રમણિકલાલ જગતથી જુદા. તેમના જવાબો પણ દુનિયાથી જુદા. નોકરીમાંથી હમણાં જ નિવૃત્તિ લીધી. આખી જિંદગી પ્રામાણિકતાથી જીવ્યા. હમણાં તેમના વિદાય સમારંભમાં સામેના ટેબલ પર બેસતા ચંદુભાઇએ પૂછ્યું કે આજકાલ પ્રામાણિકતાનું શું આવે? તો તરત એમણે જવાબ આપ્યો બીજા કશાની તો ખબર નથી, પણ નિરાંતની ઊંઘ આવે.
એમની વ્યંગવૃત્તિ પણ ખૂબ અનોખી. એક દિવસ એ રેલવે સ્ટેશને હતા અને એક ટ્રેન આવીને ઊભી રહી. અંદરથી એક ભાઈએ પૂછ્યું આ કયું સ્ટેશન છે? એક ક્ષણનો વિરામ લીધા વગર એમણે જવાબ આપ્યો રેલવે સ્ટેશન.
એ ક્યારે શું કરશે? અને ક્યારે શું બોલશે? એની કોઈને ક્યારેય ખબર ન પડે. એ નાના હતા ત્યારે એક ખૂબ જ રસપ્રદ ઘટના ઘટી હતી. એ વખતે બજારમાં નવી નવી હેર ડાઈ આવી હતી. ટેલિવિઝનથી લઇને સમાચારપત્ર સુધી એક જ જાહેરાત સૌથી વધુ ચાલતી હતી કે હવે કાળા વાળ કરવા ખૂબ સહેલા. ઘરેબેઠાં તમારા સફેદ વાળને કાળા બનાવો અને જુવાન દેખાઓ. એ વખતે રમણિકલાલ ખૂબ નાના અને ઘરમાં એમના કાકાનાં લગ્નનો માહોલ. તૈયારી છેલ્લા પાંચથી છ મહિનાથી શરૂ થઈ હતી. તેમના પપ્પા અને દાદાથી લઈને સૌ કોઇ પોતપોતાની રીતે લગ્નની તૈયારી અને ખરીદી કરી ચૂક્યા હતા. નાનકડા રમણિકલાલે જોયું તો દરેકની ખરીદીમાં પેલી વાળ કાળા કરવાની બજારમાં નવી આવેલી હેર ડાઇ તો હતી જ. એમણે જોયું તો તેમના પપ્પાના અને મમ્મીના વાળ કંઈ ખાસ ધોળા નહોતા થયા, પણ દાદા અને બાના તો સાવ ધોળા હતા, પણ લગ્નના આગલા દિવસે જોયું તો પપ્પાથી લઈને દાદા સુધી સૌ કોઈએ વાળમાં ડાઇ લગાડી. ઘરમાં કોઈના વાળ સફેદ જડે જ નહીંને. લગ્નને કારણે ઘરે આવેલા બીજાં સગાં અને વડીલો પણ વધેલી હેર ડાઇ લગાડીને ફરી રહ્યાં હતાં.
બીજા દિવસે સવારે લગ્નના વરઘોડાની તૈયારી થઈ એ પહેલાં નાનકડા રમણિકે પોતાના દફતરમાંથી રંગોનો ડબ્બો અને પીંછી લીધી અને પોતાના વાળમાં સફેદ રંગ લગાડ્યો. છેક વરઘોડો નીકળવાની તૈયારી હતી ત્યારે જ એ માથામાં સફેદ રંગના લીટા મારેલ સૌની સામે આવ્યા. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. એમની મમ્મી અને બાના મોંમાંથી એકસાથે શબ્દો સરી પડ્યા, `આ શું?'
રમણિકલાલે ઠાવકાઈથી જવાબ આપ્યો. ઘરનો પ્રસંગ છે કોઈ વડીલ તો જોઇશેને. જરા નજર તો કરો, છે કોઇ વડીલ આપણી જાનમાં!
બસ, સાંભળ્યું છે આ રમણિકલાલ આજકાલ પોતાના ખૂબ જ કહ્યાગરા દીકરાને પોતાના સમ આપી ઘરડાઘરમાં સામેથી રહેવા ગયા છે. જગતથી જુદા ખરાને!