રામેશ્વરમ મંદિરને રામનાથ સ્વામી મંદિર પણ કહેવામાં આવે છે. રામેશ્વરમ મંદિર તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે. જે રીતે ઉત્તર ભારતમાં કાશીનું મહત્ત્વ છે, એ જ રીતે દક્ષિણ ભારતમાં રામેશ્વરમનું મહત્ત્વ છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ બાર જ્યોતિર્લિંગોમાંનું એક મનાય છે.
રામેશ્વરમ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીથી ચારે બાજુથી ઘેરાયેલું છે. એ શંખના આકારનો દ્વીપ છે. સદીઓ પહેલાં આ દ્વીપ ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલો હતો, પરંતુ ધીરે ધીરે સાગરની લહેરોથી કપાઇને અલગ થઇ ગયો અને આ ટાપુ ચારેબાજુથી પાણીથી ઘેરાઇ ગયો. પછી એક જર્મન એન્જિનિયરે રામેશ્વરમને જોડવા પુલનું નિર્માણ કર્યું હતું.
ભગવાન શ્રીરામે શ્રીલંકાથી પરત ફરતી વખતે દેવોના દેવ મહાદેવની આ જગ્યા ઉપર પૂજા કરી હતી. એમના નામ પરથી રામેશ્વર મંદિર અને રામેશ્વર દ્વીપનું નામ પડ્યું. એવી માન્યતા છે કે રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામ પત્ની સીતા સાથે રામેશ્વરના તટ પર પરત ફર્યા હતા. દ્વીપમાં કોઇ મંદિર નહોતું. રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. રાવણ બ્રાહ્મણ કુળનો હોવાથી રામને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. એ પાપનું નિવારણ કરવા ઋષિ-મુનિએ રામને ભગવાન શિવની પૂજા કરવાનું સૂચન કર્યું હતું, તેથી ભગવાન શિવની મૂર્તિ લાવવા શ્રી હનુમાનને કૈલાસ પર્વત મોકલવામાં આવ્યા હતા. જ્યારે હનુમાન સમય પર શિવલિંગ લઇને પરત ન ફર્યા ત્યારે દેવી સીતાએ સમુદ્રની રેત વડે શિવલિંગ બનાવ્યું હતું. ભગવાન રામે આ જ શિવલિંગની પૂજા કરી હતી. પછીથી હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગની પણ ત્યાં જ સ્થાપના કરી દેવામાં આવી હતી.
15મી શતાબ્દીમાં રાજા ઉડૈયાન સેતુપતિ અને નાગુર નિવાસી વૈશ્યે 78 ફીટ ઊંચા ગોપુરમનું નિર્માણ કરાવ્યું હતું. સોળમી શતાબ્દીમાં મંદિરના દક્ષિણમાં બીજા ભાગની દીવાલનું નિર્માણ તિરુમલય સેતુપતિએ કરાવ્યું હતું. આમ, સમયની સાથે મંદિરનું નિર્માણ થતું ગયું.
આ મંદિર એક હજાર ફૂટ લાંબું અને 650 ફૂટ પહોળું છે. ચાલીસ ફૂટ ઊંચા બે પથ્થરો પર એટલા જ એક લાંબા પથ્થરને લગાવીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. રામેશ્વરમનું ગલિયારું વિશ્વનું સૌથી લાંબું ગલિયારું હોવાનું મનાય છે.
રામેશ્વરમ મંદિરના નિર્માણ માટેના પથ્થરોને શ્રીલંકાથી હોડી દ્વારા લાવવામાં આવ્યા હતા. એક દંતકથા અનુસાર રામેશ્વર મંદિર પરિસરની અંદરના બધા કૂવાને ભગવાન રામે પોતાનાં અમોઘ બાણોથી તૈયાર કર્યા હતા. તેમણે આ કૂવામાં અનેક તીર્થોનું પાણી છોડ્યું હતું. આ જ્યોતિલિંગની વિધિ અનુસાર પૂજા કરવાથી વ્યક્તિને બ્રહ્મહત્યા જેવાં પાપોમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે.
રામેશ્વરમ મંદિરનું પ્રવેશદ્વાર 40 ફીટ ઊંચું છે, જે ભારતીય નિર્માણ કલાનો એક આકર્ષક નમૂનો છે. મંદિરમાં અનેક વિશાળ સ્તંભ છે અને દરેક સ્તંભ પર અલગ અલગ પ્રકારની બારીક કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરમાં લિંગના રૂપમાં પ્રમુખ દેવતા રામનાથ સ્વામી એટલે કે શિવને માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં બે લિંગ છે. એક સીતા દ્વારા રેતીથી બનાવેલ જેને મુખ્ય દેવતા માનવામાં આવે છે અને તેને રામલિંગમ નામ આપવામાં આવ્યું છે. બીજું હનુમાન દ્વારા લાવવામાં આવેલ શિવલિંગ જેને વિશ્વલિંગમ નામથી ઓળખવામાં આવે છે.
રામેશ્વરમ મંદિરને સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સવારે પાંચથી બપોરે એક વાગ્યા સુધી દર્શન કરી શકે છે. એક વાગ્યે મંદિર બંધ થઇ જાય છે અને ત્રણ વાગ્યે ખોલવામાં આવે છે. ત્રણથી રાતના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. રામેશ્વરમ મંદિરમાં મહાશિવરાત્રિને દસ દિવસ સુધી અદ્ભુત રીતે ઊજવવામાં આવે છે. તમે આ તહેવારની મજા માણવા ઇચ્છો છો તો એ દરમિયાન રામેશ્વરમ મંદિર જવાનું પ્લાનિંગ કરી શકો છો.