મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન, હોર્મોનલ અસંતુલનને કારણે, પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું સ્તર વધે છે, જેના કારણે પાચન તંત્રના સ્નાયુઓ ઢીલા પડી જાય છે. આવી સ્થિતિમાં પાચનશક્તિ નબળી પડી જાય છે અને એસિડિટીની સમસ્યા થવા મંડે છે. જે સ્ત્રીને પહેલાં ક્યારેય એસિડિટીની સમસ્યા ન થઇ હોય એને પણ ગર્ભાવસ્થા દરમિયાન એકવાર તો આ સમસ્યા થતી જ હોય છે. આ કારણે જ ઘણીવાર ઉબકા પણ આવતાં હોય છે. એસિડ ગળામાં આવે એટલે ઉબકા આવવા લાગે અને પેટમાં બળતરા પણ થાય. ગર્ભાવસ્થા દરમિયાન ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે આ ટિપ્સ અજમાવી શકો છો.
ગર્ભાવસ્થા દરમિયાન પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી ગર્ભમાં બાળકના વિકાસમાં મદદ કરે છે. પાણી પીવાથી પાચનતંત્ર પણ સારું રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવો. એ સિવાય નારિયેળ પાણી કે ફળોના જ્યુસ પણ પી શકો છો. ટૂંકમાં બને એટલો તરલ પદાર્થ પેટમાં નાખવાથી પેટ તંદુરસ્ત રહેશે.
ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ પેટ ફૂલવું અને એસિડિટીની સમસ્યા પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં નિયમિત હળવી કસરત કરો. ધ્યાનમાં રાખો કે તમે જે પણ કસરત કરો છો, તે કોઈની દેખરેખ હેઠળ જ કરો. વધુ પડતી ભારે કસરત કરવાનું પણ ટાળો.
નવશેકું પાણી પીવો
ગર્ભાવસ્થા દરમિયાન નવશેકું પાણી પીવો. તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. હુંફાળું પાણી પીવાથી, ખોરાક સારી રીતે પચી જાય છે, જેના કારણે તમને ગેસની સાથે-સાથે કબજિયાતની સમસ્યા પણ નહીં થાય.
જે મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન ગેસ, એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા હોય તેમણે એલચીનું સેવન કરવું જોઇએ. તેનાથી રાહત મળી શકે છે. તમે ઇચ્છો તો ઈલાયચીની ચા પણ પી શકો છો. ગર્ભાવસ્થા દરમિયાન એલચીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે.
જીરાનું પાણી
જો તમને પ્રેગ્નેન્સી દરમિયાન ગેસની ઘણી સમસ્યા રહેતી હોય તો જીરાનું પાણી ચોક્કસ પીવો. આ માટે જીરાને આખી રાત પાણીમાં પલાળી રાખો, તેને ગાળીને સવારે પી લો. જીરાનું પાણી કબજિયાતની સમસ્યાથી બચવામાં ઘણી મદદ કરી શકે છે. એ સિવાય ધાણાજીરુ અને ખડી સાકરનો ભૂક્કો પણ ખાઇ શકાય છે. એ પણ અસરકારક છે.