શહેરના પોલીસ કમિશનર તેંડુલકરની કચેરી...
`આવો દીવાન દેવરાજસાહેબ આવો.' ચેમ્બરમાં પ્રવેશી રહેલા દેવરાજને કમિશનરે પોતાની ચેરમાંથી ઊભા થતાં આવકાર આપ્યો.
`હેલો મિ. તેંડુલકર.' કહેતાં દેવરાજે તેંડુલકર સાથે હસ્તધૂનન કર્યું અને સામેની ખુરશીમાં પોતાનું સ્થાન લીધું.
`દેવરાજસાહેબ!' પોલીસ કમિશનરે ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું: `આપે જાતે તકલીફ લીધી. એટલે કંઈ...'
`હા, બહુ મોટી તકલીફ ઊભી થઈ છે.'
તેંડુલકરે સ્મિત સંકેલી લેતાં કહ્યું: `બોલો, શું વાત છે?'
`કમિશનર સાહેબ! એક ઘણી જ અંગત અને ગંભીર વાત છે.'
તેંડુલકર આંખો દેવરાજ સમક્ષ સ્થિર કરી ભ્રૂકુટિ ચડાવી એકાગ્ર બન્યા.
`આ વાત અત્યારે આપણી વચ્ચે જ રહેવી જોઈએ.'
`કબૂલ'
`એમાં જરા પણ ગાફેલ રહેશો નહીં.'
`આપ અમારા દોસ્ત છો, ચિંતા નહિ.'
દેવરાજે એક નજરે પાછળ જોયું. બારણું બંધ હતું. ટેબલ પર વાંકા વળતાં એમણે કહ્યું: `મારા ખૂન માટે કાવતરું ઘડાઈ રહ્યું છે.'
તેંડુલકર ચોંકી ગયા, પણ એ વાત હાસ્યાસ્પદ હોય એમ બીજી જ ક્ષણે તેઓ હસી રહ્યા.
`તમે હસો નહિ તેંડુલકર. આ મારા જીવન-મરણનો પ્રશ્ન છે.'
તેંડુલકર હવે ખરેખર ગંભીર બન્યા અને પૂછ્યું: `કાવતરું ઘડનાર કોણ છે?'
દેવરાજે ફરી ટેબલ પર ઝૂકીને કહ્યું: `મારાં પત્ની કામિની.'
`શું... કામિની મેડમ?'
દેવરાજે ખુરશીમાં સ્થિર થતાં એક લાંબો શ્વાસ ખેંચ્યો અને કહ્યું: `જી.'
તેંડુલકર સ્તબ્ધ બની દેવરાજના ચહેરાને તાકી રહ્યા. ઘડીભર આ માણસ એમને બેવકૂફ લાગ્યો તો બીજી પળે વાત સાવ હસી કાઢી ન પણ શકાય એમ એને લાગ્યું.
તેંડુલકરે પૂછ્યું: `આપનાં પત્ની આપનું મોત શા માટે ઈચ્છે છે?'
`એ હું અત્યારે કહી શકું એમ નથી.'
`કારણ?'
`કારણ શોધી કાઢવાનું હજુ બાકી છે.'
`કામિનીનું વર્તન શંકાસ્પદ છે?'
`મારી ગેરહાજરીમાં તેઓ ખાસ પ્રવૃત્તિમય રહે છે. એમના સાગરીત સાથે'
`કોણ છે એમનો સાગરીત?'
`વિ...લા...સ.'
તેંડુલકરે આ તબક્કે આગળ પ્રશ્નોત્તરી કરવાનું ટાળ્યું. કદાચ દેવરાજના અંગત જીવન સુધી પહોંચવું પડે અને એ અંગે જવાબ આપવાનું એમને પસંદ ન પણ હોય એમ માનીને તેંડુલકરે આનુષંગિક પૂછપરછ આગળ ચલાવવાને બદલે પ્રશ્ન બદલ્યો: `આપને પોલીસ પ્રોટેક્શનની જરૂર છે?'
`ના.'
`કેમ?'
`કારણ કે મારે એમને સજાગ કરી દેવાં નથી.'
`સાદા ડ્રેસમાં પોલીસ આપું તો?'
`જરૂર પડશે ત્યારે માંગી લઈશ.' કહેતાં દેવરાજ ઊઠ્યો અને આભાર માની ચાલ્યો ગયો.
દેવરાજના ગયા બાદ તેંડુલકરે એક ઉચ્ચ પોલીસ અધિકારીને બોલાવ્યા અને કહ્યું: `આજથી સાત દિવસ સુધી દીવાન દેવરાજસાહેબના બંગલે ચોવીસ કલાકની વૉચ રાખો અને રિપોર્ટ કરો.'
`જી સાહેબ!' કહીને અધિકારી ચાલ્યા ગયા. તેંડુલકર સિગારેટ જલાવી વિચારમગ્ન થયા.
***
શહેરના ધાંધલિયા રાજમાર્ગના બહુમાળી મકાનના અગિયારમા માળે આવેલી પેરેમાઉન્ટ ડિટેક્ટિવ એજન્સી. વીજળિક એલેવેટર સડસડાટ ધસતું અગિયારમા માળે જઈ રહ્યું છે. લિફ્ટમૅન અને દેવરાજની આંખો વારંવાર મળી જતી હતી અને બેમાંથી કોઈ બોલતું નહોતું. છતાંયે દૃષ્ટિપાતનું દ્વંદ્વ વિના કારણે ચાલી રહ્યું હતું. બેઉ એકબીજાને શંકાસ્પદ નજરે જોતા હતા. લિફ્ટ અગિયારમા માળે ઊભી રહી. લિફ્ટમૅને બારણું ખોલતાં કહ્યું: `ડાબી બાજુ ત્રીજી ઓફિસ.'
દેવરાજે થંભીને પૂછ્યું: `મારે ક્યાં જવું છે એની તને ખબર છે?'
`પેરેમાઉન્ટ ડિટેક્ટિવ એજન્સીની ઓફિસમાં.'
દેવરાજ ચોંકી ગયો. એણે પૂછ્યું: `તને શી રીતે ખબર પડી કે, મારે ડિટેક્ટિવ એજન્સીમાં જવું છે.'
`સાહેબ, ડાબી બાજુ ત્રીજી ઓફિસ' કહેતાં એણે દરવાજો બંધ કર્યો.
દેવરાજના ચહેરા પર હજી પ્રશ્નાર્થ હતો, પણ લિફટમૅને એ દરમિયાન બટન દબાવી દેતાં લિફ્ટ નીચે સરકી રહી.
દેવરાજ પેસેજ વટાવી કચેરીમાં ગયો. એજન્સીના ડિરેક્ટર જ્હોન લોબોની એપૉઈન્ટમેન્ટ અગાઉથી લીધેલી હતી.
`યસ સર' અંદર પ્રવેશતાં જ બેઠેલી એક ખૂબસૂરત લેડી રિસેપ્શનિસ્ટે દેવરાજને આવકારતાં પૂછ્યું: `મે આઈ હેલ્પ યુ?'
`યસ' દેવરાજે એની તરફ ફરતાં કહ્યું: `આસ્ક મિ. લોબો ધૅટ મિ. દેવરાજ ઇઝ હિયર.
`પ્લીઝ ગો ઇન, હી ઇઝ વેઇટિંગ ફોર યુ સર.' કહેતાં તેણે રસ્તો બતાવ્યો.'
ચેમ્બરમાં પ્રવેશતાં જ લોબોએ ઊભા થઈ દેવરાજને આવકાર્યા: `વેલકમ, દેવરાજસાહેબ.'
`થેંક્યૂ...' કહેતાં દેવરાજે બેઠક ગ્રહણ કરી.
જ્હોન લોબોની ઉંમર પચાસેકની હશે, વાળ સફેદ થવા લાગ્યા હતા છતાં ચશ્માંની ભીતરમાં એમની આંખો ભારે યાંત્રિક જણાતી હતી. નિરીક્ષણશક્તિ અને જોયેલી ચીજને લાંબા સમય સુધી યાદ રાખવાની એમની શક્તિ ગજબનાક મનાતી હતી. સંપૂર્ણ કાળા સૂટમાં એ ગોવાનીઝ ખ્રિસ્તીનું વ્યક્તિત્વ ભારે પ્રભાવશાળી લાગતું હતું. જ્હોન લોબોની ચેરમાં પાછળ પૂરા કદનો હિન્દુસ્તાનનો નકશો, બાજુમાં ગુજરાતનો અને બાજુમાં શહેરનો વિસ્તૃત નકશો પણ ઉપલબ્ધ હતો.
લોબોએ કહ્યું, `દેવરાજસાહેબ, આપના કેસની વિગતો મને મળી ગઈ છે. હવે વધુ કંઈ માહિતી આપવાની રહે છે?'
`હા, મારે એક વ્યક્તિનો પૂરો કેસ હિસ્ટ્રી જોઈએ છે.'
`વિલાસનો આખોયે હિસ્ટ્રી આપને સાત દિવસમાં મળી જશે.'
દેવરાજ પામી ગયો કે, લોબો ભારે જિનિયસ છે.
`પણ હવે આપે ગાફેલ રહેવાનું નથી.' લોબોએ કહ્યું. `તમને જરા પણ શંકાસ્પદ લાગે તો મારા અંગત નંબર પર ફોન કરજો.'
`જરૂર.'
`વળી, ખાવા-પીવામાં ઉતાવળ કરશો નહિ.'
`એ...ટ...લે?'
`આપની રસોઈ પહેલાં બીજું કોઈ ચાખી લે ત્યારબાદ જ આપ જમજો. રાતનું દૂધ હમણાં પીતા નહિ.'
`બરાબર.'
`એટલે કે દૂધ માટે ના પાડવી નહિ અને ગ્લાસ આવ્યા બાદ ગુપચુપ દૂધ ઢોળી નાંખવું.'
`રાઈટ.'
`આપને આ પત્ર પર સહી કરવી પડશે.' કહેતાં લોબોએ એક ફાઈલ ખોલી પત્ર ધર્યો.
દેવરાજે સહી કરી ફાઈલ પાછી આપી.
`તો હું જાઉં?'
`જરૂર' કહેતાં લોબોએ દેવરાજને વિદાય આપી.
દેવરાજ વળી પાછો લિફ્ટમાં આવ્યો. લિફ્ટમૅન અને એમની આંખોનો સંઘર્ષ ચાલુ થયો. લિફ્ટ નીચે આવી ત્યાં સુધી એ ચાલ્યા કર્યું. દેવરાજ બહાર નીકળ્યો.
અને એક યુવાન લિફ્ટમાં પ્રવેશ્યો. દેવરાજે ધ્યાનથી જોયું તો એ વિલાસ હતો.
લિફ્ટ ઉપર ચાલી ગઈ.
પણ વિલાસ ક્યાં જતો હશે એની દ્વિધામાં દેવરાજ ચાલી ગયેલી લિફ્ટના ખાલી ઓરડાને તાકી રહ્યો.
***
સાંજે ક્લબમાં...
ખૂણા પરના એક ટેબલની આસપાસ ત્રણ ખુરશીઓ ખાલી હતી. એક ખુરશીમાં બેઠેલા જ્હોન લોબો કોઈ મેગેઝિન વાંચી રહ્યા હતા.
`હેલો મિ. લોબો.'
લોબોએ ઊંચે જોયું તો તેંડુલકર ઊભા હતા.
`આવો આવો પોલીસ કમિશનરસાહેબ!' લોબોએ બેસવા આમંત્રણ આપ્યું.
`આજકાલ ક્યાં છો? દેખાતા નથી કંઈ?'
`હમણાં ધાડુપાડુઓનો ડિસ્ટર્બન્સ વધી ગયો છે. રોજ સાંજ પડે છે ને હાઈવે પર એકાદ મોટર લૂંટાય છે. કોઈવાર શહેરની હદમાં પણ ધાડ પાડી દે છે.'
`આ લૂંટારું ટોળકી માત્ર એક જ છે કે પછી રોજ નવી ફૂટી નીકળે છે?'
`બનતા સુધી બીજા કોઈ રાજ્યની ગેંગના લોકો લાગે છે.'
`તો આપણે એક કામ કરીએ.'
`બોલોને!'
`આપણે બેઉ સાદા ડ્રેસમાં કારમાં નીકળીએ અને લૂંટાઈએ.'
તેંડુલકર હસી પડ્યા.
લોબોએ પૂછ્યું, `બોલો, શું લેશો?'
`કૉફી.'
`એઈ વેઈટર...' લોબોએ બૂમ મારી, `એક કોફી લાવ.'
`લોબો,' તેંડુલકરે અવાજ નીચે લાવતાં પૂછ્યું, `કોઈ પત્ની પતિનું ખૂન કરવા ક્યારે પ્રેરાય?'
લોબોએ થોડીક ક્ષણો સુધી મૌન સેવ્યા બાદ પૂછ્યું, `કેમ?'
`અમસ્તા જ પૂછું છું.'
`પત્નીને જ્યારે પતિ પર એટલો બધો ગુસ્સો આવે કે મનની સમતુલા ગુમાવે ત્યારે આવું કૃત્ય કરી શકે.'
`પણ પત્ની કોઈ કાવતરું ઘડીને ઠંડા કલેજે ખૂન કરવા ધારે તો?'
`એમ હોય તો એના માટે બે કારણ હોઈ શકે. એક તો સંપત્તિ હાંસલ કરવા માટે અથવા પોતાના પ્રેમી સાથે મુક્ત આનંદ માણી શકે એટલા માટે.'
`પતિની દહેશત ખોટી પણ હોઈ શકેને!'
દરમિયાન કૉફી આવી. તેંડુલકરે કૉફીનો કપ લોબોના જવાબની અપેક્ષા સાથે ઊંચક્યો.
છેવટે લોબોએ કાળી સિગાર દાંત વચ્ચે દબાવતાં કહ્યું, `તેંડુલકર, એવું છે કે એક ડિટેક્ટિવ તરીકે હું બધી શક્યતાઓ નિહાળું, પતિની દહેશત ખોટી હોય, પરંતુ એના જાનનો સવાલ હોય તો પોલીસે ગાફેલ રહેવું જોઈએ નહિ, તમારે દેવરાજસાહેબને પ્રોટેક્શન આપવું જ રહ્યું.'
તેંડુલકર ચોંકી ગયા.
લોબો સિગાર જલાવી ફરી વાંચવામાં પરોવાયા.
***
શહેર પર ઊતરેલા અંધારા ઓળાનો સામનો રાજમાર્ગો પરની બત્તીઓ ક્યારનીયે કરી રહી હતી. સિનેમા થિયેટરોમાં છેલ્લા શોના આરંભને હજી વાર હતી. ચોમાસુ હોવા છતાં પ્રેક્ષકોનાં ઝુંડ હજુ થિયેટરો પર લાગેલાં હતાં. રાતના ટ્રાફિકમાં શાંતિથી પોતાનો માર્ગ કરતી કાળી મર્સિડીઝ કારે શહેરની ઉત્તર દિશામાં ચકરાવો લીધો.
`પ્રેમકુંજ' બંગલા લગી પહોંચેલી કાર સામેના જર્જરિત મકાન પાસે ઘડીભર થંભી.
ભિખારીએ થોડું ખાંસી લીધું.
`બોલો સુરદાસ?' દેવરાજે પૂછ્યું.
`છ વાગ્યાથી કામિની મેડમ બહાર...'
`એકલાં?'
`હા,' ભિખારીએ ઉમેર્યું: `પણ સજીધજીને ગયાં છે, પેરિસ ચેનલ-ટુ સેન્ટ પણ લગાડેલું.'
`સારું...' કહેતાં દેવરાજે ગિયર બદલ્યો.
`દીવાનસાહેબ!'
`શું છે?'
`કાલે તો આપ ભૂલી ગયા હતા.'
`અરે હા!' કહેતાં દેવરાજને બાજુમાં જ પડેલ એક ખોખું યાદ આવ્યું. એ ઊંચકીને ભિખારીને આપતાં કહ્યું: `વ્હીસ્કી છે. રેડ નાઈટ.'
`થેંક્યૂ સર,' કહેતાં ભિખારીએ માથું ઓઢેલા કામળાની ભીતરમાં વ્હીસ્કી સંતાડી દીધી.
દેવરાજે કારમાંથી એક નજર `પ્રેમકુંજ' બંગલા તરફ નાખી.
ઉપરના બધા જ ખંડમાં અંધારું હતું. કારને બંગલાની અંદર લેતાં પોર્ચમાં ઊભી રાખી. વૃદ્ધ નોકરે દ્વાર ખોલ્યું. દેવરાજ સડસડાટ ઉપર ગયો. પોતાના બેડરૂમની લાઈટો ચાલુ કરી. એણે ધ્યાનપૂર્વક નિરીક્ષણ આદર્યું. પથારી પરની કરચલીથી માંડીને જાજમ પર પડેલાં કામિનીનાં ચંપલની દિશા સામે પણ તે તાકી રહ્યો.
વસ્ત્રો ટિંગાડવાની કલાત્મક ખીંટી સામે પણ જોયું. ઍશ ટ્રે પણ તપાસી જોઈ. દૂર ખૂણામાં પડેલી કામિનીની સિફોનની સાડી પણ એણે ઊંચકીને જોઈ લીધી. એ શું શોધવા માંગતો હતો એ સમજવું સરળ પણ હતું અને મુશ્કેલ પણ હતું. ભિખારી સુરદાસની વાત સાચી હતી. રૂમમાં પેરિસના ચેનલ-2 સેન્ટની સુવાસ હજુ ફોરતી હતી. દેવરાજે કામિનીના અંગત કબાટ તરફ નજર નાખી. કબાટના તાળાના છિદ્રમાં ચાવીઓનો ઝૂડો ઝૂલતો હતો.દેવરાજને આશ્ચર્ય થયું કે કામિની આવી ભૂલ કદી કરે નહિ. છતાંયે સત્ય એ હતું કે ચાવીઓનું ઝૂમખું કબાટમાં ભરાવેલું જ હતું. ઉતાવળમાં તે ભૂલીને ચાલી ગઈ હશે. દેવરાજને જિજ્ઞાસા થતાં એણે ચાવી ફેરવી કબાટ ખોલ્યું.સૌથી ઉપર કીમતી સાડીઓ હતી. એથી નીચેના ખાનામાં ઝવેરાત હતું. અવનવા નેકલેસ, હીરાની અંગૂઠીઓ અને ભાતભાતના અલંકારો હતા. એનાથી નીચેનું ખાનું બંધ હતું. છેક નીચેના ખાનામાં પચાસથી વધુ જાતનાં વિદેશી પરફ્યૂમ-સ્પ્રે અને અત્તરો હતાં.
દેવરાજે એક પછી એક ચાવીઓ લગાડતાં કબાટના ગુપ્ત ખાનાને ખોલવા પ્રયાસ કર્યો. એક તબક્કે ખાનું ખૂલી ગયું.
દેવરાજે ખાનામાં હાથ નાખી જોયું, પણ એકાદ બે છૂટા કાગળો સિવાય બીજું કંઈ હાંસલ થયું નહીં. એણે કાગળ બહાર કાઢીને ખોલ્યો. કુતૂહલવશ થઈને કાગળ ખોલીને એની તરફ નજર નાખી. કાગળ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ આંખો પહોળી થતી ગઈ. કોઈ ભયાનક પ્રાણીનો સામનો કરતો હોય એમ સહેજ વિકરાળ અને સહેજ ડરામણી બનેલી આંખોથી તે વાંચી રહ્યો.
ચહેરા પર ખૂન ધસી આવ્યું.હાથ ફફડી રહ્યા.દાંત કચકચાવ્યા.
મગજની નસ ફાટી જાય એટલી હદે એનો ચહેરો લાલઘૂમ બન્યો.










