સાવિત્રીબાઈ ફુલે શિક્ષક હોવાની સાથે ક્રાંતિકારી કદમ ઉઠાવનાર દેશનાં પહેલા મહિલા હતાં. તેમણે દેશમાં નારીમુક્તિ આંદોલનની શરૂઆત કરીને ભારતીય મહિલાઓ માટે મુક્તિનો માર્ગ ખોલી નાંખ્યો હતો રતની મહિલાઓ આજે ભલે ટેક્નોલોજીથી લઇને સ્પેસ સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી ચૂકી છે, પરંતુ દેશને આઝાદી મળી એ પહેલાં સામાન્ય ઘરની છોકરીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર પણ નહોતો. છોકરીઓ સ્કૂલે જાય એને પાપ માનવામાં આવતું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે ભણવું અને શિક્ષિકા બનીને વિદ્યાર્થિનીઓ માટે સ્કૂલ ખોલવી એ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કામ હતું. જે સાવિત્રીબાઈ ફુલેએ કરી બતાવ્યું. 3 જાન્યુઆરી, 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાનકડા ગામમાં સાવિત્રીબાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ખંડોજી નેવસે અને માતાનું નામ લક્ષ્મી હતું. સાવિત્રીબાઈને નાનપણથી ભણવાનો શોખ હતો. એક દિવસ તેમના હાથમાં એક અંગ્રેજી પુસ્તક આવી ગયું. એ વખતે તેમને વાંચતા તો આવડતું નહોતું તેથી પુસ્તકનાં પાનાં ફેરવી રહ્યાં હતાં. આમ કરતાં પિતા સાવિત્રીબાઇને જોઇ ગયા. તેમણે ગુસ્સામાં સાવિત્રીબાઇના હાથમાંથી પુસ્તક ખેંચી લીધું અને બહાર ફેંકી દીધું. તેમનું કહેવું હતું કે શિક્ષણ પર ફક્ત ઉચ્ચ જાતિના પુરુષોનો જ અધિકાર છે. દલિત અને મહિલાઓ માટે શિક્ષણ ગ્રહણ કરવું પાપ છે. આ વાત તેમના હૃદયમાં ખૂંચી ગઇ. એ જ સમયે તેમણે નક્કી કર્યું કે એક દિવસ તેઓ જરૂર ભણશે.
સાવિત્રીબાઇનાં લગ્ન નવ વર્ષની નાની ઉંમરમાં થઇ ગયાં હતાં. તેમના પતિનું નામ જ્યોતિરાવ ફુલે હતું. લગ્ન સમયે તેમની ઉંમર 13 વર્ષ હતી. લગ્ન થયાં ત્યારે સાવિત્રીબાઇ અભણ હતાં અને પતિ ફક્ત ત્રીજા ધોરણ સુધી ભણ્યાં હતા. લગ્ન પછી તરત જ તેઓ પતિ સાથે પૂના આવી ગયાં હતાં. લગ્ન થયાં એ વખતે તે ભણેલાં ગણેલાં નહોતા, પરંતુ નાનપણથી તેમને ભણવાનો શોખ હતો. તેમના શોખને જોઇને પતિએ તેમને વાંચતાં લખતાં શીખવ્યું. જ્યારે તે સ્કૂલમાં ભણવા જતાં હતાં ત્યારે લોકો તેમના ઉપર પથ્થર ફેંકતાં હતા. તેમ છતાં લક્ષ્ય સુધી પહોંચીને રહ્યાંં. સાવિત્રીબાઇએ અહમદનગર અને પૂનામાં શિક્ષક બનવા માટેનું શિક્ષણ લીધું અને શિક્ષિકા બનીને જ ઝંપ્યાં.










