નવગ્રહ મંડળમાં છઠ્ઠા ગ્રહ તરીકે શુક્રાચાર્યની ગણના કરવામાં આવે છે. વૈભવ, પ્રેમ, શ્રૃંગાર, સૌંદર્ય, લગ્નજીવન, આ બધાંનો વિચાર મનુષ્યની જન્મકુંડળી સ્થિત શુક્રની સ્થિતિ પરથી કરવામાં આવે છે. નવગ્રહમાં શુક્રને દૈત્યગુરુની ઊપમા આપવામાં આવી છે. શુક્રાચાર્યનો જન્મ ભોજકટક દેશમાં ભાર્ગવ ગોત્રમાં થયો છે. શુક્રના લગ્ન જયંતી સાથે થયાં તેમજ દેવયાની નામની ઉત્તમ પુત્રી પ્રગટ થઇ એવું શાસ્ત્રમાં વર્ણન છે. શ્રી શુક્રના પિતા ભૃગુ ઋષિ તેમજ માતા ખ્યાતિ છે. ધાતા, વિધાતા અને રમા શુક્ર દેવના ભાઇ બહેન છે. શુક્રના બીજા નામો પણ છે જેમ કે - કવિ, ભાર્ગવ, ભૃગુ, ઊસમના, સિત, સુનુ, કાણ, ભૃગુસુત વગેરે છે.


જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાર રાશિઓમાંથી વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રદેવ સફેદ રંગના દશ ઘોડાના રથમાં સવારી કરે છે. શુક્ર મનુષ્યને જીવનમાં સુખ, આનંદ, વૈભવ, કીર્તિ, તેમજ ધન પ્રદાન કરનારો ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર શુક્રનો સ્વભાવ મૃદુ તેમજ રજોગુણી છે. શુક્રનો વર્ણ ગૌર-શ્યામ, પ્રકૃતિ-વિલાસી, દિશા-અગ્નિ છે. જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર શુક્ર એક રાશિમાં પોણો મહિનો રહે છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો અને કન્યા રાશિમાં નીચનો ગણાય છે. શુક્રના મિત્ર ગ્રહો બુધ, શનિ, રાહુ, કેતુ છે અને શત્રુ ગ્રહો સૂર્ય, ચંદ્ર છે. ઇષ્ટદેવી માતા મહાલક્ષ્મી છે.

પંચાંગ પ્રમાણે પ્રદોષના સમયે શિવજી અને મહાલક્ષ્મીજીની પૂજા કરવાથી શુક્રદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત શુક્ર જન્મકુંડળીમાં છઠ્ઠે, સાતમે તેમજ દશમ ભાવમાં અશુભ ફળ આપે છે. જ્યારે બીજા અન્ય ભાવમાં શુભ ફળ આપે છે. જન્મકુંડળીમાં સપ્તમ ભુવન (લગ્નજીવન)નો કારક સ્વામી શુક્ર છે. શુક્રનો સ્વભાવ વિલાસી, ઋતુ-વસંત, રસ-ખાટો, દ્રવ્ય(રત્ન)-હીરો, દેવતા-ઇંદ્રાણી, દિશા-અગ્નિ, ક્રિડાસ્થાન-શયનાગાર છે. મનુષ્યના જીવનમાં ભાગ્ય તથા ધન અને ધર્મની ઉન્નતિ કરાવનાર ગ્રહ પણ શુક્ર છે. દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે મૃતસંજીવની વિધ્યા હોવાથી ભગવાન શુક્રદેવ મૃત્યુંજય તરીકે પણ ઓળખાય છે. પુરુષની જન્મકુંડળીમાં શુક્ર ગ્રહ થકી લગ્નજીવન તેમજ પ્રેમ અને સ્ત્રીસુખ જોવામાં આવે છે. જે પુરુષની જન્મકુંડળીમાં શુક્ર તેમજ ચંદ્ર બળવાન હોય તો સ્ત્રી સુખ શ્રેષ્ઠ મળે છે.

