• બહેડા પચવામાં હળવા, ગરમ, અને કફ, પિત્તનાશક છે

આમળાં, હરડે અને બહેડા, આ ત્રણે ઔષધોના સમભાગે બનાવેલા ચૂર્ણને `ત્રિફળા ચૂર્ણ' કહેવામાં આવે છે. આ ત્રિફળાચૂર્ણ અને તેના ત્રણેય ઔષધો ઉપર લખવા બેસીએ તો એક પુસ્તક લખી શકાય, પરંતુ આટલું વિસ્તૃત નિરૂપણ અહીં શક્ય ન હોવાથી આ વખતે આ ત્રણ ઔષધોમાંથી બહેડા વિષે અહીં ટૂંકું નિરૂપણ કરીશ.

બહેડાનાં વૃક્ષો 80થી 100 ફૂટ ઊંચાં થાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં તેને ફળો બેસે છે અને ગ્રીષ્મ આવતા તે પાકીને ખરી જાય છે. આ સુકાયેલાં ફળો જ ઔષધરૂપે વાપરવામાં આવે છે.

 ગુણકર્મો

બહેડા પચવામાં હળવા, ગરમ, રુક્ષ, તીક્ષ્ણ અને કફ, પિત્તનાશક છે. બહેડાનું ફળ આંતરડાંમાં ચોંટેલા કઠોર મળને ઉખાડીને નીચે તરફ ગતિ કરાવે છે. ઔષધરૂપે બહેડા ઉધરસ, સ્વરયંત્રના રોગો અને મુખરોગોમાં પણ ગુણકારી છે. આંખોને માટે તે લાભપ્રદ હોવાથી આંખના રોગોમાં પ્રયોજાય છે.

બહેડા વાળને સફેદ થતા અટકાવે છે તથા વાળને લાંબા, સુંવાળા બનાવે છે. બહેડાનું ફળ કૃમિનાશક હોવાથી ખોડો, જૂ, ઉંદરી જેવા વાળના રોગોમાં માથું ધોવા માટે તથા પેટ સાફ લાવવા માટે ત્રિફળા ચૂર્ણમાં વપરાય છે. મહર્ષિ વાગ્ભટ્ટના મતે બહેડાના ગુણો લગભગ આમળાં જેવા જ છે, પરંતુ તે આમળાં કરતાં થોડા ઓછા ગુણોવાળું ગણાવાય છે.

 ઉપયોગ

વારંવાર કાકડા હેરાન કરતા હોય તેમને માટે ચૂસવાના ઔષધોમાં બહેડા સૌથી ઉત્તમ છે. મોઢાનાં ચાંદાં, સ્વર બેસી જવો, ગળું લાલ થઈ જવું, કંઠમાં ખરેટી રહેવી, ગળું સુકાવું વગેરે વિકૃતિઓમાં બહેડાની છાલ ચૂસવી જોઈએ.

બહેડાની છાલ સ્વાદમાં તૂરી હોવાથી ગળું સાફ રહે છે. બહેડા, દાડમની છાલ, જવખાર અને પીપર આ દરેક ઔષધો સરખા વજને લઈ એટલા જ વજનના ગોળ સાથે તેની ગોળીઓ બનાવીને કાકડા, સ્વરભંગ, કેન્સર વગેરેમાં ચૂસવા આપવાથી સારો ફાયદો થાય છે.

ઊલટી, આફરો, ગેસ કે સગર્ભાવસ્થાની તકલીફથી ઊબકા-ઊલટી થતાં હોય તો મુનક્કા દ્રાક્ષ, ઈલાયચી અને બહેડાના ચૂર્ણની ગોળીઓ બનાવી દિવસમાં ત્રણ વખત ચૂસવાથી સારું પરિણામ મળે છે.

બહેડાને મૂત્રરોગોમાં ખૂબ ઉપયોગી ગણાવ્યું છે. બહેડાના ગરને મધમાં લસોટી પીવામાં આવે તો મૂત્રમાર્ગની પથરી મટે છે. આ સિવાયના મૂત્રમાર્ગના રોગો પણ આ પ્રયોગથી મટે છે.

 બહેડાની છાલના ટુકડા દિવસમાં બે-ત્રણ વખત જો ચૂસવામાં આવે તો ખોટી-સૂકી ઉધરસ મટે છે. વારંવાર મોઢામાં જો ચાંદાં પડતાં હોય તો પણ આ પ્રયોગ સારું પરિણામ આપે છે.

વાયુથી થતી સૂકી ઉધરસમાં જો કબજિયાત રહેતી હોય તો બહેડાના ચૂર્ણ સાથે અડધી માત્રામાં હરડેનું ચૂર્ણ લેવામાં આવે તો કબજિયાત મટી, વાયુથી થતી સૂકી ઉધરસનું પ્રમાણ ઘટે છે. શાસ્ત્રકારોએ બહેડાને દમ-શ્વાસનું ઉત્તમ ઔષધ ગણાવ્યું છે. `અષ્ટાંગહૃદય' ગ્રંથના કર્તા મહર્ષિ વાગ્ભટ્ટે સર્વ પ્રકારના દમમાં તથા ઉધરસમાં બહેડાનો ઉપયોગ કરવા લખ્યું છે.

મુખ, ગળું અને શ્વસનતંત્રના રોગોમાં બહેડા એક ઉપયોગી ફળ સાબિત થયું છે.


  • Follow us on: