કોમ્યુનિકેશન વિશે ભીષ્મે `શાંતિપર્વ'માં અનેક જગ્યાએ અવનવા દૃષ્ટિકોણથી વાત કરી છે. શ્રેષ્ઠ લીડરશિપ માટે અન્ય કોઈ પણ આવડત જેટલું જ મહત્ત્વ કોમ્યુનિકેશનની આવડતનું છે એવું પણ તેમણે એકથી વધુ વખત કહ્યું છે.
તો કેટલીય વાર તેમણે દૃષ્ટાંતો સાથે સિદ્ધ કરી આપ્યું છે કે અથાક પરિશ્રમ અને શુદ્ધ દાનત હોવા છતાં માત્ર ખરાબ કોમ્યુનિકેશનને કારણે કિનારે લાંગરેલી હોડી પણ ડૂબી જાય છે. આ માટે જ તેમણે લીડરને ઓછું બોલવા પર વધુ ભાર આપ્યો છે. તો એક જગ્યાએ તેઓ કહે છે કે લીડરે એ પણ ધ્યાન રાખવું પડશે કે તેણે કોની સાથે સંપર્કો રાખવા, કોની સાથે સમૂળગા ન રાખવા અને જેની સાથે સંપર્કો પણ રાખે છે એની સાથે કેવું અને કેટલું બોલવું!
અમુક લોકો સાથે સંપર્ક ન રાખવા એ પણ સારી કોમ્યુનિકેશન સ્કિલ જ કહેવાય, કારણ કે કેટલાક લોકો સંપર્કમાં ન આવે ત્યાં સુધી જીવનમાં અત્યંત શાંતિ હોય છે અને કેટલાક લોકોના જીવનમાં આવતા જ ઝંઝાવાત ફેલાતો હોય છે. જે ઝંઝાવાત અંતતઃ લીડરને ક્વોલિટી કામ કરવા નથી દેતો અને લીડરને નાનાં, ફાલતુ જેવાં કામોમાં જ વ્યસ્ત રાખે છે. જીવનમાં આવા ઝંઝાવાતો ન સર્જાય એ માટે પિતામહ ભીષ્મએ યુધિષ્ઠિરને એક લાખ રૂપિયાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે તારા જીવનમાં જો તારે શાંતિ રાખવી હશે તો મિત્રો અત્યંત ઓછા રાખજે. તેમજ તારે એ વાત સમજી જવાની છે કે તારો દરેક પરિચય એ તારો મિત્ર નથી! તું મોટા પદ પર કે વધુ ખ્યાતિ ધરાવતો હોઈશ એટલે તારા પરિચયમાં તો લોકો સ્વાભાવિક જ આવવાના, પરંતુ એ લોકો તારા પદ કે તારી ખ્યાતિને કારણે તારી પાસે આવ્યા હશે. તારા માટે નહીં!
કેટલી ઊંડી વાત છે આ. આપણો દરેક પરિચય એ આપણો મિત્ર નથી. આપણે માત્ર આટલું પણ સમજી જઈશું તો આપણા જીવનમાંથી અનેક પ્રશ્નો જતા રહેશે, કારણ કે આપણા મોટાભાગનાં ઉબાડિયાં `આણે આ કહ્યું અને પેલાએ તે કહ્યું'માં જ નીકળી જાય છે. આફટર ઑલ લોકોને પંચાત કરવાની, વાતનું વતેસર કરવાની કે ચોળીને ચીકણું કરવાની આદત હોય છે. એ આદત આપણને પણ બીજાના સંદર્ભમાં હોય છે. પરંતુ જ્યારે દર વખતે નાની નાની વાતે ચોળીને ચીકણું થતું હોય, વાતેવાતે પંચાતો થતી હોય એ લક્ષણ નાના માણસના પણ છે. લોકો પાસે જીવનમાં કોઈ ધ્યેય નથી હોતું અથવા તો તેમને નાની બાબતોમાં ખદબદતા રહેવાનું ગમતું હોય છે.
જો કોઈએ જીવનમાં કશુંક શ્રેષ્ઠ પામવું હોય અથવા તો સ્ટ્રેસ ફ્રી જીવવું હોય તો તેઓ આ બધી નાની બાબતોમાં ન પડી શકે. એનો અર્થ એ થાય કે તેઓ જે તે માણસો સાથે સંપર્કો બનાવતા કે એ સંપર્કોને મિત્રો માનીને તેમની સાથે પેટછૂટી વાતો કરવાથી પણ બચતા હોય છે. તેઓ એક મર્યાદા બનાવી લેતા હોય છે, જે મર્યાદામાં અમુક લોકોને ક્યારેય પ્રવેશ જ નથી હોતો. તો જે લોકોને પ્રવેશ મળે છે એમની સાથે અમુક વાતો કે ચર્ચાઓ જ નથી થતી. જેથી કાલ ઊઠીને લીડર કે લીડર સંદર્ભની કોઈ પણ વાતો બજારમાં આવે અને બજારના લોકો એ ચર્ચાને વધુ વેગ આપીને લીડરનાં કામ, જીવન કે મનને અસર કરે.
બાકી આપણે પણ એ જોયું જ હશે કે આપણા જીવનમાં આવતો માણસ પહેલાં તો આપણને સારો જ લાગે. નવો પાડોશી આવે તો આપણે કહી દઈએ કે સારા માણસ લાગે છે. નવા ભાડૂઆત આવે તો કહીએ કે સારા માણસ લાગે છે. નવા કલિગ્સ આવે તો આપણે કહી દઈએ છીએ કે માણસ બહુ સારા છે અને ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર નવી રિક્વેસ્ટ આવે તો આપણને સારું જ લાગે છે, પરંતુ આપણાં ઉબાડિયાં આ પાડોશીઓ, કલિગ્સ કે સોશિયલ મીડિયા કોન્ટેક્ટ સાથે જ થાય છે અને આ જ લોકો તેમના બીજા મિત્રો કે સંપર્કો સાથે આપણે તેમને કહેલી કે આપણે ઈનોશન્ટલી કરેલી કેટલીક ચર્ચાઓને ડિસ્કસ કરતા હોય છે.
પણ આપણે આવા કોઈ પણ પાડોશીઓ, કલિગ્સ કે રિક્વેસ્ટને અમુક હદ સુધી જ રાખીએ અને તેમને માણસાઈના પ્રોટોકોલ્સ મુજબ હાય હેલ્લો કરીને કે જીવનમાં ક્યારેક તેમને કોઈ જરૂર હોય તો આપણાથી બનતી મદદ કરીને આપણે છૂટી જતા હોઈએ તો? તો એમના મનમાં તો આપણી ગુડવિલ રહેશે જ, પરંતુ તેમને આપણાં છિદ્રો વિશે, આપણી મર્યાદાઓ વિશે કે આપણા પ્રશ્નો વિશે પણ કશી ખબર નહીં રહે. જેનો આપણને ઘણો લાભ થાય અને આપણે એકદમ શાંતિથી, સ્ટ્રેસ ફ્રી આપણું જીવન જીવી શકીએ અને આપણું કામ કરી શકીએ.