બાળકો, અત્યારનો સમય ડિજિટલ યુગ તરીકે જાણીતો બન્યો છે અને દરેક દેશના તમામ નાગરિકો એ ડિજિટલ નાગરિક છે. ડિજિટલ નાગરિક માટે હંમેશાં ડેટાનું ઝડપથી વહન અને સુરક્ષા બંને વસ્તુ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. દરેક ડિજિટલ નાગરિક, સંસ્થા, સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, બેન્કો, કંપનીઓ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલ સંરક્ષણ સંસ્થાઓ માટે ડેટા સામાન્ય હોય અથવા કોઈ પ્રસંગોપાત ડેટા હોય તો તે એટલો જ અગત્યનો હોય છે. આજે ડિજિટલ સુરક્ષા માટે જરૂરી એવી સ્ટેગનોગ્રાફી પદ્ધતિના પ્રકાર, ફાયદાઓ અને ગેરફાયદાઓ જાણીશું.
સ્ટેગનોગ્રાફીના પ્રકાર
સ્ટેગનોગ્રાફીને પાંચ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે.
(1) ટેક્સ્ટ સ્ટેગનોગ્રાફી (2) ઇમેજ સ્ટેગનોગ્રાફી (3) ઓડિયો સ્ટેગનોગ્રાફી (4) વીડિઓ સ્ટેગનોગ્રાફી (5) નેટવર્ક સ્ટેગનોગ્રાફી
1) ટેક્સ્ટ સ્ટેગનોગ્રાફી: આ પદ્ધતિમાં કોઈ એક પ્રકારની શાબ્દિક માહિતીમાં અન્ય અગત્યની શાબ્દિક માહિતી સંતાડવામાં આવે છે અને ત્યારબાદ તેને એનકોડ (સહજતાથી વાંચી ન શકાય તેવી ) કરીને મોકલવામાં આવે છે. મેળવનાર દ્વારા તેને યોગ્ય પદ્ધતિથી અને સોફ્ટવેરથી જ ડીકોડ (સહજતાથી વાંચી શકાય તેવી) કરીને સંતાડવામાં આવેલ સંદેશ વાંચી શકાય છે. ટેક્સ્ટમાં ડેટા છુપાવવા માટે યાદૃચ્છિક અને આંકડાકીય તેમજ ભાષાકીય વિવિધ તકનીકોનો ઉપયોગ થાય છે.
2) ઇમેજ સ્ટેગનોગ્રાફી: આ પદ્ધતિમાં ઇમેજ ફાઈલ કે જેના અનુલંબન (.jpeg /.png /.gif /.bmp ) હોય તેમાં માસ્કિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને ઇમેજની અંદર અગત્યનો ડેટા સંતાડવામાં આવે છે, જેનાથી ઇમેજ ફાઈલની સૌંદર્યતા પણ ખોરવાતી નથી અને માહિતી પણ યોગ્ય વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી જાય છે. ઇમેજ સ્ટેગનોગ્રાફી પદ્ધતિ લોસલેસ `ડેટા કોમ્પ્રેશન'ને સમર્થન આપે છે.
3) ઓડિયો સ્ટેગનોગ્રાફી: ઓડિયો સ્ટેગનોગ્રાફીમાં ગુપ્ત સંદેશ ને ઓડિયો સિગ્નલમાં એમ્બેડ કરેલો હોય છે, જે સંબંધિત ઓડિયો ફાઇલના દ્વિઅંકી ક્રમમાં ફેરફાર કરે છે. જ્યારે ડિજિટલ સાઉન્ડમાં ગુપ્ત સંદેશાઓ છુપાવવાની પ્રકિયા એ અન્ય સ્ટેગનોગ્રાફી કરતાં ઘણી મુશ્કેલ પ્રક્રિયા છે, જેમાં સૌથી વધુ `લિસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ' પદ્ધતિનો ઉપયોગ થઈ છે.
4) વીડિયો સ્ટેગનોગ્રાફી: વીડિયો સ્ટેગનોગ્રાફીમાં તમે કોઈ પ્રકારનો ડેટા ડિજિટલ વીડિયો ફોર્મેટમાં સરળતાથી છુપાવી શકો છો. આ પ્રકારના સ્ટેગનોગ્રાફીનો ફાયદો એ છે કે વિશાળ માત્રામાં ડેટા છુપાવી શકાય છે. ઇમેજ સ્ટેગનોગ્રાફી અને ઓડિઓ સ્ટેગનોગ્રાફીના સંયોજન સ્વરૂપ તરીકે પણ વિચારી શકો છો.
5) નેટવર્ક સ્ટેગનોગ્રાફી: આનો ઉપયોગ ડેટા પ્રસારણમાં થાય છે. જેમ કે TCP / IP(પ્રોટોકોલ) પેકેટના (ડેટા રૂપી વિગતોનો સમૂહ) હેડરમાં માહિતીને કેટલાંક ક્ષેત્રોમાં છુપાવી શકો છો. નેટવર્ક સ્ટેગનોગ્રાફીનો ઉપયોગ કરીને માહિતી પ્રસારિત કરવી આજના સમયમાં વધુ સલામત છે.
સ્ટેગનોગ્રાફી માટેનાં અગત્યનાં ટૂલ્સ
સ્ટેગનોગ્રાફી માટે ઘણાં ટૂલ સાયબરસ્પેસમાં ઉપલબ્ધ છે, પરંતુ વર્તમાન સમયમાં બે ઓપનસોર્સ ટૂલનો ઉપયોગ થતો હોય છે
1) સ્ટેગોસ્યૂટ (2) સ્ટિગહાઇડ
સ્ટેગનોગ્રાફી માટે ઘણા ઓપનસોર્સ સોફ્ટવેર છે, પરંતુ બને ત્યાં સુધી ડેવલોપર થકી જો લાયસન્સ સોફ્ટવેર બનાવવું વધારે હિતાવહ છે. જેનાથી પોતાના અગત્યના ડેટાની સુરક્ષા પૂરેપૂરી પ્રાપ્ત કરી શકાશે અને અગત્યના ડેટાને હેકરોથી દૂર રાખી શકાશે.
સ્ટેગનોગ્રાફીના ફાયદાઓ : (1) ખાનગી સંદેશાને સુરક્ષિત રીતે મોકલવા માટેની એકમાત્ર પદ્ધતિ (2) હેકરો માટે પડકારજનક પદ્ધતિ (3) એકસાથે એક સંદેશામાં લખાણ, ચિત્ર, ઓડિયો અને વીડિયોને સંકલિત કરીને સુરક્ષિત રીતે આવરી શકાય છે. (4) ડિજિટલ ડેટાને પાસવર્ડ દ્વારા પણ સુરક્ષિત કરી શકાય છે. (5) અમુક સોફ્ટવેરમાં સ્ટેગનોગ્રાફી સાથે એન્ક્રિપ્શન પદ્ધતિનો પણ સમાવેશ કરવામાં આવે છે.
સ્ટેગનોગ્રાફીના ગેરફાયદાઓ : (1) અમુકવાર ફાઇલ, ફોટો, ઓડિયો અને વીડિયોનું મૂળ કદ બદલાઈ જાય છે. (2) ખાસ કરીને ખૂબ જ મોટા કદની ફાઈલો અને ખૂબ જ નાના કદની ફાઈલો હેકર્સના મનમાં શંકા પણ ઉપજાવે છે. (3) અમુકવાર સ્ટેગનોગ્રાફી માટે ઉપયોગમાં આવતા ઓપન સોર્સ સોફ્ટવેર વોટરમાર્ક ઉમેરે છે, જેનાથી હેકર્સ સરળતાથી ડેટાને ડીકોડ કરી નાખે છે.