ગોવાના પણજી ખાતે 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ગઇ કાલે જ પૂર્ણાહુતિ થઇ. દર વર્ષની માફક આ વર્ષે પણ IFFIની રંગત અનેરી હતી. દેશ-વિદેશથી અનેક કલાકારો અને ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મોને લઇને IFFIના આંગણે આવ્યા.


નવ દિવસના આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફબીટ ફિલ્મોના સ્ક્રીનિંગની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી મોટી મોટી હસ્તીઓના માસ્ટરક્લાસ પણ અરેન્જ કરવામાં આવ્યા હતા. ઇમ્તિયાઝ અલી, મણિરત્નમ, મનિષા કોઇરાલા, શેખર કપૂર અને રણબીર કપૂર સહિત અનેક કલાકારોએ ફિલ્મના અલગ અલગ આસ્પેક્ટ વિશે, મોડર્ન સિનેમા તેમજ વીતેલા યુગના સિનેમા વિશે વાત કરી હતી.

રણબીરને પોતાના ટાઇટ શિડ્યુલમાંથી ખાસ એના દાદા રાજ કપૂરની ફિલ્મો વિશે વાત કરવા આમંત્રણ અપાયું હતું. રણબીર સાથે રાજ કપૂરના ફિલ્મો અંગેના વિચારો, એમની સ્ટાઇલ અને એમના સ્ટારડમ વિશે રાહુલ રવૈલે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપની શરૂઆતમાં રાહુલે રણબીરને તેના દાદા સાથેની યાદો વાગોળવા કહ્યું હતું. એ સવાલના જવાબમાં રણબીર કહે છે કે હું બહુ નાનો હતો ત્યારે રાજ કપૂરનું નિધન થયું. સાચું પૂછો તો એ જીવતા હતા ત્યારે મારી નાની ઉંમરને કારણે એ મારા માટે માત્ર દાદા જ હતા. ભૂરી આંખોવાળા, અમારી પાસે આવારા હૂં ગવડાવતા અમારા ફેવરિટ દાદા. હા, અમને ચોક્કસ નવાઇ લાગતી કે દાદાને જોવા અઢળક લોકો આવે છે. ઘર પાસે અઢળક ભીડ કેમ ભેગી થાય છે આ બધું કૂતુહલ થતું, પણ પપ્પા સમજાવતા કે દાદાને લોકો બહુ પસંદ કરે છે એટલે.

પોતાની વાત આગળ વધારતાં રણબીર કહે છે કે ધ ગ્રેટ શો મેન રાજ કપૂરને ઓળખવાની શરૂઆત હું જ્યારથી સિનેમાને સમજતો થયો ત્યારથી કરી. એમના વિચારો, એમની ફિલ્મો બનાવવાની સમજ અને સ્ટાઇલ એ બધાં વિશે બહુ પાછળથી સમજાયું જ્યારે ખરેખર હું સિનેમાને સમજવા મહેનત કરી રહ્યો હતો. એ દિવસોમાં સમજાયું કે કેમ રાજ કપૂરને જોવા આટલી ભીડ ભેગી થતી હતી. રાજ કપૂરનું એક વિઝન હતું, એમની ફિલ્મોથી એ કાયમ સમાજમાં ચાલતાં દૂષણો કે સમાજની બદીઓને લોકો સમક્ષ રજૂ કરતા. જેની સાથે આમ આદમી બહુ સારી રીતે પોતાની જાતને કનેક્ટ કરી શકતો. રાજ કપૂરની એક્ટિંગ પણ દર્શકોના દિલ સુધી પહોંચતી એટલે જ લોકો એમને પસંદ કરતા. સોસાયટીના મુદ્દાઓને રસપ્રદ રીતે રજૂ કરવાની એમની કળા લાજવાબ હતી. બીજી વાત કે વધતી ઉંમરે એ યૂથ માટે યૂથને ગમે એવી ફિલ્મ બનાવતા. મતલબ કે એ માસને જાણતા હતા, લોકોની નીડને જાણતા હતા, અપડેટ રહેવામાં માનતા હતા. રાજ કપૂરની રણબીરને ગમતી બે ફિલ્મોમાં એણે શ્રી 420 અને જાગતે રહોનું નામ આપ્યું હતું. આ ફિલ્મને ભવિષ્યમાં ચાન્સ મળે તો ફરી બનાવવાની પોતાની ઇચ્છા પણ રણબીરે જાહેર કરી હતી. જોકે, એ માને છે કે રાજ કપૂરની બધી જ ફિલ્મો માસ્ટરપીસ જેવી જ હતી એટલે એને ફરી બનાવીને એની ગરીમા ખરાબ ન કરવી જોઇએ.

  • Follow us on: