આપણે કુરબાની ફિલ્મ વિશે વાત કરી રહ્યાં હતા. આ ફિલ્મમાં પહેલાં ફિરોઝ ખાનને અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવા હતા, પણ અમિતાભ એ સમયે ફ્રી નહોતા. તેમની પાસે ફિરોઝને જોઈતી તારીખ નહોતી. ફિરોઝ ખાને છ મહિના સુધી અમિતાભની રાહ જોવી પરવડે એમ નહોતી તેથી તેમણે અમિતાભના બદલે બીજા હીરોને કાસ્ટ કરવાનું નક્કી કર્યું. બીજો હીરોની પર્સનાલિટી અમિતાભ જેવી જ હોવી જરૂરી હતી, કારણ કે એ રોલ માટે એ મહત્ત્વનું હતું. સ્વાભાવિક હતું કે વિનોદ ખન્નાને જ ફાઇનલ કાસ્ટ કરવામાં આવે. વિનોદ ખન્નાને ફિલ્મની વાર્તા ગમી હતી. તેમણે હા કહી.


વિનોદ ખન્નાને કાસ્ટ કર્યાં બાદ એક્ટ્રેસ તરીકે રેખાને લેવાનો વિચાર પણ ફિરોઝ ખાને માંડી વાળ્યો. તેમણે વિનોદ ખન્ના સાથે ઝિનત અમાનને કાસ્ટ કરવાનું નક્કી કર્યું. આમ પણ ઝિનત અને ફિરોઝ ખાન સારા મિત્રો હતાં. તેમણે પહેલાં પણ સાથે કામ કર્યું હતું. ઝિનત સાથે આમ પણ ફિરોઝ ખાને બીજી એક ફિલ્મ માટે લૈલા ઓ લૈલા...ગીત શૂટ કર્યું હતું તે તેમણે એ ફિલ્મમાં નહીં લઇને બીજી ફિલ્મમાં લેવાનું નક્કી કર્યું હતું. ફિરોઝે ઝિનતને કહ્યું આપણે લૈલા ઓ લૈલા કુરબાનીમાં લઇ શકીએ? ઝિનત કહે, પણ એ ફિલ્મમાં તું રેખાને કાસ્ટ કરવા માંગતો હતો, ફિરોઝ કહે, માંગતો હતો પણ હવે હું તારી સાથે એ ફિલ્મ કરવા માગું છું. આટલી સરળતાથી કુરબાનીની ઓફર ઝિનતને થઇ અને તેમણે તેને સ્વીકારી પણ લીધી.

કુરબાની ફિલ્મમાં શક્તિ કપૂરની એન્ટ્રી બહુ ફિલ્મી રીતે થઇ હતી. કદાચ શક્તિ કપૂરને અંદાજો પણ નહોતો કે તેને કુરબાની જેટલી મોટી ફિલ્મ એક વાર લક બાય ચાન્સ મળી જશે. બન્યું એવું કે રસ્તામાં શક્તિ કપૂર અને ફિરોઝ ખાનનો એક્સિડન્ટ થઇ ગયો. એ સમયે શક્તિ કપૂર મૉડેલિંગ કરી રહ્યાં હતા, તેમણે મૉડેલિંગના પૈસામાંથી જૂની ફીઆટ 1961 ખરીદી હતી. તેઓ એ ચલાવી રહ્યા હતા અને ફિરોઝ ખાન પોતાની બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝમાં હતા. બંનેની કારનો એક્સિડન્ટ લિંકિંગ રોડ પાસે બાન્દ્રામાં થયો. શક્તિ કપૂર એકદમ ફીઆટમાંથી બહાર આવ્યા અને ફિરોઝ ખાનની મર્સિડીઝ આગળ આવીને ઝઘડવા લાગ્યા. ફિરોઝ ખાન બહાર નીકળ્યા ત્યારે શક્તિ કપૂરને ખબર પડી કે ઓહ! આ તો સુપરસ્ટાર ફિરોઝ ખાન છે. શક્તિ કપૂરે તરત માફી માંગી અને કહ્યું સોરી સર, મને નહોતી ખબર કે તમે છો. હું એફ.ટી.આઈ.આઈનો સ્ટુડન્ટ છું, તમારો બહુ મોટો ફેન છું, મને તમારી સાથે કામ કરવાનો ચાન્સ આપશો? એ સમયે તો ફિરોઝ ખાને શક્તિને કંઈ જવાબ ન આપ્યો પણ શક્તિ ફિરોઝના મનમાં વસી ગયા હતા. તેમને એ તરવરિયો યુવાન ગમી ગયો હતો. એ સમયગાળામાં ફિરોઝ આમ પણ કુરબાની ફિલ્મ લખી રહ્યાં હતા. થોડા દિવસ બાદ તેની ઓફિસમાં ફિરોઝ ખાને કે કે. શુક્લાને બોલાવ્યા અને કહ્યું યાર, શુક્લા મારો થોડા દિવસ પહેલાં એક્સિડન્ટ થયો હતો, એ છોકરાની આંખમાં વિલન જેવો પ્રભાવ હતો, મને તે એટલો મનમાં વસી ગયો છે કે કુરબાની માટે હું એને જ વિલન તરીકે કાસ્ટ કરવા માગું છું, પણ સમસ્યા એ છે કે હું એનું નામ ભૂલી ગયો છું બસ, એટલું યાદ છે કે તે એફ.ટી.આઈ.આઈનો સ્ટુડન્ટ હતો. તું એને શોધી લાવ, આપણે કુરબાનીમાં એને જ લેવો છે.

કે કે. શુક્લાએ એ સમયે ફિરોઝ ખાનને હા તો કહી પણ તેઓ જાણતા નહોતા કે ફિરોઝ કયાં યુવાનની વાત કરી રહ્યાં હતા, વળી કહાનીમાં ટ્વિસ્ટ એ પણ હતો કે શક્તિ કપૂર અને કે કે. શુક્લા એકબીજાને ઓળખતા હતા. શક્તિ ઘણી વાર તેમના ઘરે જમવા જતો એટલે શુક્લાને પણ શક્તિને જ વિલન તરીકે લેવા હતા, પણ ફિરોઝના મનમાં એક્સિડન્ટવાળો છોકરો વસેલો હતો. બંનેમાંથી એકેયે નહોતા જાણતા કે એ છોકરો એ જ શક્તિ કપૂર જ હતો. સદનસીબે એક વાર શક્તિ કપૂર સાથે કે કે. શુક્લાએ વાત કરી કે યાર, મારે તને કુરબાનીમાં રોલ આપવો છે પણ ફિરોઝના મનમાં તેનો જેની સાથે એક્સિડન્ટ થયો હતો તે છોકરો વસેલો છે. શક્તિ કહે, એ હું જ છું, મારી સાથે જ એક્સિડન્ટ થયો હતો. આ સાંભળીને શુક્લા ખુશ થઇ ગયા. તેઓ બીજા દિવસે જ શક્તિ કપૂરને ફિરોઝ ખાનની ઓફિસ લઇ ગયા અને કુરબાનીમાં વિલન તરીકે શક્તિ ફાઇનલ થઇ ગયા.


  • Follow us on: