' પ્રથમ ત્રણમાં હતી).

એક તો આ સુપરહિટ ગઝલથી, પંકજ ઉધાસ તેમના જયેષ્ઠ ગાયકબંધુ, મનહર ઉધાસના પડછાયામાંથી બહાર નીકળીને એક આગવી ઓળખ સાથે ફિલ્મ ગાયકીમાં છવાઈ ગયા. એ પહેલાં તેમણે એક દાયકા સુધી સ્ટેજ શૉ અને મહેફિલો કરીને તેમણે ગઝલગાયકીમાં તેમનું નામ મજબૂત કર્યું હતું.

વાસ્તવમાં ફિલ્મમાં પંકજ ઉધાસ પાસે `ચિઠ્ઠી આયી હૈ...' ગવડાવવાનો વિચાર ફિલ્મના લેખક સલીમ ખાનનો જ હતો. ફિલ્મમાં આ ગઝલ એવા તબક્કે આવે છે, જ્યારે સંજય દત્તને ભાન થયું હોય છે કે તે દુબઈમાં ગેરકાયદે ઘૂસીને પરેશ રાવલની અપરાધની દુનિયામાં વિચિત્ર રીતે ફસાઈ ગયો છે અને તે ભારત પાછો જવા માટે તડપી રહ્યો છે.

મહેશ ભટ્ટ એક ઈન્ટરવ્યૂમાં કહે છે કે, `અમારે એ તબક્કે એક ગીતની જરૂર હતી, અને શું ગીત હતું આ! 80ના દાયકાની ફિલ્મોમાં ગઝલોની ફેશન હતી. એ સલીમ ખાનનું જ સૂચન હતું કે આપણે જો અસલી ગઝલગાયકને ફિલ્મમાં લઇ આવીએ તો મજા પડી જાય. અમે પંકજ ઉધાસ પર પસંદગી ઉતારી હતી. એ વહેલી સવારે સેટ પર આવતા અને બપોર પછી નીકળી જતા. એ બહુ મોટા સ્ટાર હતા. સાંજે અને રાત્રે તેમના શૉ રહેતા હતા. મને ખબર નથી કે આ બધું કેવી રીતે મેનેજ કરતા હતા!'

પંકજ ઉધાસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, `મને એ લોકો ગઝલગાયક તરીકે ફિલ્મમાં લેવા માંગે છે એવું નહોતું કહ્યું. રાજેન્દ્રકુમારે મને એટલું જ કહ્યું હતું કે મારે તેમની ફિલ્મમાં કામ કરવાનું છે. હું ગભરાઈ ગયો. મને ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા નહોતી. હું તો ગાવા માટે મુંબઈ આવ્યો હતો.'

તેમણે રાજેન્દ્રકુમારને વળતો ફોન જ ન કર્યો. એમાં કુમાર ભડક્યા અને તેમણે મોટાભાઈ મનહર ઉધાસને ફરિયાદ કરી કે, `તમારો ભાઈ કેટલો બદતમીઝ છે કે જવાબી ફોન પણ કરતો નથી!' મનહરભાઈએ પંકજને પૂછ્યું કે મામલો શું છે, તો તેમણે કહ્યું કે મારી પાસે એ લોકો એક્ટિંગ કરાવવા માંગે છે અને મારે એ ગાળિયામાં ફસાવું નથી.'

મનહરભાઈએ કહ્યું કે જે હોય તે પણ તારે સીધી વાત કરીને ચોખવટ કરવી જોઇએને! એટલે પંકજભાઈએ રાજેન્દ્ર કુમારને ફોન કરીને માફી માંગી અને કહ્યું કે મારે ફિલ્મમાં એક્ટિંગ નથી કરવી. રાજેન્દ્રકુમારે વળતું પૂછ્યું, `પણ તમને કોણે એક્ટિંગ કરવાનું કહ્યું છે? તમારે તો પંકજ ઉધાસ તરીકે એક ગઝલ ગાવાની છે!'

અને એ રીતે પંકજ ઉધાસ `નામ;માં દેખાયા. એ ગીતે ઇતિહાસ રચ્યો.

એ `ઇતિહાસ'નો એક કિસ્સો છે. આ ગઝલ અત્યંત લોકપ્રિય થઇ તેનું કારણ એ હતું કે તે વખતે ખાડી દેશોમાં રોજગારી માટે જવાનું બહુ ચલણ હતું એટલે ત્યાં (અને યુકે- અમેરિકામાં) એનઆરઆઈનો એક મોટો વર્ગ હતો. ફિલ્મમાં પણ એવા જ એક યુવાનની વાત હતી અને તેની મજબૂરી અને પીડાનો પડઘો આ ગઝલમાં હતો.

પંકજભાઈ એક વાર જયપુરમાં એક શૉ કરી રહ્યા હતા. ત્યાં એક ભાઈ આવ્યા અને તેમને એક પુસ્તક આપીને કહ્યું, `સા'બ. મેં આ પુસ્તક લખ્યું છે અને તમારે તે વાંચવું જ જોઈએ. મેં આ પુસ્તક તમને સમર્પિત કર્યું છે.'

પંકજભાઈએ કહ્યું હતું, `તે ભાઈ સિલિકોન વેલીમાં આઇટી ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. તે દરરોજ 1500 ડૉલર કમાતા હતા, પરંતુ જ્યારે તેણે મારું ગીત `ચિઠ્ઠી આયી હૈ' સાંભળ્યું, ત્યારે ખબર નહીં તેમને શું પ્રેરણા મળી પણ સિલિકોન વેલીની ઉત્તમ નોકરી છોડીને ભારત પાછા આવીને આઇટી ઉદ્યોગમાં પોતાનું કામ કરવા લાગ્યા હતા. આજે તે અબજોપતિ છે અને જ્યારે પણ મને મળે છે ત્યારે કહે છે કે જો હું `ચિઠ્ઠી આયી હૈ' ન સાંભળત તો ક્યારેય ભારત પાછો આવ્યો ન હોત.'

પંકજ ઉધાસના મખમલી અવાજમાં કેવો જાદુ છે, તેનો સૌથી પહેલો પરિચય બે જણને હતો ; એક શૉમેન રાજ કપૂરને અને બીજો ખુદ પંકજ ઉધાસને.

ફિલ્મ તૈયાર થઇ ગઈ હતી, પણ હજુ રિલીઝ થઇ નહોતી. પંકજ ઉધાસ એક કાર્યક્રમ માટે જયપુર જઈ રહ્યા હતા. ફ્લાઈટમાં તેમની આગળ જ સીટમાં રાજ કપૂર હતા. પંકજભાઈ તેમની પાસે ગયા અને તેમના ચરણસ્પર્શ કર્યાં.

રાજ કપૂર તો રાજ કપૂર હતા. તેમણે નિરાળા અંદાજમાં આશીર્વાદ આપ્યા;

`પંકજ ઉધાસ અમર હો ગયા.'

પંકજભાઈએ આશ્ચર્યથી રાજજી સામે જોયું. રાજજી હસ્યા અને બોલ્યા,

`ચિઠ્ઠી આયી હૈ.'

`નામ' ફિલ્મના નિર્માતા, અભિનેતા રાજેન્દ્રકુમાર રાજજીના સમકાલીન અને ખાસ દોસ્ત હતા. ચાર દિવસ પહેલાં તેમણે તેમના ઘરે રાજ કપૂરને ડિનર પર બોલાવ્યા હતા, અને તેમના હોમ થિયેટર `ડિમ્પલ'માં તેમને `નામ' ફિલ્મનું `ચિઠ્ઠી આયી હૈ...' ગીત બતાવ્યું હતું. ગીત જોઈ/સાંભળીને રાજ કપૂરની આંખો છલકાઈ ગઈ હતી. રાજજીનું હૃદય ભરાયેલું જોઈને રાજેન્દ્રકુમારને અહેસાસ થઇ ગયો કે આ ગઝલ કેટલી લોકપ્રિય થવાની છે!

પંકજ ઉધાસને તેમની કારકિર્દીનું ટેક ઓફ એ ગઝલથી થશે તેની પહેલી નિશાની જયપુર માટે ટેક ઓફ થયેલી એ ફ્લાઈટમાં મળી હતી, પણ તેમના અવાજમાં દમ છે એવો અહેસાસ તેમને બાળપણથી હતો.

1994માં રાજ્યસભા ટીવી પર `ગુફતેગૂ' નામના કાર્યક્રમમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ મશહૂર ઇંગ્લિશ રોક બેન્ડ `ધ બીટલ્સ'ના બાળપણથી જ ચાહક હતા. જોહ્ન લેનોન, પોલ મેકાર્થી, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટારનું બનેલું આ બેન્ડ `એપલ' નામની તેમની ખુદની એક સંગીત કંપનીના લેબલ હેઠળ એલપી (લોંગ પ્લેઇંગ રેકોર્ડ) બનાવતા હતા.

તેમની એ રેકોર્ડમાં બરાબર વચ્ચે લીલા રંગનો `એપલ' લૉગો આવતો હતો. પંકજ કહે છે, `હું મારા સ્કૂલના દિવસોમાં એ રેકોર્ડ્સ ખરીદી લાવતો હતો, અને એ એપલ જોઇને મને થતું હતું કે મારું પણ આવું જ એક લેબલ હોવું જોઈએ.'

પછી તો મોટા થયા પછી મોટાભાગે મનહર ઉધાસના નકશે-કદમ પર તે મુંબઈ આવ્યા અને ગઝલ ગાયિકીના કાર્યક્રમો કરવા લાગ્યા. તે દરમિયાન તે અલગ અલગ સંગીત કંપનીઓ સાથે પણ કામ કરતા હતા અને તેમની કારકિર્દી પાટે ચઢી પછી 1990માં તેમણે `વૅલ્વેટ વોઈસ' (મખમલી અવાજ) નામનું એક લેબલ બનાવ્યું અને પછી રેકોર્ડ્સ બનાવવાનું શરૂ કર્યું.

અલબત્ત, એમાં ધક્કો વાગ્યો હતો નામ ફિલ્મની ગઝલથી.

  • Follow us on: