• માનવ જાતને સીધો સંબંધ જમીન અને માટી સાથે છે. એટલા માટે આપણે ખાલી જમીન જોઈ કે ત્યાં પેવર બ્લોક્સ જડી દઈએનું સ્વાર્થી વલણ નહીં અપનાવીએ

પેવર બ્લોક્સ હવે ફેશન સ્ટેટમેન્ટ જેવા બની ગયા છે. શહેરોમાં, નગરોમાં કે ગામડાંમાં જ્યાં જગ્યા મળે ત્યાં પેવર બ્લોક્સ લગાડી દેવાના. પેવર બ્લોક્સને લઈને હવે તો દેશભરમાં ધીકતો ધંધો પણ ચાલે છે, જે ધંધાને પ્રોત્સાહન આપવા તંત્ર પણ અવનવી યોજનાઓ લાવી રહ્યું છે. કેટલીક જગ્યાએ તો તંત્ર એવું સાબદું છે કે જે-તે વિસ્તારોમાં બીજા કોઈ કામ થાય કે ન થાય, પરંતુ પેવર બ્લોક્સનું કામ ઉતાવળે પતી જાય છે. કારણ કે પેવરબ્લોક્સ એ આપણી વિકાસગાથાનું મહત્ત્વનું અંગ છે! જોકે પેવર બ્લોક્સ સાથે આપણને કોઈ વાંધો નથી. એનાથી જો શહેરો, નગરો કે ગામડાંનું બ્યુટિફિકેશન થતું હોય તો ભલે થતું. પરંતુ પેવર બ્લોક્સ ક્યાં જડવા અને કઈ રીતે જડવા તેની ગાઈડલાઈન આપણી પાસે હોવી કે એ ગાઈડલાઈનનું અનુસરણ થવું અત્યંત જરૂરી છે.

પેવર બ્લોક્સના બ્યુટિફિકેશનથી સૌથી મોટો પ્રશ્ન જ્યાં આવતો હોય તો એ પ્રશ્ન ઉદ્દભવે છે ગીચ વસતી ધરાવતા શહેરોમાં. ગામડામાં તો સમજ્યાં કે માનવ વસાહતો અત્યંત સીમિત જગ્યા સુધી હોય એટલે પેવર બ્લોક્સની હાજરી પણ સીમિત જગ્યા સુધી હોવાની. જેને કારણે બાકીની જગ્યાઓએ વરસાદી પાણી જમીનમાં પચી શકે કે ગામડાંના વૃક્ષોને પેવર બ્લોક્સના હરેઝમેન્ટમાંથી મુક્તિ મળે. પરંતુ શહેરો ઑલરેડી કોંક્રિટના રસ્તાઓ, ફૂટપાટો અને મકાનોથી ભરચક છે. એવા સમયે પેવર બ્લોક્સનો પ્રયોગ કરતા પહેલાં બે વાર વિચાર કરવો જરૂરી બની જાય છે.

શહેરોમાં પેવર બ્લોક્સનો જો કોઈ સૌથી મોટો શિકાર બનતું હોય તો એ વૃક્ષો છે. કારણ કે તંત્ર અથવા પ્રાઈવેટ સોસાયટીઓ દ્વારા વૃક્ષોના થડને બાદ કરતા બેરહેમીથી પેવર બ્લોક્સ લગાવી દેવાય છે. જોકે જાણકારો કહે છે કે વૃક્ષો માટે ક્યારીનું હોવું અત્યંત આવશ્યક છે, જે ક્યારીની માટીમાંથી વૃક્ષો નાઈટ્રોજન, પોષક તત્ત્વો અને પાણી લેતા હોય છે. જો એ બાબતે ધ્યાન નહીં રખાશે તો શહેરોના મોટાભાગના વૃક્ષોને યોગ્ય પોષણ નહીં મળે અને વૃક્ષોના જીવન પર ખતરો સર્જાશે ! આ માટે થઈને જ એનજીટીએ પણ ગાઈડલાઈન આપી છે કે વૃક્ષોની આસપાસ માટીની ક્યારી રાખવા માટે એક મિટરની જગ્યા છોડવી. એ એક મિટરમાં કોઈ પણ પ્રકારનું કોંક્રિટ, ડામર કે પેવર બ્લોક્સ હોવા જોઈએ નહીં! જોકે એનજીટીને માત્ર આ કિસ્સામાં જ નહીં, પરંતુ અનેક કિસ્સામાં ઘોળીને પી ગયાના દાખલા આપણે ત્યાં છે.

વળી, કારણ વિના માત્ર બ્યુટિફિકેશનને નામે જડી દેવાતા આ પેવર બ્લોક્સ શહેરોમાં ભૂગર્ભ જળની સમસ્યામાં પણ મોટું પ્રદાન કરે છે. એક તરફ અત્યંત મોટી વસતી રોજ કરોડો લિટર પાણી ભૂગર્ભમાંથી ઉસેટે છે. એટલે પાણીની સમસ્યા તો છે જ, એમાં આ બ્યુટિફિકેશનનું ગતકડું આવ્યું. એટલે જમીનમાં વરસાદનું પાણી પચી શકે એવી શક્યતા લગભગ નહીંવત્ થઈ જાય છે અને બધુ પાણી ગટર વાટે વહી જાય છે. તો આ જ પેવરબ્લોક્સ કે કોંક્રિટનો જરૂરિયાત વિનાનો પ્રયોગ ચોમાસામાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ કરે છે કારણ કે પાણીના પચવાની કે યોગ્ય રીતે વહી જવાની ગૂંજાઈશ અત્યંત ઘટી જાય છે.

એનો અર્થ એ થયો કે ટાઉન પ્લનિંગમાં આ પેવર બ્લોક્સ બાબતે આપણે સજાગ રહીએ. ખાસ તો જ્યાં આપણે લીલોતરી પર ધ્યાન આપી રહ્યા છીએ કે રસ્તાની કોરે વૃક્ષો ઉધેરી રહ્યાં છીએ ત્યારે વૃક્ષોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શક્ય એટલો પેવર બ્લોક્સનો પ્રયોગ ટાળીએ. એક આંકડો એમ કહી રહ્યો છે કે હાલમાં ભારતમાં 200 કરોડ જેટલા નવા વૃક્ષો ઉગાડવાની જરૂરિયાત છે. વળી, વિસ્તરતા જતાં શહેરોને કારણે વૃક્ષો અને જંગલોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એવામાં હવે મોટા શહેરોમાં જે વૃક્ષો બચ્યાં છે એ વૃક્ષો એ શહેરોની સંપત્તિ કહેવાય. જે સંપત્તિથી શહેરની બાયોડાવર્સિટી, ત્યાંનું તાપમાન તેમજ આબોહવા માટે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ વૃક્ષોને પણ જો પેવર બ્લોક્સનો ટૂંપો અપાશે તો પછી મોટી આફતો સર્જાશે.

વળી, માનવ જાતને સીધો સંબંધ જમીન અને માટી સાથે છે. એ પ્રણાલી યુગોથી ચાલતી આવે છે. એટલા માટે આપણે ખાલી જમીન જોઈ કે ત્યાં પેવર બ્લોક્સ જડી દઈએનું સ્વાર્થી વલણ નહીં અપનાવીએ. બલ્કે જમીનને તેના કુદરતી સ્વરૂપમાં રહેવા દાઈએ. કદાચ એ રીતે તો એ રીતે પરંતુ આપણે જમીન સાથે જોડાયેલા તો રહીશું. અને આપણા આ વલણથી જમીન પર ભીની-સૂકી માટીમાં રહેતા, નાના છોડ કે ઘાસની આસપાસ રહેતા જીવજંતુઓ, જે આપણી બાયોડાવર્સિટીમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે એમનું આવાસ જળવાયેલું રહેશે. જેનો પણ સીધો લાભ તો આપણને જ મળશે. અને ભીની માટીની સુગંધ માણવાનો મોકો પણ આપણને મળતો રહેશે. આમેય આપણી આસપાસ સેમેન્ટનાં જંગલો છે જ તો રસ્તાને શું કામ આપણે બ્લોક્સથી મઢી દેવા જોઇએ. એને તો એ જેવા છે એવાં રહેવા દઇએ.


  • Follow us on: