જ્યોતિષશાસ્ત્રમાં જીવનમાં આવતાં કષ્ટ, દુઃખ, સમસ્યા દૂર કરવાના અનેક ઉપાયો જણાવાયા છે. દિવાળીના દિવસોમાં શું ઉપાયો કરવા તે જાણીએ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર પર્વોની હારમાળાના ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના દિવસો ખૂબ જ મહત્ત્વના છે, આ દિવસે વિવિધ ઉપાયો પ્રયોજવાથી અનેક પ્રકારનાં કષ્ટો અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. દરેક વ્યક્તિની એવી કલ્પના હોય છે કે એનાં કાર્યો સિદ્ધ થાય, દરેક કાર્યોમાં સફળતા મળતી રહે અને જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો ન કરવો પડે. સામાન્ય રીતે આપણે ધર્મધ્યાન, પાઠપૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આપણાં શાસ્ત્રો પ્રમાણે યોગ્ય માસ, દિવસ અને તિથિ અનુસાર કોઈ પણ વિધાન કરવામાં આવે તો તે દરેક મનુષ્યની મુશ્કેલી દૂર થાય છે.

દુઃખ દૂર કરીને જીવનને સુખમય બનાવવું છે?

દિવાળીમાં અમુક ઉપાયો અજમાવીને વર્તમાનનું દુ:ખ દૂર કરીને ભવિષ્યને સુખમય બનાવી શકાય છે

પવિત્ર આસો માસ એ ખૂબ જ મહત્ત્વનો માસ છે, કારણ કે એની પ્રત્યેક તિથિ જેમ કે, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળી આ ત્રણ દિવસોમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની ઉપાસના કરી આપણાં જીવનનાં દુ:ખો સમાપ્ત કરી શકાય છે.

ધનતેરસ

આજના સમયમાં ધનનું ખૂબ મહત્ત્ત્વ છે. દરેક મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં ધનસંબંધિત બાબતોથી પરેશાન હોય તો ધનતેરસના દિવસે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત સિદ્ધ ઉપાયો કરવાથી મુશ્કેલી ચોક્કસ દૂર થશે. ધનતેરસના દિવસે ધનપૂજન સહિત નીચેના ઉપાયો પ્રયોજવાથી અનેક લાભ થશે.

વ્યાપાર વૃદ્ધિ માટે

ધનતેરસના દિવસે અહીં જણાવેલા મંત્રની ત્રણ કાળમાં એટલે કે સૂર્યોદય સમયે, મધ્યાહન સમયે અને સૂર્યાસ્ત સમયે સાત-સાત માળા કરવી. આ મંત્રના જાપથી વેપારમાં વૃદ્ધિ થશે.

ધનપ્રાપ્તિ માટે

ધનતેરસના દિવસે સવારે સૂર્યોદય સમયે નવાર્ણ યંત્ર પ્રસ્થાપિત કરવું. `શ્રીં' મંત્રના આખા દિવસ દરમિયાન સાત લાખ જાપ કરવા. આ યંત્રને ભોજપત્ર પર કંકુ, સિંદૂર, કેસરમિશ્રિત સ્યાહી અને દાડમની કલમથી બનાવી તેનું પૂજન કરવું.

ધનતેરસના દિવસે રાત્રે લક્ષ્મી કવચના 1008 પાઠ કરવાથી ધન,ધાન્ય, પુત્ર-પુત્રાદિ નિશ્ચિત પ્રાપ્ત થાય છે.

મંત્ર

મહાધન્યા મહામાન્યા, માધવસ્યાત્મ મોહિની।

મુખરા પ્રાણહન્ત્રી ચ, લક્ષ્મી દેવી નમોસ્તુતે॥

ઋણમુક્તિ માટે

એક સફેદ કાગળ લઈને તેનો ચોરસ આકાર બનાવવો. તેમાં `શ્રી દૈવ્યે નમ:।' લખવું. ત્યારબાદ ઘઉંનો લોટ, હળદર, ગાયનું ઘી અને થોડું પાણી મિશ્ર કરી લોટ બાંધવો. તેના ચાર દીવા બનાવી કાગળ ઉપર ચોરસના ચારે ખૂણે મૂકી દીપ પ્રજ્વલિત કરવો અને `શ્રી દૈવ્યે નમ:।' મંત્રના 108 જાપ કરવા. પછી ઉપરોક્ત તમામ વસ્તુઓ વહેતા પાણીમાં પ્રવાહિત કરશો તો થોડા સમયમાં ધીરેધીરે ઋણમાંથી મુક્તિ મળશે.

કાળીચૌદશ

સમાજના રહેલી નકારાત્મક શક્તિને દૂર કરવા માટે કાળીચૌદશનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

બાધાઓ દૂર કરવા

કાળીચૌદશના દિવસે રાત્રે આઠ વાગ્યા પછી નીચેના મંત્રની 11 માળા કરવી. તેનાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને કષ્ટ સમાપ્ત થશે.

મંત્ર : ૐ નમ: શાંત પ્રશાંતે ૐ હ્રીં હ્રીં સર્વ ક્રોધ પ્રશમની સ્વાહા॥

ભૂતભયનાશન મંત્ર

કાળીચૌદશના દિવસે અડદ, સરસવનું તેલ અને લીંબુને હનુમાનજી સમક્ષ મૂકી નીચેના મંત્રની 21 માળા કરી તમામ વસ્તુઓ હનુમાનજીના મંદિરે અર્પણ કરવાથી ભૂતભય દૂર થાય છે.

મંત્ર : ૐ નમ: સ્મશાનવાસિને ભૂતાદિનાં પલાયનં કુરુ કુરુ સ્વાહા॥

આત્મવિશ્વાસ વધારવા માટે

કાળીચૌદશના દિવસે નીચેના મંત્રનો પાંચસો વખત જાપ કરવો. ત્યારબાદ જ્યારે આત્મવિશ્વાસમાં ઊણપ જણાય ત્યારે મનોમન નીચેના મંત્રનો જાપ કરવો.

મંત્ર : ૐ ક્ષીં ક્ષીં ક્ષીં ક્ષીં ક્ષીં ફટ્ ॥

સ્ત્રી સૌભાગ્યવર્ધક મંત્ર

ૐ હ્રીં કપાલિનિ કુલ કુંડલિનિ મે સિદ્ધિ દેહીં ભાગ્યં દેહી સ્વાહા॥

વિધાન : કાળીચૌદશના દિવસથી ઉપરોક્ત મંત્રનો જાપ શરૂ કરવો. દરરોજ ત્રણ માળા કર્યા પછી હનુમાનજીને સિંદૂર અને સરસવનું તેલ ચઢાવવું. આમ કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય વધે છે.

કોર્ટકેસમાં વિજય મેળવવા

મંત્ર : ૐ ક્રાં ક્રાં ક્રાં ધૂમ્રસારી બદાક્ષં વિજયતિ જયતિ ઓ સ્વાહા॥

ઉપરોક્ત મંત્ર દ્વારા કાળીચૌદશના દિવસે સરસવ, સફેદ તલ, જવ અને ખાંડથી યજ્ઞ કરવામાં આવે તો કોર્ટકેસમાં ચોક્કસ વિજય મળે છે.

દિવાળી

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. વર્ષનો અંતિમ દિવસ છે. જેમાં અંધકાર દૂર કરી જીવનમાં પ્રકાશ ફેલાય તેવી આપણે કામના કરીએ છીએ. આ દિવસે અમુક ઉપાયો અજમાવીને વર્તમાનનું દુ:ખ દૂર કરીને ભવિષ્યને સુખમય બનાવી શકાય છે.

ગ્રહપીડા નિવારણ

જ્યારે કુંડળીમાં ગ્રહો ખરાબ હોય ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી પડે છે. આ મુશ્કેલીઓ કે કષ્ટોનો અંત ન આવતો હોય તો દિવાળીના દિવસે દર્ભનું આસન બનાવીને તેના પર બેસી રુદ્રાક્ષની માળાથી `મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા।' મંત્રનો જાપ સંધ્યા સમયે કરવો.

બુદ્ધિ-યાદશક્તિ તેજ બનાવવા

દિવાળીના દિવસે પ્રાત:કાળે ગાયનું ઘી અને બ્રાહ્મીનો રસ આ બંનેને ભેગાં કરી કાંસાની થાળીમાં પાથરી દેવું. તેના પર અષ્ટગંધથી `ૐ હ્રીં શ્રી ક્લીં બ્લું વદ્ વદ્ વાગ્વાદિની।' લખી રાત્રે ખુલ્લા આકાશમાં મૂકી દેવો. બીજા દિવસની સવારથી લઈને દરરોજ ઉપરોક્ત મંત્રનો જાપ કરતાં કરતાં ગ્રહણ કરવું.

ઈન્ટરવ્યૂમાં સફળતા મેળવવા

દિવાળીના દિવસે રાત્રિના સમયે સફેદ આસન પર બેસીને સ્ફટિકના 108 મણકાવાળી માળા દ્વારા નીચેના મંત્રનો યથાશક્તિ જાપ કરવો. ત્યારબાદ આ મંત્રનો દરરોજ ત્રણ માળા જાપ કરવો. આમ, આ પ્રયોગ સતત અગિયાર દિવસ સુધી કરતા રહેવું. ત્યારબાદ ઈન્ટરવ્યૂના દિવસે 11 વખત મંત્ર બોલી જવાથી અણધારી સફળતા પ્રાપ્ત થશે.

મંત્ર : ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કરિ કરિ ફટ્ સ્વાહા।


  • Follow us on: