પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શુક્રવાર તા. 29 જુલાઈથી થાય છે. તા. 27 ઓગસ્ટ સુધી પૂરા 30 દિવસ સુધી રહેનારા શ્રાવણ માસમાં શિવાલયના સાન્નિધ્યમાં રહીને શિવભક્તિ કરવાનો મહિમા અનેરો છે. આ ભક્તિમાં જો ખગોળશાસ્ત્ર અને વિવિધ વનસ્પતિનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળ્યા જેવો આનંદ અનુભવાય. અત્રે આ શ્રાવણ માસના વિવિધ દિવસે લાભદાયી પ્રયોગો અને ઉપાયોની જાણકારી આપવી છે.


પંચાંગ ગણિતમાં સુદ એકમથી અમાસ દરમિયાન ચંદ્રની વિશેષ સ્થિતિ જોવા મળે છે. સુદ બીજનું નૂતન ચંદ્રદર્શન, સુદ ચોથની વિનાયક ચતુર્થી, સુદ આઠમની સાંજે દુર્ગાષ્ટમીનો અર્ધ ચંદ્ર, પૂનમની સાંજે પૂર્વ દિશામાં પૂર્ણ ચંદ્રનો ઉદય, સંકષ્ટ ચતુર્થીની રાત્રે ક્ષીણ થતા ચંદ્રનો ઉદય, વદ આઠમની રાત્રે કાલાષ્ટમીનો અર્ધ ચંદ્ર, વદ ચૌદશની રાત્રે શિવરાત્રીના નિશિથકાળ પછી પૂર્વ દિશામાં પરોઢિયે ઊગતા ચંદ્રની છેલ્લી કળા આ બધી બાબતોમાં ખગોળશાસ્ત્રનાં ગૂઢ રહસ્યો છે.

આપણા ઋષિમુનિઓએ વડ, પીપળો, ખીજડો, આસોપાલવ, ડમરો, તુલસી, જવારા, આકડો, ધરો (દૂર્વા), દર્ભ (દાભડો), સોપારી, શ્રીફળ, કમળકાકડી, કેવડો, નાગરવેલનાં પાન, બીલીપત્ર વગેરે વનસ્પતિઓને પૂજન-અર્ચન- આરાધનામાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. વૈદિક આચાર્યોએ આ વૃક્ષો અને વનસ્પતિને સજીવ તથા તેથી પણ વિશેષ દેવતા- અધિષ્ઠિત ગણીને તેમના અંગે સંખ્યાબંધ મંત્રોનું સર્જન કર્યું છે.

રવિયોગ દરમિયાન કયાં કામ કરવાં?

પોતાની પ્રગતિ માટે જરૂરી હોય તેવાં તમામ પ્રકારનાં કાર્યો કરવાની સલાહ છે. અત્રે દર્શાવેલા રવિયોગના સમયગાળા દરમિયાન નોકરી માટે અરજી કરવી, વિદ્યાભ્યાસ માટે પ્રારંભ કરવો, વિશિષ્ટ પ્રકારની પરીક્ષા માટે તૈયારી કરવી, આર્થિક ભીડમાં રાહત માટે મહાલક્ષ્મીના પાઠ કરવા, દેવું, કરજ કે લોનનું ભારણ ઓછું કરવા માટે ઋણમોચક મંગળ સ્તોત્રના પાઠ કરવા માટે અનુકૂળ સમય ગણાય.

 કોર્ટ-કચેરીના દાવા કે કાર્યો ચાલતાં હોય તો સાત્ત્વિક રીતે આ રવિયોગમાં આદિત્ય હૃદયના પાઠ કે શિવ સહસ્ત્ર નામના પાઠ શાંતચિત્તે કરવાની સલાહ છે.

મોટી માંદગી કે કષ્ટસાધ્ય દર્દોમાં રાહત માટે સૂર્યનારાયણના પાઠ કે મહામૃત્યુંજય મંત્રના પાઠ આ રવિયોગ દરમિયાન કરવાથી રાહત અનુભવાય છે.

હાલમાં મિથુન અને તુલા રાશિના ભાઈઓને શનિની નાની પનોતી ચાલે છે. જ્યારે ધનુ, મકર અને કુંભ રાશિના ભાઈઓને શનિની મોટી પનોતી ચાલે છે. તેઓ આ રવિયોગના સમયગાળા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કે શનિના મંત્રોના જાપ કરે તો વિશેષ રાહત અનુભવાય.

મેષ, સિંહ તથા ધનુ રાશિનાં ભાઈબહેનો માટે સિંહ રાશિના સૂર્ય (16 ઑગસ્ટથી 14 સપ્ટેમ્બર) દરમિયાન આવતો રવિયોગ વધુ બળ આપે છે.

સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન (દિવસે) આ યોગ બનતો હોય તો વધુ બળવાન ગણાય છે. તેથી બને ત્યાં સુધી અત્રે સૂચવેલા રવિયોગ પૈકી સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન (દિવસના ભાગનો) વિશેષ ઉપયોગ કરવાની સલાહ છે.

 આ સિવાય બારેય માસ દરમિયાન રવિયોગ ક્યારે શરૂ થાય અને ક્યારે સમાપ્ત થાય છે તેની વિગતો સંદેશ પંચાંગના દૈનિક શાસ્ત્રાર્થમાં આપી હોય છે. જ્યોતિષનો પ્રાથમિક અભ્યાસ ધરાવનાર વાચકો પોતાના જન્મના માસ દરમિયાન ક્યારે રવિયોગ આવશે તે અગાઉથી સારી રીતે જાણી શકે છે.


  • Follow us on: