દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરી એક વખત છવ્વીસમી જાન્યુઆરી આવી અને `વઈ વઈ'. આ `ટ્વેન્ટી સિક્સ્થ જાન'નું `વી ધ ઈન્ડિયન્સ' માટે એક જુદું જ `ઈમ્પોર્ટન્સ' છે. જૂની પેઢીને તો કદાચ ખબર જ હશે કે આ દિવસનું મહત્ત્વ શું છે, પણ નવી પેઢી એટલે કે `ન્યૂ જેન'ને આ દિવસ જાહેર રજા સિવાય પણ અગત્યનો છે એની થોડી ઘણી તો ખબર જ હશે. છતાં પણ `ફોર યોર કાઈન્ડ ઈન્ફર્મેશન લેટ મી ટેલ યુ' કે આ દિવસ મારા-તમારા કે આપણા આખા ભારત દેશ માટે આટલો અગત્યનો કેમ છે? આ છવ્વીસમી જાન્યુઆરી આપણા ઈન્ડિયાનો `રિપબ્લિક ડે' છે. આ `રિપબ્લિક ડે' એટલે `પ્રજાસત્તાક દિવસ' ઓન ધિસ વેરી ડે, ઈન નાઈન્ટીન ફિફ્ટી યાનિ કી ઓગણીસો પચાસની છવ્વીસમી જાન્યુઆરીએ આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું.
મિત્રો, `ઈન્ડિયન કોન્સ્ટિટ્યૂશન ઈઝ ધ બેસ્ટ કોન્સ્ટિટ્યૂશન ઈન વર્લ્ડ. ' આપણા બંધારણમાં દેશ ચલાવવાની `ગાઈડલાઈન્સ' તો છે જ, એની સાથે આપણને યાનિ કી દેશના નાગરિકોને અમુક `મૂળભૂત હક્ક' એટલે કે `ફંડામેન્ટલ રાઈટ્સ' આપવામાં આવ્યા છે એ પણ ખૂબ અદ્ભુત છે. જેમાં સમાનતાનો હક્ક, વાણી સ્વાતંત્ર્યનો હક્ક, મનગમતા ધર્મના પાલનનો હક્ક, ન્યાય મેળવવાનો જેવા હક્કનો સમાવેશ થાય છે. આ બધા હક્ક મળવાથી આપણે આજે શાંતિપૂર્વક, આનંદથી, જલસાથી, ટેસથી જીવી શકીએ છીએ, પણ થયું છે એવું કે બંધારણથી મળેલા આ બધા હક્કની સાથે સાથે આપણે બધાએ જાતે પોતે કેટલાક હક્ક શોધી, મેન્યુફેક્ચર કરી અને એને અમલમાં મૂકી દીધા છે. આપણે જાતે બનાવેલા આ બધા `હક્કો' આમ તો બીજાને `હક્કા-બક્કા' કરી નાંખે એવા છે, પણ તોયે આપણે એ હક્કોને મૂળભૂત હક્કની જેમ ફંડામેન્ટલ રાઈટ્સની જેમ જ વાપરી રહ્યા છીએ. આપણે પોતે બનાવીને અમલમાં મૂકી દીધેલા હક્કો કયા છે ખબર છે? લેટ મી ટેલ યુ.
ગંદકી કરવાનો હક્ક :
આપણે આપણા આ ભારત દેશને-આખા કન્ટ્રીને એક `ડસ્ટબિન' સમજીએ છીએ. એટલે આપણે અહીંયાં ગમે ત્યાં, ગમે તે કચરો જાહેરમાં ફેંકતા રહીએ છીએ. `અહીંયાં કોઈએ ગંદકી કરવી નહીં.' એવું લખ્યું હોય ત્યાં તો ખાસ ગંદકી કરીએ છીએ. પાન-મસાલા ખાઈ જાહેરમાં થૂંકાથૂંક કરીએ છીએ. ઈચ્છા થાય ત્યાં `વન નંબર' કરવા ઊભા રહી જઈએ છીએ. ટૂંકમાં, ગંદકી ફેલાવવાની ક્રિયાને આપણે જન્મસિદ્ધ હક્ક માનીએ છીએ.
ઘોંઘાટ કરવાનો હક્ક:
ખૂબ મોટે મોટેથી જાહેરમાં કોઈ પણ સમયે સંગીત વગાડવું, ફટાકડા ફોડવા, રાડારાડ કરવી, બૂમાબૂમ કરવી, ખૂબ અવાજો કરતાં કરતાં સરઘસ, જુલુસ કે જાન કાઢવી આ બધી વાતને આપણે હક્ક ગણીએ છીએ. છેલ્લાં અમુક વર્ષોથી (મોબાઈલ આવ્યો ત્યારથી) આપણે કોઈ પણ સ્થળે મોટે મોટેથી મોબાઈલ પર વાત કરવાની ક્રિયાને હક્ક માની રહ્યા છીએ. જેને કારણે આપણે `ઘોંઘાટપ્રિય પ્રજા' બની ગયા છીએ અને આપણો દેશ `ઘોંઘાટ પ્રદાન' દેશ બની ગયો છે.
કાયદા-કાનૂન તોડવાનો હક્ક અને એ પછી `તોડબાજી' કરવાનો હક્ક:
આપણા ભારત દેશમાં કાયદા-કાનૂન નિયમોની રોજે સરેઆમ `ધજ્જિયાં' ઉડાડવામાં આવતી હોય છે. બધા જ કાયદા તોડવા માટે જ બન્યા છે એવું આપણે દૃઢપણે માની રહ્યા છીએ. કાયદા-કાનૂનનો કોઈને ડર જ નથી રહ્યો એવું લાગી રહ્યું છે અને એટલે જ આપણે બધા `બેફામ' બની બધા જ નિયમોનું `બેધડક રીતે' ઉલ્લંઘન કરીએ છીએ અને આ નિયમો તોડતા આપણે ક્યારેક `ઝલાઈ' જઈએ, ઝડપાઈ જઈએ તો લાગવગ લગાડી, છેડા અડાડી, રૂપિયા ખવડાવી, ધોંસ જમાવી છૂટી જવા જોરશોરથી ધમપછાડા કરવા માંડીએ છીએ. (અને છૂટી પણ જઈએ છીએ) ટૂંકમાં, કાયદાઓ તોડવા અને સિફતપૂર્વક છટકી જવું એને આપણે આપણો `બર્થ રાઈટ' માનીએ છીએ.
`મારે શું?' અને `મારું શું?'નો હક્ક:
આપણી આજુબાજુ કંઈ પણ ખોટું, ખરાબ, અયોગ્ય બને ત્યારે આપણે તરત જ `એમાં મારે શું?' એવું બોલીએ છીએ અને કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે `મને આમાંથી શું ફાયદો થશે?' `મારું શું?' એવું બોલીએ છીએ. આપણા આવા સ્વાર્થી, સ્વકેન્દ્રી વર્તનના કારણે આપણે દેશ પ્રત્યેની ફરજ ચૂકી જઈએ છીએ અને પછી `દેશ તો સાવ ખાડે ગયો છે.' એવી ફરિયાદો કર્યા કરીએ છીએ. મારા વાલીડા'વ, ગાલ ઉપર `સટ્ટાક' કરીને લાફા પડે તે પહેલાં જાગી જાઓ ને દેશને સાચા અર્થમાં `પ્રજાસત્તાક' બનાવો. પબ્લિકના હાથમાં સત્તા છે તો દેશને ફરી સારો `રિપબ્લિક' દેશ બનાવો. બી ઈન્ડિયન, બિહેવ લાઈક એન ઈન્ડિયન!