• ભક્ત શિવલિંગ પર પડતા પાણીને પ્રસાદના રૂપે ગ્રહણ કરે છે અને આ પાણીને પોતાના ઘરે લઇ જઈને સંગ્રહ કરે છે

ગ્રીક ભાષાના `મિથ' પરથી ઊતરી આવેલો શબ્દ એટલે `માઈથોલોજી'! અન્ય દેશોમાં લખાયેલી કપોળકલ્પિત કથાઓને માઈથોલોજીનું નામ આપવામાં આવ્યું. વિદેશી દેવી-દેવતાઓના પુરાવા વગરના અસ્તિત્વને માઈથોલોજી સાથે જોડી દેવામાં આવ્યા, પરંતુ આ શબ્દને કારણે ભારતે સૌથી મોટું નુકસાન વેઠ્યું છે! આપણા રાષ્ટ્રના ઇતિહાસને માઈથોલોજીમાં ખપાવી દેવામાં આવ્યો. આ નામ સાથે જ કૉલમ ચાલુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ખાસ્સો માર્મિક હતો. વિશ્વ જેને માઈથોલોજી માને છે, એવી આપણી સંસ્કૃતિ અને મહાન વારસા પાછળ છુપાયેલી સત્યતા ઉજાગર કરવી એ જ આ કૉલમ અને મારી કલમનો મૂળ હેતુ રહ્યો છે. સમય આવી ગયો છે, જ્યારે ભારત અને અહીંની પ્રજા `માઈથોલોજી'ના ઓછાયા હેઠળ ધરબાયેલી કથાઓનાં મૂળ ઇતિહાસ સાથે રૂબરૂ થાય.

ભારતવર્ષે માત્ર પોતાની પ્રજાને જ નહીં, પરંતુ વિશ્વભરનાં અૈતિહાસિક-પૌરાણિક સ્થળો પર અહીંની આર્ય સંસ્કૃતિને સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ સાબિત કરતાં પુરાવા આપ્યા છે. સદીઓથી અહીંની ધરોહરને દબાવવાની, કચડવાની, નષ્ટ કરવાની કોશિશો થઈ છે, પરંતુ ઈશ્વરત્વ ક્યારેય છૂપું નથી રહ્યું! ઝારખંડના રામગઢમાં આવેલા મંદિરનો એક કિસ્સો અહીં યાદ આવે છે. એક એવું મંદિર, જ્યાં ભગવાન શંકરના શિવલિંગ પર જળથી અભિષેક સ્વયં માતા ગંગા કરે છે! મંદિરની ખાસિયત એ છે કે અહીં પાણીથી અભિષેક વર્ષના બારે માસ અને ચોવીસે કલાક સતત થાય છે. આ પૂજા સદીઓથી ચાલી રહી છે. કહેવાય છે આ જળાભિષેકનું વિવરણ પુરાણોમાં પણ મળી આવે છે. ભક્તો માને છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના હંમેશાં પૂરી થાય છે.

ઝારખંડના રામગઢ જિલ્લામાં સ્થિત આ પ્રાચીન શિવમંદિરને લોકો ટૂટી ઝરણાના નામથી ઓળખે છે. શિવાલયનો ઇતિહાસ વર્ષ 1925થી જોડાયેલો છે. કહેવાય છે ત્યારે અંગ્રેજો આ વિસ્તારમાં રેલવે લાઈન નાખવાનું કામ કરતા હતા. પાણી માટે ખોદકામ દરમિયાન એમને જમીનની અંદરથી કોઈ ગુંબજ જેવી વસ્તુ દેખાઈ. જેને જોઈને અંગ્રેજોના મનમાં પણ કુતૂહલ થયું, જેથી એમણે પૂરેપૂરું ખોદકામ કરાવ્યું અને અંતે આ મંદિર સંપૂર્ણ રીતે નજર આવ્યું. દેવાલયની અંદર ભગવાન ભોળાનાથનું શિવલિંગ મળ્યું અને એની બરાબર ઉપર માતા ગંગાની સફેદ રંગની પ્રતિમા મળી. પ્રતિમાની નાભિમાંથી પાણી નીકળી રહ્યું હતું! જે એમના બંને હાથની હથેળીઓમાંથી પસાર થઈને શિવલિંગ પર પડે છે.

દેવાલયની અંદર ગંગાજીની મૂર્તિમાંથી સ્વયં પાણી નીકળવું એ વાસ્તવમાં એક કુતૂહલનો વિષય બન્યું છે. સવાલ એ છે કે આ પાણી આપોઆપ ક્યાંથી આવી રહ્યું છે, એ વાત હજી સુધી રહસ્ય છે.

અહીં લગાવેલા બે હેન્ડપંપ પણ રહસ્યોથી ઘેરાયેલા છે. અહીં લોકોને પાણી માટે હેન્ડપંપ ચલાવવાની જરૂર નથી પડતી, કારણ કે આમાંથી હંમેશાં આપોઆપ પાણી નીચે પડતું રહે છે! ત્યાં જ મંદિરની પાસેથી નદી વહે છે, જે સુકાઈ ગઈ હોવા છતાં ભીષણ ગરમીમાં સુધ્ધાં આ હેન્ડપંપમાંથી પાણી સતત નીકળતું રહે છે!

મંદિરમાં શ્રદ્ધાળુઓની અવરજવર સતત ચાલુ રહે છે. લોકો દૂર દૂરથી અહીં પૂજા કરવા આવે છે. ભક્તો માને છે કે અહીં સાચા હૃદયથી માંગેલી પ્રાર્થના સદૈવ પૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ટૂટી ઝરણા મંદિરમાં જે કોઈ ભક્ત ભગવાનના આ અદ્ભુત રૂપનાં દર્શન કરે છે એની ઇચ્છા પરિપૂર્ણ થઇ જ જાય છે.

ભક્ત શિવલિંગ પર પડતા પાણીને પ્રસાદના રૂપે ગ્રહણ કરે છે અને આ પાણીને પોતાના ઘરે લઇ જઈને સંગ્રહ કરે છે. કહે છે કે આ પાણીમાં એટલી શક્તિઓ સમાયેલી છે કે આને ગ્રહણ કરતાંની સાથે જ મનમાં શાંતિ થઇ જાય છે અને દુઃખો સાથે લડવાની તાકાત મળી જાય છે.


  • Follow us on: