હિન્દુ શાસ્ત્ર અંતર્ગત ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ શ્રાદ્ધપક્ષ (પિતૃ પક્ષ)ના નામે ઓળખવામાં આવે છે. જે મનુષ્યએ જે તિથિએ આ ધરતી પરથી દેહત્યાગ કર્યો હોય તે તિથિએ તેમને યાદ કરી શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ધ કલ્પતરુ ગ્રંથ પ્રમાણે શ્રદ્ધાથી કરેલા પિતૃ કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે. જે સંબંધ આત્માથી તેમજ મનથી અને નિકટનો હોય ભલે તે લોહીનો સંબંધ હોય કે ન હોય, પણ તેવા મનુષ્યને પણ પરમ ગતિ પ્રદાન કરવા માટે આ સોળ દિવસમાં શ્રદ્ધાભાવથી કરેલા કર્મને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધ પક્ષ વર્ષમાં એક વાર આવે છે, તે સમયે આપણે આપણા પિતૃઓને યાદ કરી, પુષ્પ-હાર અર્પણ કરી, તર્પણ કરી, તીર્થક્ષેત્રોમાં પીંડદાન કરીને તેમજ તેમના પ્રીત્યર્થે ગ્રૌ ગ્રાસ, કાગવાસ તેમજ શ્વાન વાસ અર્પણ કરીને પિતૃપૂજન કરવામાં આવે છે.
આ પિતૃપક્ષમાં પિતૃદોષ, નારાયણબલી, પિતૃયજ્ઞ તેમજ પિતૃઓ માટે પીંડદાન, તીર્થક્ષેત્રોમાં તર્પણવિધિ કરી પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. જે મનુષ્યને કોઇ કારણવશ તેનાં સ્વજનોની મૃત્યુતિથિ યાદ ન હોય તો તેવા મનુષ્યની સદ્ગતિ માટે ઋષિમુનિઓએ સર્વપિતૃ અમાસે તે વ્યક્તિ પ્રીત્યર્થે પિતૃકર્મ કરવાની આજ્ઞા કરી છે. સર્વપિતૃ અમાસ બધી જ પેઢીના પિતૃઓની પૂજા કરવાનું પર્વ ગણાય છે. જે કોઈ મનુષ્ય બ્રાહ્મણોને બોલાવી પિતૃપૂજન કરી શકવા અસમર્થ હોય તો તે મનુષ્ય જાતે પણ પોતાના ઘરે પિતૃઓનું તર્પણ કરી શકે છે. જેની વિધિ નીચે પ્રમાણે છે -
• એક પવિત્ર વાસણમાં શુદ્ધ જળ લેવું. તે જળમાં થોડું દૂધ, જવ, કાળા તલ, ચંદન તેમજ તુલસી અર્પણ કરવાં. એ વ્યક્તિએ દર્ભનું આસન પાથરી દક્ષિણાભિમુખ કરીને સંકલ્પ સહિત ગોત્રોચ્ચાર કરવું. ત્યારબાદ પિતૃતીર્થમુદ્રા દ્વારા દર્ભથી હાથમાં જળ લઇને પિતૃઓના પૂર્ણ નામ તેમજ ગોત્રાચ્ચાર સહિત 3-3 જલાંજલિ આપવી. જલાંજલિ આપતા સમયે
॥ તસ્યૈ સ્વધાયૈ નમઃ ॥
આ મંત્ર દ્વારા પિતા, દાદા, પરદાદા, માતા, દાદી, પરદાદી તેમજ કુટુંબીજનો કાકા, મામા, માસી, ફોઈ કોઈ પણ સંબંધીના નામથી જલાંજલિ દ્વારા તર્પણ કરવું. બની શકે તો યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું. તે દિવસે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોવાથી ઘરની બહેન, કન્યા, વહુએ પીપળાના વૃક્ષના મૂળમાં પાણી ચઢાવી, પીપળે દીવો કરીને પિતૃઓની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી. આ વિધિ સર્વપિતૃ અમાસે કરવાથી પિતૃદોષમાં રાહત મળે છે તેમજ પિતૃઓ તૃપ્ત થાય છે તેમજ પરિવારજનો પર પિતૃઓની પ્રસન્ન્તા રહે છે. આ સર્વપિતૃ અમાસની પાછળ એક સુંદર કથા છે તેમજ તેનો મહિમા બતાવ્યો છે. વર્ષો પહેલાં એક ગામમાં એક ડોશીમા રહેતાં હતાં. તેનો એક દીકરો હતો. તે દીકરાનાં લગ્ન બાજુના ગામની એક કન્યા સાથે થયાં. સમય જતાં ડોશીમા મૃત્યુ પામ્યાં. એક સમયે ચૂલાનાં લાકડાં લેવા ડોશીમાનો દીકરો જંગલમાં ગયો, ત્યાં તેને એક ઝેરી સાપે દંશ દીધો. તેનું મૃત્યુ થયું. પેલી કન્યા વિધવા થઇ. ગામના લોકોએ તે કન્યાને સમજાવ્યું કે હવે આ વંશમાં કોઇ પણ રહ્યું નથી. તું તારાં માતાપિતાને ત્યાં જતી રહે. તે કન્યા લોકોના કહેવાથી તેનાં માતાપિતાને ત્યાં રહેવા ગઇ, તે કન્યાનાં માતાપિતા તથા વડીલોએ સમજાવીને તેની સગાઈ બીજી જગ્યાએ કરાવી. તે જ્યારે બીજા ઠેકાણે બળદગાડામાં બેસીને મળવા જતી હતી ત્યારે માર્ગમાં નદી આવી. તે નદી બળદગાડું ચલાવનાર વ્યક્તિના ભાર સાથે પાર કરી શકે તેમ ન હતી તેથી તેણે એ કન્યાને ચાલીને નદીપાર કરવા કહ્યું. તે કન્યા નદીપાર કરીને સામા કાંઠે આવી, તેનાં વસ્ત્રો પલળી ગયાં. ત્યાં બાજુમાં પીપળાના વૃક્ષની નીચે તે કન્યા તેનાં ભીનાં કપડાંને નીચોવવા લાગી. તે ઝાડમાંથી અનેક પિતૃઓ આવ્યા અને તે પાણી પીવા લાગ્યા. આ કન્યાને આશ્ચર્ય થયું અને તેણે તેમને કહ્યું. તમે કોણ છો અને આમ આ પાણી કેમ પીવો છો ? પિતૃઓએ કહ્યું : બેટા, અમે તારા પિતૃઓ છીએ. હવે અમારા કુટુંબમાં પાણી પીવડાવવાવાળું કોઇ રહ્યું નથી, તું પણ બીજે લગ્ન કરીને પારકી થવા જઇ રહી છે. આજે છેલ્લી વાર અમે તારા હાથનું પાણી ગ્રહણ કરી લઇએ તેથી આવ્યા છીએ. તે કન્યાએ કહ્યું: હે પિતૃઓ, હું પણ બીજાં લગ્ન કરવા ઇચ્છતી નથી, તમે કોઇ રસ્તો કાઢો કે જેનાથી હું તમારું કાયમ મારા પિતૃઓ તરીકે પૂજન કરું. આ દિવસ હતો ભાદરવા વદ અમાસ એટલે કે સર્વપિતૃ અમાસનો. એમાંથી એક પિતૃએ કહ્યું: બેટા, અમે તને અમારો દીકરો આપીએ પરંતુ તારે કોઇને આ વાત કહેવી નહીં. કન્યા પિતૃઓની વાતથી સંમત થઇ. પોતાના પિતાના ઘરે જઇને પોતાના સાસરે જવા આગ્રહ કર્યો. ફરી તે સાસરે આવી. રોજ રાત્રે તેનો પતિ આવે તથા આનંદથી દિવસો પિતૃઓની કૃપાથી વીતાવવા લાગી. એક સમયે તે સગર્ભા થઇ. નવમે મહિને સુંદર પુત્ર જન્મ્યો. લોકો અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા પરંતુ તેણે કોઈને કાંઈ પણ ન કહ્યું. આમ દિવસો વીતવા લાગ્યા. તેનો પુત્ર દશ વર્ષનો થયો ત્યારે તેણે સર્વપિતૃ અમાસે મોટો પિતૃયજ્ઞ કર્યો. તે યજ્ઞની પૂર્ણાહુતિમાં તેના પિતૃઓ તેના પુત્રના શરીરમાં આવીને પ્રજાજનોને બધી વાત કરી તેમજ તેમને મુક્તિ મળી ગઇ છે તેવું પ્રમાણ આપ્યું. ગામવાળાઓને વહુની ક્ષમા માંગી. આમ, સર્વપિતૃ અમાસે કરેલું પિતૃકર્મ મનુષ્યના જીવનમાં આનંદ, વૈભવ, સુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. આ વાર્તા સર્વપિતૃ અમાસે જે સાંભળે તેના પિતૃઓ પ્રસન્ન થાય છે.
- પિતૃઓની પ્રસન્ન્તા માટે કરવામાં આવતા ઉપાયો
1. સર્વપિતૃ અમાસે પીપળે જળ ચઢાવી, દીપ પ્રજ્વલિત કરી પિતૃઓ માટે પ્રાર્થના કરવી.
2. શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો.
3. સર્વપિતૃ અમાસે ગાયને ઘાસ, કાગવાસ તેમજ મૂંગાં પ્રાણીઓને રુચિ પ્રમાણે અન્ન આપવું.
4. સર્વપિતૃ અમાસે પાણિયારે એક માટીના કોડિયામાં ત્રણ આડી દિવેટ (તેલ મિશ્રિત કરીને), 5 અગરબત્તી કરીને પિતૃઓનું સ્મરણ કરવું.
5. પાણિયારે પિતૃદોષ નિવારણ યંત્રની વિધિવત્ સ્થાપના કરવી.
6. પિતૃઓની પ્રસન્નતા માટે પીંડદાન, તર્પણ, પિતૃયજ્ઞ, નારાયણબલિ કરવાં.
7. પિતૃમોક્ષાર્થે ભાદરવા કૃષ્ણ પક્ષમાં પિતૃમોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત અનુષ્ઠાન કરાવવું.
8. પિતૃપક્ષમાં બની શકે તો યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપવું.
9. સર્વપિતૃ અમાસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.
10. પિતૃ પક્ષમાં નિયમિત પિતૃ સૂક્તનો પાઠ કરવો.
પિતૃતર્પણનાં તીર્થ : જ્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે
શ્રાદ્ધ પક્ષ દરમિયાન લોકો પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળોમાં શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓનો આત્મા તૃપ્ત થાય છે. ગુજરાતમાં ચાણોદ-કરનાળી, સિદ્ધપુર સહિત અનેક તીર્થો છે. ભારતમાં આવેલાં પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળો વિશે જાણીએ.
ગયા ધામ
એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામ પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરવા માટે ગયા પધાર્યા હતા. વાલ્મીકિ રામાયણમાં એવી કથા છે કે પીંડદાન માટે રામ અને લક્ષ્મણ સામગ્રી લેવા માટે બજાર ગયા હતા. તેમને પાછા વળતાં બહુ વાર થઈ. જ્યારે પીંડદાનનો સમય આવ્યો ત્યારે દશરથજીનો આત્મા સીતાજી સમક્ષ ઉપસ્થિત થયો અને પીંડ માંગવા લાગ્યો. તેથી સીતાજી વિચારમાં પડી ગયાં કે હવે શું કરું? થોડી ક્ષણો વિચાર કરીને સીતાજીએ રેતીનો પીંડ બનાવીને ગાય, ફલ્ગુ નદી, કેતકીનાં ફૂલ, વડનું વૃક્ષ અને કાગડાની સાક્ષીએ દશરથજીને રેતીના પીંડનું દાન કર્યું.
રામ-લક્ષ્મણ જ્યારે પાછા ફર્યાં ત્યારે સીતાજીએ જણાવ્યું કે તેમણે દશરથજીને પીંડદાન આપી દીધું છે ત્યારે શ્રીરામે સીતાજીને પૂછ્યું કે કોઈ પણ પ્રકારની સામગ્રી વગર પીંડદાન કેવી રીતે કર્યું? તેના કોઈ સાક્ષી તો જણાવો. ત્યારે સીતાજીએ ગાય, નદી, ફૂલ, વડ અને કાગડાને સાક્ષી પૂરવા કહ્યું, પરંતુ વડના વૃક્ષને બાદ કરતાં બધાંએ સાક્ષી પૂરવાની ના પાડી. ત્યારબાદ સીતાજીએ દશરથ રાજાનું ધ્યાન કર્યું. દશરથ રાજાનો આત્મા ફરીથી પ્રગટ થયો અને જણાવ્યું કે સીતાજીએ રેતીના પિંડનું દાન કર્યું છે. આ રીતે દશરથ રાજાને સીતાજી દ્વારા પીંડદાન કરવાથી મુક્તિ મળી ગઈ, ગયા ધામ બિહારની રાજધાની પટનાથી લગભગ 100 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. એવી માન્યતા છે કે અહીં પીંડદાન કરવાથી સાત પેઢીઓના પિતૃઓને મોક્ષ મળે છે.
હંસ કુંડ અને પ્રયાગ
હંસ કુંડ ઉત્તરાખંડમાં ભગવાન શિવના પાવન ધામ કેદારનાથ પાસે આવેલો છે. આ સ્થળે પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓને તત્કાળ પ્રેતયોનિમાંથી મુક્તિ મળે છે અને શિવલોકમાં સ્થાન મેળવે છે.
ભગવાન શિવના ત્રિશૂળ પર સ્થિત પાવન નગરી કાશી પણ મુખ્ય શ્રાદ્ધ તીર્થોમાંનું એક છે. શાસ્ત્રો અનુસાર અહીં પ્રયાગ તટ પર કરવામાં આવેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓને મુક્તિ પ્રદાન કરે છે. પ્રયાગમાં ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના તથા સરસ્વતીનો સંગમ થાય છે. પુરાણો અનુસાર અહીં અમૃત કળશમાંથી કેટલીક બુંદો છલકીને પડી હતી, તેથી આ સ્થળ અમૃતમય છે. એવું કહેવાય છે કે કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તેને શિવલોકમાં સ્થાન મળે છે, તેથી જ ઘણા લોકો મૃત્યુનો સમય નજીક આવે ત્યારે પ્રયાગમાં આવીને રહે છે. અહીં ગૌ દાન, અન્નદાન, વસ્ત્રદાન તથા બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને પોતાનાં સંતાનોને ઉન્નતિના આશીર્વાદ આપે છે.