શુક્રનું રત્ન હીરો છે. તેમજ ઉપરત્ન સફેદ અકીક, સ્ફટિક તેમજ ઓપલ પણ ગણવામાં આવે છે. શુક્રના પ્રકોપને શાંત કરવા માટે ગુમા મજીઠ વનસ્પતિનું મૂળ શુક્રવારે ધારણ કરી શકાય છે. શુક્રનો રંગ સફેદ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જન્મકુંડળીમાં શુક્ર નબળો હોય તો અગ્નિ ખૂણાનો દોષ લાગે છે. જે મનુષ્યની જન્મકુંડળીમાં શુક્ર ઉચ્ચ એટલે કે બળવાન સ્થિતિમાં હોય તો તે મનુષ્ય કીર્તિમાન, પુણ્યાત્મા, સારો કાર્યકર્તા, ઉગ્ર સ્વાભાવવાળો, નિરોગી, વિનયી, અતિથી પ્રેમ, સુંદર પત્ની, તથા સુખ-સમૃદ્ધિ ધરાવનારો જોવા મળે છે. શુક્રનું પ્રિય ફુલ શ્ર્વેત પદમ્ (કમળ) અને નિવેધ ખીર છે.

શુક્રાચાર્ય ભરણી, પુર્વાફાલ્ગુની તેમજ પુર્વષાઢા નક્ષત્રોના સ્વામી ગ્રહ તરીકે ઓળખાય છે. તેમજ તે નક્ષત્રોનો પ્રકાર રાજસિક છે. ભારતીય હિંદુ પંચાંગમાં હોરાશાસ્ત્રમાં શુક્રની હોરા શુભ માનવામાં આવે છે. શુક્રપ્રધાન મનુષ્યોએ શ્રાવણ માસ દરમ્યાન તેમજ શિવરાત્રી કે સોમવારના દિવસે છ મુખી રુદ્રાક્ષ રુદ્રાભિષેક કરીને ધારણ કરવાથી શુક્ર ગ્રહની પૂર્ણ કૃપા થાય છે. મૂળાંક 6નો અધિપતિ ગ્રહ શુક્ર છે.

નડતા તેમજ ગોચરના શુક્રના ઊપાય માટે શુક્ર યંત્રની સ્થાપના કરીને, તેનો યજ્ઞ કરીને હવન સમિધામાં ઉદમ્બરનો ઊપયોગ કરીને શુક્રના બીજ મંત્ર તેમજ વ્યાસરચિત મંત્ર દ્રારા આહુતી અર્પણ કરવાથી શુક્રના પ્રકોપમાંથી તરત જ મુક્તિ મળે છે. શુક્રને અંગ્રેજીમાં વિનસ નામથી ઓળખવામાં આવે છે.

શુક્ર દેવનું દાન

ચાંદી, ચોખા, સાકર, કાચું દૂધ, દહીં, સફેદ ચંદન, સફેદ વસ્ત્ર, કમળ, કમળ સાથે લક્ષ્મીમાતાની પંચધાતુની મૂર્તિ, બદામ, જુવાર, ઘઉં, અખરોટ, સોયાબીન, નારિયેળ, ગૌદાન, ચણા, લાડુ વગેરે છે.

શુક્ર ગ્રહના કારકત્વમાં આવતાં ક્ષેત્રો

નૃત્ય, સંગીત, રસાયણ ખાતું, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કવિ, પ્રેમ, વાહનસુખ, સૌંદર્યનાં પ્રસાધનો, આકર્ષણ, જ્વેલર્સનો વ્યવસાય, બ્યુટી પાર્લર, લલિત કલા તથા અન્ય કલાનાં ક્ષેત્રો, મોડેલિંગ, જુગાર, રેસ, સટ્ટા, હોટલ્સ, રેસ્ટોરાં, સ્ત્રી શણગારની વસ્તુઓ, આયાત-નિકાસનો વેપાર, ઇત્યાદિ અનેક વ્યવસાયો શુક્રના સ્વામીત્વ હેઠળ કાર્ય કરે છે.

શુક્ર ગ્રહ અને શરીરના રોગો

સ્ત્રીઓની જનનેન્દ્રિય સંબંધી રોગો, સ્તનના રોગો, મૂત્રપિંડના રોગો, ગર્ભાશયના રોગો, વીર્યવિકાર, જાતીય અંગના દર્દ, પ્રદર, અંડકોષ, નપુંસકતા, જાતીય નબળાઇ, બ્લડપ્રેશર, ક્ષયરોગ, ડાયાબિટીસ, વાંઝીયાપણું, ઊપદંશ, કંઠમાળ, ગળામાં સોજો, પથરી, ત્વચારોગ, સફેદ ડાઘ, ગુપ્તાંગના રોગો, નેત્ર રોગ, મોતીયો, લોહીની ઓછપ, દમ, એઇડ્સ, જલોદર, મૂત્રરોગ વગેરે રોગો પર શુક્રનું કારકત્વ ગણવામાં આવે છે.

શુક્ર ગ્રહના દુષ્પ્રભાવને નિયંત્રિત કરતા વિવિધ ઉપાયો

  • પાંચ શુક્રવાર પાંચ કુમારિકાઓને મીઠું દૂધ, પીવડાવવું તેમજ પાંચ શુક્રવાર એકટાણું કરવું.
  • 16 શુક્રવાર સુધી બ્રાહ્મણોને સવા કિલો ચોખા, ચાંદીનો સિક્કો નાખીને આપવો.
  • સફેદ ગાયને 21 રોટલી ખવડાવવી.
  • કમળ સાથે મહાલક્ષ્મી માતાની પંચધાતુની મૂર્તિ ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરીને સફેદ પુષ્પ ચઢાવી મીઠું દૂધ અર્પણ કરવું.
  • શુક્ર ગ્રહના વ્યાસરચિત તેમજ બીજ મંત્રના 16,000 ની સંખ્યામાં જાપ કરવાં.
  • વિધવા બહેનોને મદદ કરવી તેમજ તેમનું ધન કદિ લેવું નહીં.
  • 16 શુક્રવાર દૂધ-ભાત કે ખીર-રોટલી ખાવાં અને કોઇ પણ માતાજીના મંદિરે જઇને સફેદ ફૂલ ચઢાવી ત્યારબાદ સાકર પ્રસાદમાં અર્પણ કરવી.
  • દરરોજ સંધ્યાકાળના સમયે “શ્રી સુકતમ્”નો 8 વાર પાઠ કરવો.
  • સોમવારે રુદ્રાભિષેક કરાવવો.
  • શુક્રવારે તુલસીદલ, કમળ પુષ્પ અને ગુલાબ શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ પર અર્પણ કરીને શ્રી લક્ષ્મી સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો.
  • શુક્રવારે છ મુખી રુદ્રાક્ષ રુદ્રાભિષેક કરીને ત્યારબાદ ધારણ કરવો.
  • શુક્રવારે કુળદેવીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવી.
  • શુક્રવારે સાત વર્ષથી નાની કન્યાઓને ભોજન કરાવી, શ્રૃંગારની વસ્તુઓ આપવી તેમજ યથાયોગ્ય દક્ષિણા અર્પણ કરવી.
  • શુક્રવારે ભગવાન શિવજી પર દૂધ, દહીં તેમજ ગંગાજળથી અભિષેક કરવો અને શિવપંચાક્ષર મંત્ર - ૐ નમ: શિવાયનો 21 વાર જાપ કરવો.
  • શુક્રવારે શ્રી સત્યનારાયણનું વ્રત શ્રદ્ધાભાવથી કરવું.
  • Follow us on: